બારગુંડા : મધ્યપ્રદેશમાં મુખ્યત્વે રતલામ જિલ્લામાં રહેતા લોકોની એક જાતિ. તેને બરગુંડા પણ કહે છે. તેઓ ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ વગેરે ઠેકાણે પણ રહે છે. તેઓ તમિળ ભાષાને મળતી ભાષા બોલે છે અને તામિલનાડુમાંથી આ તરફ આવ્યા છે, એવો એક મત છે. તે એક વિચરતી જાતિ છે અને તેમને પોતાના મૂળ વતનની માહિતી નથી. તેમણે ત્યાંના સ્થાનિક લોકોની રહેણીકરણી અને જીવનશૈલી અપનાવી લીધી છે. આ લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય છે. પુરુષો સાવરણા, ટોપલા, ચટાઈઓ વગેરે બનાવે છે અને તેમની સ્ત્રીઓ તે બધું બજારમાં વેચે છે. એ રીતે રોજિંદી કમાણીમાંથી તેઓ ગુજરાન ચલાવે છે.

આ લોકોનો લગ્નસમારંભ ત્રણ દિવસ ચાલે છે. તેમાં સ્ત્રીઓ મુખ્ય ભાગ ભજવે છે. તેમના રિવાજ મુજબ કોઈ વિધુર વિધવા સાથે બીજું લગ્ન પણ કરી શકે છે. તેઓ ભૂતપ્રેતમાં માને છે. તેઓ શબનો અગ્નિસંસ્કાર કરી, ત્રણ દિવસનું સૂતક પાળીને જ્ઞાતિભોજન કરે છે.

જયકુમાર ર. શુક્લ