બાઉન્ટી ટાપુઓ : દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુથી અગ્નિકોણ તરફ 668 કિમી.ને અંતરે આવેલા 13 ટાપુઓનો સમૂહ. ભૌગોલક સ્થાન : 47° 41´ દ. અ. અને 179° 03´ પૂ. રે. ટાપુઓનો કુલ વિસ્તાર માત્ર 0.6 ચોકિમી. જેટલો જ છે. ટાપુઓનું ભૂપૃષ્ઠ પ્રપાતી ઢોળાવોવાળું, અસમતળ છે. બધા જ ટાપુઓ ઉજ્જડ તથા નિર્જન છે.

ઊંચા ખડકો અને અત્યંત છેવાડાના અંતરિયાળ સ્થાન ધરાવતા બાઉન્ટી ટાપુઓનો જીવંત સમુદ્રતટ

1788માં બાઉન્ટી નામના અંગ્રેજ વહાણના કૅપ્ટન વિલિયમ બ્લાઈએ આ ટાપુઓ શોધી કાઢેલા. ઓગણીસમી સદીની શરૂઆતમાં શિકારીઓએ અહીં વારંવાર આવીને મોટાભાગની સીલ માછલીઓનો તેમની રુવાંટી ભેગી કરવાના વ્યાપારી હેતુથી નાશ કરેલો. ત્યારથી તે સીલ માછલીઓના મથક તરીકે જાણીતું થયેલું. હવે ફરીથી સીલ માછલીઓની સંખ્યા વધવા પામી છે. વળી અહીં પેંગ્વિન પક્ષીઓ પણ ઘણી મોટી સંખ્યામાં મળે છે. આ ટાપુઓનું અન્ય કોઈ વિશિષ્ટ મહત્વ નથી.

ગિરીશભાઈ પંડ્યા