બારગઢ : ઓરિસા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 21° 20´ ઉ. અ. અને 83° 37´ પૂ. રે. પર આવેલા બારગઢની આજુબાજુનો કુલ 5,832 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તેની વાયવ્યમાં અને  ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્યની સીમા, ઈશાનમાં ઝારસુગુડા જિલ્લો, પૂર્વમાં સંબલપુર જિલ્લો, દક્ષિણમાં સોનેપુર અને બાલાંગીર જિલ્લા તથા પશ્ચિમે નવાપરા જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો વિશેષે કરીને પદમપુર ઉપવિભાગની જંગલ-આચ્છાદિત ટેકરીઓ તથા નાની, નીચી હારમાળાઓથી ઘેરાયેલો ખુલ્લો પ્રાદેશિક વિસ્તાર રચે છે. બારગઢ ઉપવિભાગ અસમતળ ભૂપૃષ્ઠવાળો છે, તેના ભૂમિભાગો સ્થાનભેદે 146થી 288 મીટરની જુદી જુદી ઊંચાઈવાળા છે, પરંતુ બાકીનો મોટોભાગ મેદાની છે. જિલ્લાની નૈર્ઋત્ય સીમા પદમપુર ઉપવિભાગમાં આવેલા ગંધમર્દન (પૌરાણિક નામ : ગંધમાદન) પર્વતથી જુદી પડી આવે છે. આ જિલ્લામાં ટેકરીઓની ઘણી હારમાળાઓ આવેલી છે. બારગઢ ઉપવિભાગમાં આવેલી બડાપહાડ હારમાળામાં 691 મીટરની ઊંચાઈ ધરાવતું દેવરીગઢ શિખર અલગ તરી આવે છે. દક્ષિણ સીમા પરનો ગંધમર્દન પર્વત સહિતનો બીજો સમૂહ બાલાંગીર જિલ્લાને આ જિલ્લાથી અલગ કરે છે. 985.72 મીટર ઊંચાઈ ધરાવતું નૃસિંહનાથ અહીંનું સર્વોચ્ચ શિખર છે.

જળપરિવાહ : મહા નદી અહીંની મુખ્ય નદી છે. બારગઢનાં મેદાનોમાં થઈને વહેતી જિરા અને જૌન તેની ઉપશાખાઓ છે. કાલહંદી જિલ્લામાંથી નીકળતી ઓંગ જિલ્લાના નૈર્ઋત્યમાં આવેલા બોરાશંબર નજીકથી પ્રવેશે છે. આ બધી નદીઓનાં તળ ખડકાળ છે, તે ઉનાળાની મોસમમાં મોટેભાગે  સુકાઈ જાય છે, તેથી જળમાર્ગ તરીકે ઉપયોગી બનતી નથી.

ખેતીપશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. બારગઢ અને પદમપુર ઉપવિભાગોની ખેડાણલાયક કુલ ભૂમિની 80% જમીનોમાં વાવેતર થાય છે. હીરાકુડ બંધયોજનાથી અહીંની ફળદ્રૂપ જમીનોને – ખાસ કરીને બારગઢ વિભાગને – સિંચાઈનો લાભ મળી રહે છે. ડાંગર, કઠોળ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં ભેંસો, ઘેટાં-બકરાં, ડુક્કર તથા મરઘાં-બતકાંની સંખ્યા વિશેષ છે. તેમને માટે પશુ-દવાખાનાં, પશુ-ચિકિત્સાલયો, ઢોરસહાય-કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે.

બારગઢ જિલ્લો (ઓરિસા)

ઉદ્યોગો-વેપાર : પદમપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં ચૂનાખડકો અને ડૉલોમાઇટના પુષ્કળ જથ્થા મળે છે. આ ખડકોનું ખાણકાર્ય પણ ચાલે છે. બારગઢ ખાતે સિમેન્ટનું કારખાનું, ખાંડનું કારખાનું તથા નજીકમાં આવેલા ટોરા ખાતે સુતરાઉ કાપડની મિલ આવેલાં છે. બારગઢ અને પદમપુરમાં સિમેન્ટ, ખાંડ, નિસ્યંદિત જળ, હાથસાળ-કાપડ, તલતેલ અને લાકડાના રાચરચીલાનું ઉત્પાદન થાય છે. નિકાસ થતી ચીજોમાં સૂતર, હાથસાળનું કાપડ, સિમેન્ટ, ખાંડ, ચોખા, લાકડાં અને વાંસનો તથા આયાતી વસ્તુઓમાં બાંધકામ-સામગ્રી, ખાતરો, ઔષધો, ઘઉં, ધાન્ય તેમજ દોરાનો સમાવેશ થાય છે.

