બહ્ર-અલ્-ગઝલ (નદી) : આફ્રિકાના સુદાન દેશમાં આવેલી નદી. પશ્ચિમ તરફથી નીકળીને આવતી આ નદી આશરે 716 કિમી.ની લંબાઈમાં વહીને નાઇલને મલે છે. બહ્ર-અલ-ગઝલની શાખાનદીઓમાં જર, ટોન્જ અને બહ્ર-અલ-અરબ નદીઓનો સમાવેશ થાય છે. મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકની ચારી નદીના જળવિભાજક સુધી વિસ્તરેલું તેનું જલગ્રહણ-ક્ષેત્ર (catchment area) 8,51,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની શાખાનદીઓએ તેમના પોતપોતાના ઉપરવાસમાં આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશને આરપાર વીંધીને ખીણો કોતરી કાઢેલી છે. અલ સુદના પંકપ્રદેશમાંથી તે જ્યારે પસાર થાય છે ત્યારે તેનાં જળનું બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જન થાય છે. આથી જળપ્રવાહનો જથ્થો ઘટે છે, પરંતુ ત્યારપછીનો તેનો જળપ્રવાહ 48 ઘનમીટર જેટલો બની રહે છે.

પ્રાચીન ગ્રીક ભૂગોળવેત્તાઓ પણ આ નદીથી અજાણ ન હતા. 1772માં જીન બૅપ્સિસ્ટ બૉર્ગ્વિનોન દ ઍનવિલેએ નકશામાં આ નદીનો ઉલ્લેખ કરેલો છે.

ગિરીશભાઈ પંડ્યા