બાઉડલર, ટૉમસ (જ. 1754, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1825) : વિદ્વાન સાહિત્ય-રસિક અંગ્રેજ તબીબ. તેમણે કારકિર્દીનો આરંભ કર્યો તબીબ તરીકે, પણ તેમાંથી નિવૃત્ત થઈ, સાહિત્યિક કામગીરી પાછળ સંપૂર્ણ સમય અને ધ્યાન આપવા માટે ‘આઇલ ઑવ્ રાઇટ’માં જઈને વસ્યા.

10 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ ‘ધ ફૅમિલી શેક્સપિયર’ (1818) દ્વારા તેમણે અપાર નામના મેળવી છે. આ મહાસંપાદનમાં તેમણે, કુટુંબમાં સાથે બેસીને, સુરુચિનો ભંગ કર્યા વિના મોટેથી વાંચી શકાય નહિ તેવા શબ્દો તથા વાક્યપ્રયોગો કાઢી નાખવાની વિલક્ષણ કામગીરી બજાવી છે. આ ઔચિત્યભંગ કરતું લખાણ કાઢી નાખવાની કામગીરી માટે ‘બાઉડલરિંગ’ શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો છે.

મહેશ ચોકસી