બાઇલસ્ટાઇન ફ્રેડરિખ કૉનરાડ

January, 2000

બાઇલસ્ટાઇન ફ્રેડરિખ કૉનરાડ (જ. 17 ફેબ્રુઆરી 1838, સેંટ પીટર્સબર્ગ; અ. 18 ઑક્ટોબર 1906, સેંટ પીટર્સબર્ગ) : કાર્બનિક રસાયણના જર્મન-રશિયન જ્ઞાનકોશકાર. જર્મનીમાં અનેક જાણીતા વૈજ્ઞાનિકોના હાથ નીચે કાર્બનિક રસાયણનો અભ્યાસ કર્યા બાદ બાઇલસ્ટાઇન ગોટિંજનમાં અધ્યાપક તથા ત્યારબાદ 1866માં ઇમ્પીરિયલ ટેક્નોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ, સેંટ પીટર્સબર્ગમાં રસાયણના પ્રાધ્યાપક તરીકે જોડાયા. બાઇલસ્ટાઇનનું પોતાનું સંશોધનકાર્ય ખૂબ મર્યાદિત રહ્યું હતું. પરંતુ તેમની નામના તેમની વિખ્યાત ગ્રંથશ્રેણી Hand-buch der Organischen Chemie (1880–83) દ્વારા થઈ, જેમાં પ્રથમ આવૃત્તિમાં જ 15,000 કાર્બનિક સંયોજનોની માહિતી આપવામાં આવી હતી. 1937ની ચોથી આવૃત્તિના કુલ 27 ગ્રંથો છે. હાલમાં સાતમી આવૃત્તિ પ્રાપ્ય છે. કાર્બનિક રસાયણજ્ઞો માટે આ એક ખૂબ ઉપયોગી ગ્રંથશ્રેણી છે.

કાર્બનિક સંયોજનમાં રહેલા હેલોજનની હાજરી પારખવા માટે બાઇલસ્ટાઇનની કસોટી જાણીતી છે, જેમાં ઉપચયન પામેલા તાંબાના તાર ઉપર પદાર્થનું આચ્છાદન કરી તેને જ્યોતમાં ગરમ કરવાથી તેનો રંગ વાદળી-લીલો જણાય તો સંયોજનમાં હેલોજનની હાજરી છે તેમ કહી શકાય. હેલોજનની ગેરહાજરી માટે આ કસોટી ખાતરીબંધ ગણાય છે, કારણ કે કેટલાક નાઇટ્રોજનયુક્ત પદાર્થો પણ જ્યોતમાં આવો રંગ આપે છે.

જ. પો. ત્રિવેદી