બાપા રાવળ (બપ્પા રાવલ)

January, 2000

બાપા રાવળ (બપ્પા રાવલ) (ઈ. સ.ની આઠમી સદી) :  મેવાડના ગોહિલ વંશના રાજા. મેવાડના ગોહિલ વંશના તેઓ સ્થાપક હતા એમ માનવામાં આવે છે. 13મી સદીના વૃત્તાંતો મુજબ બપ્પાએ આનંદપુર-(ગુજરાતનું વડનગર)થી આવીને ગુરુ હારિતરાસીની કૃપાથી ચિતોડનું રાજ્ય મેળવ્યું અને રાવલનું બિરુદ પામ્યા. ગોહિલ વંશના રાજા કાલભોજ તે બપ્પ હતા એમ કેટલાક માને છે. વળી આ વંશના રાજા ખોમ્માણ કે ખુમ્માણ પણ બપ્પા હતા એમ માનવામાં આવે છે. તેથી બપ્પા રાવલ નામ નહિ પરન્તુ ખિતાબ હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. અરબોએ 725માં પશ્ચિમ ભારત પર આક્રમણ કર્યું ત્યારે રાજસ્થાનના બે રાજાઓએ તેમનો સામનો કર્યો હતો. નાગભટ્ટ પહેલાએ પશ્ચિમ રાજસ્થાન અને માળવામાંથી અને બપ્પા રાવળે મેવાડ અને તેની આસપાસના વિસ્તારમાંથી અરબોને નાસી જવાની ફરજ પાડી હતી. તેમણે ચિતોડનો કિલ્લો પણ જીતી લીધો હતો. બપ્પા રાવલ અગાઉ આશરે બે સદી પર્યંત ગોહિલોએ મેવાડમાં રાજ્યશાસન કર્યું હતું; પરંતુ તેમણે અરબો સામે જે શૂરવીરતા દાખવી તેથી ભવિષ્યની પ્રજાએ તેમને ગોહિલ વંશના સ્થાપક માની લીધા છે. એ વંશની મુખ્ય શાખા મેવાડમાં હતી. બપ્પાના સોનાના સિક્કા મળ્યા છે, તેના પરથી તેઓ શિવભક્ત હોવાનું જાણવા મળે છે. ગોહિલ વંશના રાજાઓમાં બપ્પા રાવળ ઘણું પ્રતિષ્ઠિત નામ ગણાય છે. તેમના નામે શૂરવીરતાની અનેક દંતકથાઓ પ્રચલિત છે.

જયકુમાર ર. શુક્લ