બાઉન્સર : ક્રિકેટમાં ગોલંદાજ દ્વારા નાખવામાં આવતો ટૂંકી પિચવાળો દડો, જે પિચ પર ટપ્પો પડીને બૅટ્સમૅનની છાતી, ખભા કે માથા સુધી ખૂબ વેગથી ઊછળતો હોય. ‘બાઉન્સર’ શબ્દ ક્રિકેટની રમત સાથે સંબંધ ધરાવે છે. બાઉન્સર એટલે કોઈ પદાર્થ(બૉલ)નું કોઈ પણ કઠણ પદાર્થ (પિચ) સામે અથડાઈને પાછું ઊછળવું. બાઉન્સરનો ઉપયોગ બૅટ્સમૅનને ડરાવવા માટે અથવા તેની વિકેટ લેવા માટે થાય છે. બાઉન્સર રમતી વખતે બૅટધર નીચે બેસીને અથવા બૉલની દિશામાંથી શરીરને ખસેડી લે છે, જ્યારે સમર્થ બૅટ્સમૅન બાઉન્સરને બૅટ ઘુમાવી ‘હુક’ કરીને રમે છે.
વારંવાર બાઉન્સર ફેંકવામાં આવે ત્યારે અમ્પાયર નીચે મુજબના નિર્ણયો લઈ શકે છે :
(1) અમ્પાયર બૉલરને ચેતવણી આપે છે. (2) પુનરાવર્તન કરતાં નો-બૉલ જાહેર કરી દડો મૃત જાહેર કરીને, ઓવરસમાપ્તિની જાહેરાત કરે છે અને સુકાનીને ગોલંદાજ બદલવાનું કહે છે. (3) દૂર કરાયેલા ગોલંદાજને તે મૅચમાં ફરીથી ગોલંદાજી કરવા દેવામાં આવતી નથી. (4) આ પ્રકારના બનાવની લેખિત જાણ અમ્પાયર વ્યવસ્થાપક સમિતિને કરે છે, જેથી ખેલાડી સામે યોગ્ય પગલાં લઈ શકાય.
હર્ષદભાઈ પટેલ
સુધીર તલાટી