પરિવહન : જિલ્લાના બંને ઉપવિભાગોનાં મુખ્ય વહીવટી મથકો વર્ષભર માર્ગોથી અન્યોન્ય જોડાયેલાં રહે છે. મુંબઈ–કલકત્તા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 બારગઢ ઉપવિભાગમાંથી પસાર થાય છે. રાજ્ય પરિવહનની બસો જિલ્લાના મોટાભાગના માર્ગો પર ચાલે છે. અગ્નિવિભાગીય રેલસેવાની બ્રૉડગેજ રેલવે દ્વારા આ જિલ્લો બાલાંગીર જિલ્લાના તિતલાગઢ અને ઝારસુગુડા જિલ્લાના ઉત્તર ભાગ સાથે સંકળાયેલો છે.

પ્રવાસન : (1) ગંધમર્દન પર્વતની તળેટી ખાતે વિદાલ નૃસિંહનું મંદિર આવેલું છે. પર્વતની બીજી બાજુ હરિશંકર મંદિર અને ધોધ આવેલાં છે. ઈસવી સનના પ્રારંભે આ સ્થળ પાપહરણ સ્થાનક તરીકે જાણીતું હતું. હ્યુ એન સંગના અહેવાલોમાં આ સ્થળનો પો-લો-મો-લો-કિ-લ્લ (Po-Lo-Mo-Lo-Ki-ll) અર્થાત્ પરિમલગિરિ નામ હેઠળ બૌદ્ધ સંસ્કૃતિની પીઠ તરીકે ઉલ્લેખ કરાયેલો છે. ઉચ્ચપ્રદેશના મથાળે આશરે 16 કિમી. લંબાઈના અંતર સુધી મળી આવતાં ખંડિયેરો આ હકીકતને સમર્થન આપે છે. લોકવાયકા મુજબ લક્ષ્મણનું જીવન બચાવવા હનુમાન હિમાલયમાંથી જે પર્વત ઊંચકી લાવેલા તે જ આ ગંધમર્દન પર્વત છે. આ પર્વત વિવિધ ઔષધીય જડીબુટીઓથી સમૃદ્ધ છે. ઉનાળા દરમિયાન આ પર્વતની આજુબાજુનું વાતાવરણ ખુશનુમા બની રહે છે. 53 કિમી. અંતરે આવેલું ખરિયાર અને 100 કિમી. અંતરે આવેલું બારગઢ ગંધમર્દનની નજીકનાં રેલમથકો છે.

(2) હ્યુમા : સંબલપુરથી 32 કિમી. અંતરે આવેલું હ્યુમા ભગવાન શિવનું નિવાસસ્થાન ગણાય છે. ભારતભરમાં માત્ર ઓરિસા રાજ્યમાં જ અહીં એક ઢળતું મંદિર આવેલું છે. અહીં થઈને મહા નદી વહે છે. અહીંનું કુદરતી સૌંદર્ય અદભુત છે. અહીં ક્યારેય ન પકડાતી કુડો નામની માછલીઓ જોવા મળે છે. લોકમાન્યતા મુજબ આ માછલીઓ ભગવાન વિમલેશ્વરની છે. અહીં મહા નદીમાં નૌકાપર્યટન થઈ શકે છે. હીરાકુડ બંધ અહીં નજીકમાં જ આવેલું જોવાલાયક સ્થળ ગણાય છે. વર્ષમાં જુદા જુદા સમયે વાર-તહેવારે અહીં મેળા ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 12,07,172 જેટલી છે, તે પૈકી 6,09,916 પુરુષો અને  5,97,256 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 11,26,625 અને 80,547 જેટલું છે. જિલ્લામાં ઊડિયા, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા બોલાય છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 4,86,615 (3,28,801 પુરુષો અને 1,57,814 સ્ત્રીઓ) છે. જિલ્લામાં 19 પ્રાથમિક, 7 માધ્યમિક અને 6 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ; 3 કૉલેજો, 2 જાહેર પુસ્તકાલયો અને 2 વાચનાલયો આવેલાં છે. જિલ્લામથક બારગઢ ખાતે 14 કૉલેજો (1996 મુજબ) આવેલી છે. બારગઢ અને અને પદમપુર ખાતે 2 હૉસ્પિટલો, 1 ચિકિત્સાલય, 2 સારવાર-કેન્દ્રો, 2 કુટુંબ-નિયોજનકેન્દ્રો અને 1 સ્વાસ્થ્યકેન્દ્ર આવેલાં છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 2 ઉપવિભાગોમાં, 8 તાલુકાઓમાં, 12 સમાજવિકાસ ઘટકોમાં તેમજ 196 ગ્રામપંચાયતોમાં વહેંચેલો છે. જિલ્લામાં 3 નગરો અને 1,208 ગામડાં આવેલાં છે. બારગઢ, પદમપુર અને બારાપુલી નગરો એક લાખથી ઓછી વસ્તી ધરાવે છે.

ઇતિહાસ : 1993ના માર્ચમાં બારગઢ અને પદમપુર – એ બે ઉપવિભાગોને સંબલપુર જિલ્લામાંથી અલગ કરીને નવા બારગઢ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. આ કારણે તેની ઐતિહાસિક ભૂમિકા સંબલપુર જિલ્લા સાથે સંકળાયેલી છે.

ગિરીશભાઈ પંડ્યા