બહેરેબુવા (જ. 1890, કુરધા, રત્નાગિરિ; અ. 12 સપ્ટેમ્બર 1965, રત્નાગિરિ) : કિરાના ઘરાણાના અગ્રણી સંગીતકાર. આખું નામ ગણેશ રામચંદ્ર બહેરે; પરંતુ ‘બહેરેબુવા’ના ટૂંકા નામે જ ઓળખાતા થયા. પિતા સંગીતપ્રેમી હોવાથી નાનપણથી જ તેમને કુટુંબના વાતાવરણમાં સંગીત પ્રત્યે ચાહના ઊભી થઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી 14 વર્ષની ઉંમરે વતન છોડીને 1904માં ‘નાટ્યકલા પ્રવર્તક મંડળી’ નામક સંસ્થામાં જોડાઈ ગયા. ત્યાં ગણપતિબુવા ભિલવડીકર પાસેથી શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત કરી. ત્યારબાદ કિરાના ઘરાણાના ઉસ્તાદ અબ્દુલ કરીમખાં સાથે મુલાકાત થતાં તેઓ તેમના શિષ્ય બન્યા અને તેમની પાસેથી એક વર્ષ આલાપ તથા તાનોની ઉચ્ચ કક્ષાની તાલીમ લીધી. ત્યારબાદ 1906માં રાવબહાદુર દેવલની આર્થિક સહાય દ્વારા અગ્રણી સંગીતકાર પંડિત રામકૃષ્ણબુવા વઝે પાસે સંગીતશિક્ષા પ્રાપ્ત કરવા તેઓ બેલગામ ગયા. ત્યાં માત્ર એક માસમાં તેમણે 30 રાગોના નાનામોટા ખયાલોની લગભગ 60 જેટલી ચીજો આત્મસાત્ કરી અને તેની સ્વરાવલિ પણ બનાવી. પછી તે ફરી અબ્દુલ કરીમખાં સાહેબ પાસે મિરજ ખાતે સંગીત શીખવા ગયા. તે પછી દેવાસના વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રજબઅલીખાં સાહેબ પાસેથી તેમની વિશિષ્ટ તાનોની શિક્ષા પ્રાપ્ત કરી. ત્યાંથી તેઓ ભાસ્કરબુવા બખલેના ‘ભારત સંગીત વિદ્યાલય’માં દાખલ થયા જ્યાં એક વર્ષ સુધી સંગીતની સાધના કરી. 1918માં તેઓ અબ્દુલ કરીમ-ખાંસાહેબના મુંબઈ ખાતેના ‘આર્ય સંગીત વિદ્યાલય’માં સંગીતના શિક્ષક તરીકે જોડાયા. ત્યારપછી થોડાક સમય માટે તેમણે મુંબઈની મ્યુનિસિપલ શાળામાં પણ સંગીતશિક્ષક તરીકે સેવાઓ આપી.

1932માં પત્નીના અવસાન પછી તેમણે પોતાના વતન કુર્ધેમાં દત્તમંદિરની સ્થાપના કરી અને બાકીનું જીવન પ્રભુ-ભક્તિમાં વિતાવ્યું.

એમને ભારતના રાષ્ટ્રપતિ તરફથી સુવર્ણચંદ્રકની નવાજેશ થઈ હતી. 1958માં તેમને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર પણ એનાયત થયો હતો. એમની જન્મશતાબ્દી કેટલાંક શહેરોમાં ઊજવાઈ હતી. એમનો પુત્ર રામકૃષ્ણ ઉર્ફે બાખબુવા કુશળ ગાયક છે.

બટુક દીવાનજી