બાઇસિકલ : હલકા વજનનું, બે પૈડાં અને સ્ટિયરિંગવાળું, વ્યક્તિ વડે સમતુલાપૂર્વક ચલાવાતું યાંત્રિક વાહન. માનવશક્તિમાંથી પ્રણોદન (propulsion) ઉત્પન્ન કરવા માટેનું આ સૌથી વધુ કાર્યક્ષમ યંત્ર છે. બાઇસિકલ ઓગણીસમી સદીની શરૂઆતમાં બની. તે વખતમાં, સંચરણ (transportation) અને રમતગમતમાં તે અગત્યનું સ્થાન ભોગવતી હતી. ઘણા દેશોમાં સાઇકલ રસ્તા ઉપરનું અગત્યનું વાહન છે. સાઇકલ ચલાવનાર સહેલાઈથી 16થી 19 કિમી.નું અંતર દર કલાકે કાપી શકે છે. સામાન્ય માણસની ચાલવાની ગતિ કરતાં આ ગતિ લગભગ ચારગણી વધારે છે. 1645માં જીન થેસને પહેલી સાઇકલ બનાવેલી. તે વખતે તે ચાર પૈડાંવાળી હતી. પણ આ સાઇકલ ઘણી મોટી હતી. ઈ. સ. 1818માં પ્રથમ બે પૈડાંવાળી સાઇકલ બની.

બાઇસિકલ

આ સાઇકલ લાકડામાંથી બનાવાઈ હતી અને ઉપર બેઠેલી વ્યક્તિ પોતાના બંને પગ જમીન ઉપર ટેકવી જરૂરી ધક્કો મારી, તેને ચલાવે તેવી ગોઠવણ તેમાં રાખી હતી. પેડલથી ચાલી શકે તેવી સાઇકલ ઈ. સ. 1839માં સ્કૉટલૅન્ડમાં બનાવાઈ. આ બનાવનાર મૅકમિલન નામનો એક લુહાર હતો. મૅકમિલનની સાઇકલમાં, પૈડા જોડે લોખંડની રિમ હતી. દેખાવમાં તે હલકી દેખાતી, પણ હતી ઘણી વજનદાર. આ સાઇકલમાં પેડલ આગલા પૈડાની જોડે જોડેલાં હતાં અને બે દોલાયમાન (swinging) ક્રૅંક જોડેલી હતી. ઉપર બેસનાર આ ક્રૅંકને વારાફરતી ફેરવી, સાઇકલ ચલાવી શકતો હતો. આ જાતની સાઇકલ પ્રચાર પામી નહિ અને થોડા જ વખતમાં તેનું ઉત્પાદન બંધ પડ્યું. મૅકમિલનને સાઇકલનો શોધક કહી શકાય, છતાં પણ પ્રથમ વાપરી શકાય તેવી સાઇકલ પેરી મિચૉક્સ (Michaux) નામની ફ્રેંચ વ્યક્તિએ અને તેના પુત્રે બનાવી. આ સાઇકલ તેમણે પૅરિસમાં 1861માં બનાવી. તેમણે પણ આગળના પૈડાની જોડે બે ક્રૅંક જોડી. સાઇકલ ચલાવનાર પોતાના પગ વડે આ સાઇકલ ચલાવી શકતો હતો. ત્યારબાદ 1865માં મિચૉક્સ પરિવારે વાર્ષિક 400 સાઇકલના દરે તેનું ઉત્પાદન શરૂ કર્યું. 1866માં તેમને સાઇકલનું પ્રથમ પેટન્ટ અમેરિકામાં મળ્યું. 1869માં બ્રેકવાળી સાઇકલ બનાવવામાં આવી. આ બ્રેક એક લીવરની મદદથી લગાડવામાં આવેલી. આ સાઇકલની બેઠક પ્લાસ્ટિક અને ફેલ્ટમાંથી બનાવેલી. તેમાં કેટલીક વાર સ્પ્રિંગ પણ મૂકવામાં આવતી. અત્યારની સાઇકલમાં ચામડાની બેઠક બનાવાય છે અને તેમાં વપરાતી સ્પ્રિંગો સ્ટીલમાંથી બનાવાય છે. હવેની બેઠકો ઢાળેલા પ્લાસ્ટિકમાંથી બનાવાય છે. તેની કિંમત ઘણી ઓછી થાય છે. સાઇકલમાં જરૂરી લાઇટ નાના ડાઇનેમાની મદદથી મેળવાય છે. આ ડાઇનેમો સાઇકલના પૈડાથી ફરે છે. આધુનિક સાઇકલમાં હવે ઘણા ફેરફારો થઈ ગયા છે. સાઇકલ ચેઇનની મદદથી ચલાવાય છે અને તેનાથી પાછલું પૈડું ને તેના કારણે પછી આગળનું પૈડું ફરે છે. પૈડાની અંદર ઘર્ષણ ઘટાડવા માટે બૉલબેરિંગ વપરાય છે. આધુનિક સાઇકલોમાં ઢાળ ઉપર તે સરળતાથી ચઢી શકે તે માટે ગિયરની અથવા ગતિગુણોત્તર બદલી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સાઇકલનું વજન પણ જૂની સાઇકલોના પ્રમાણમાં હવે ઘણું ઘટાડાયું છે. નાનાં બાળકો અને માલસામાન વગેરે માટે સાઇકલમાં બાસ્કેટ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સાઇકલ ચલાવવાથી ચલાવનારને ઘણી સારી કસરત મળે છે. વળી તેનાથી પ્રદૂષણ થતું નથી. તે રાખવા માટે જગ્યા પણ ઓછી જોઈએ છે. તેથી પેટ્રોલના વધતા જતા ભાવવાળી પરિસ્થિતિમાં આ સાધન ઘણું જ ઉપયોગી નીવડ્યું છે. તેમાં વધુ ને વધુ સગવડો થાય તે માટેનાં સંશોધનો પણ ચાલતાં જ રહ્યાં છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