બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ

January, 2000

બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ (જ. 8 ઑગસ્ટ 1924, પોરબંદર) : ગુજરાતના ખ્યાતનામ હવેલી-સંગીતકાર. હવેલી-સંગીતનો વારસો તેમને વંશપરંપરાગત રીતે મળ્યો છે. તેમના દાદા પરસોતમદાસ તથા પિતા વલ્લભદાસ બંને હવેલી-સંગીતના નિપુણ સંગીતકારો હતા. તેમણે સંગીતશિક્ષણ ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ-વાદક સદગત ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી અને હવેલી-સંગીતની તાલીમ તેમના પિતા વલ્લભદાસ પાસેથી ખૂબ જ નાની વયે પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત વડોદરાના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય-વિદ્યાલયમાંથી પણ તેમણે સંગીતનું વિશેષ શિક્ષણ મેળવ્યું હતું. મુંબઈના ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી સંગીત અલંકારની પદવી પણ તેમણે મેળવેલી.

વિઠ્ઠલદાસ વલ્લભદાસ બાપોદરા

તેમણે પોરબંદર, જૂનાગઢ અને મુંબઈની હવેલીમાં 10 વર્ષ સુધી કીર્તનકાર તરીકે કામ કર્યું. જૂનાગઢની સરકારી શાળામાં 10 વર્ષ સુધી સંગીતશિક્ષક તરીકે કામગીરી બજાવી. ભાવનગરની ન. મ. ગાંધી મહિલા કૉલેજમાં પણ સંગીતપ્રાધ્યાપક તરીકે 20 વર્ષ કામગીરી બજાવી. અત્યારે દેશના જુદા જુદા ભાગોમાં હવેલી-સંગીત અંગે શિક્ષણ-શિબિરોનું આયોજન કરીને તેના અંગેની સૂઝ-સમજ પ્રગટાવવાનું અને તેનો પ્રસાર કરવાનું કીમતી કાર્ય કરી રહ્યા છે. નિવૃત્તિકાળ દરમિયાન, આકાશવાણી, હવેલી-સંગીત માટેની શિક્ષણ-શિબિરો તેમજ તેના કાર્યક્રમો દ્વારા પુષ્ટિમાર્ગની આ અનોખી તથા કલાપૂર્ણ સંગીતપરંપરાની જાળવણીનો તથા યુવાપેઢીમાં તેની અભિરુચિ પ્રગટાવવાનો તેઓ સાર્થક પુરુષાર્થ કરતા રહ્યા છે. શાસ્ત્રીય સંગીત તેમજ હવેલી-સંગીતમાં તેમણે હજારો શિષ્યો તૈયાર કર્યા છે. હવેલી-સંગીતના સુયોજિત શિક્ષણ તથા વિશેષ સંશોધન અને સર્વાંગી વિકાસ માટે તેમના માર્ગદર્શન હેઠળ ‘અષ્ટછાપ વિદ્યાપીઠ’ની સ્થાપના કરવામાં આવી છે. દેશભરમાં આ પ્રકારની કદાચ આ એકમાત્ર સંગીત-સંસ્થા છે.

તે આકાશવાણીના ઉચ્ચ કક્ષાના કલાકાર છે. તેના રાષ્ટ્રીય કાર્યક્રમમાં હવેલી-સંગીતનો સૌથી પહેલવહેલો કાર્યક્રમ 1969માં પિતા વલ્લભદાસ સાથે રજૂ કર્યો હતો. ત્યારપછી ભુજ, રાજકોટ, અમદાવાદ, દિલ્હી, જયપુર, મથુરા વગેરે કેન્દ્રો ઉપરથી તેમના કાર્યક્રમો અવારનવાર રજૂ થતા રહ્યા છે. મુંબઈ, અમદાવાદ તથા દિલ્હીનાં દૂરદર્શન કેન્દ્રો પરથી પણ તેઓ હવેલી-સંગીતના કાર્યક્રમો રજૂ કરતા રહ્યા છે. એસ. એન. ડી. ટી.; મુંબઈ તરફથી યોજાયેલ સુર સેમિનારમાં સુરદાસનાં પદો પર આધારિત કાર્યક્રમનાં આયોજન-રજૂઆત તેમણે કર્યાં હતાં. વળી દિલ્હીની લલિત કલા અકાદમી તરફથી યોજાયેલ ભક્તિ-સંગીત સંમેલનમાં તેમણે નિદર્શન-સહિત વ્યાખ્યાન આપ્યું હતું. મુંબઈના ઇન્ડિયન નૅશનલ થિયેટર તરફથી યોજાયેલ ‘હવેલી-સંગીત મહોત્સવ’નો સંકલિત કાર્યક્રમ તેમના દ્વારા પ્રસ્તુત થયો હતો. 1982માં યોજાયેલ ‘હવેલી-સંગીત શતાબ્દી સમારોહ’માં દેશના નામી કીર્તનકારો સાથે તેમણે પ્રભાવશાળી કાર્યક્રમ રજૂ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદમાં પણ તેમણે ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિભાગ તરફથી દર વર્ષે યોજાતા ભક્તિ-સંગીત સંમેલનમાં હવેલી-સંગીતના વિભાગનું સંચાલન તેઓ કરે છે.

અખિલ ભારત બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત, સૂરત તરફથી તેમને ‘કીર્તનભૂષણ’ની પદવી અપાઈ છે. ગુજરાત સરકાર તરફથી 1996માં ગૌરવ પુરસ્કાર વડે તેમનું સન્માન કરાયું છે.

મહેશ ચોકસી