બહેરિન : અરબસ્તાન અને ઈરાન વચ્ચે ઈરાનના અખાતમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° ઉ. અ. અને 50° 30´ પૂ. રે.ની આજુબાજુનો ટાપુ-વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઈરાની અખાત તથા પશ્ચિમ તરફ બહેરિનનો અખાત આવેલા છે. આ આરબ ભૂમિ પરના 30થી વધુ ટાપુઓનો ઘણોખરો ભાગ ઉજ્જડ રણથી જ છવાયેલો છે. મુખ્ય ટાપુનું નામ પણ બહેરિન જ છે. તેનો કુલ વિસ્તાર 685 ચોકિમી. જેટલો, ઉત્તર–દક્ષિણ લંબાઈ 80 કિમી. અને પૂર્વ–પશ્ચિમ પહોળાઈ 42 કિમી. જેટલી છે તથા કિનારાની કુલ લંબાઈ 126 કિમી. છે.

સૈકાઓથી બહેરિને વ્યાપાર તેમજ વ્યવહારક્ષેત્રે ઈરાની અખાતમાં તેનું કેન્દ્રીય મથક તરીકેનું મોકાનું સ્થાન અને મહત્વ જાળવી રાખ્યાં છે. અગાઉ તે અવિકસિત હતું, પણ 1932માં અહીં ખનિજતેલ મળી આવ્યા પછી તેનો ખૂબ વિકાસ થયો છે તથા તેનું જીવનધોરણ પણ ખૂબ ઊંચું આવ્યું છે. 1861થી 1971 સુધી તે બ્રિટિશ-આરક્ષિત હતું. 1971માં તેને સ્વતંત્રતા મળી છે. ટાપુના ઈશાન ભાગમાં આવેલું મનામા તેનું પાટનગર, વ્યાપાર-વણજનું મુખ્ય મથક તથા મોટામાં મોટું શહેર છે.

ઉષ્ણ, અને બહુધા વર્ષા વિનાના શુષ્ક હવામાનવાળા બહેરિનમાં કેવળ સિંચાઈ પર અવલંબતી કૃષિ – એક ર્દશ્ય

ભૂમિ-આબોહવા : બહેરિનનો ઘણોખરો ભાગ રણથી છવાયેલો છે. બહેરિનના મુખ્ય ટાપુ ઉપરાંત અન્ય ટાપુઓમાં અલ મુહર્રાક, સિત્રાહ તથા ઉમ્મ નાસનનો સમાવેશ થાય છે. મુખ્ય ટાપુઓને પુલોથી સાંકળી લેવાયેલા છે. બહેરિનથી સાઉદી અરેબિયાની મુખ્ય ભૂમિને જોડતો કૉઝ્વે 1986માં ખુલ્લો મુકાયો છે.

અહીં મળતા સ્વચ્છ જળના ઘણા ઝરાઓ બહેરિન ટાપુના ઉત્તર કિનારા પરના લોકો માટે પીવાના પાણીની સગવડ પૂરી પાડે છે. ખેડૂતો પણ તેમનાં ખેતરોમાં સિંચાઈ માટે ઝરાના પાણીનો જ ઉપયોગ કરે છે. સરેરાશ વાર્ષિક વરસાદ માત્ર 80 મિમી. જેટલો જ રહે છે. વરસાદ મોટેભાગે શિયાળામાં પડે છે. ઉનાળા અતિ ગરમ, ભેજવાળા પણ વર્ષાવિહીન બની રહે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન તાપમાન 38° સે. થી પણ ઉપર પહોંચી જાય છે; શિયાળા નરમ અને ખુશનુમા હોય છે અને ત્યારે તાપમાનનો ગાળો 10°થી 27° સે. જેટલો રહે છે.

અર્થતંત્ર : બહેરિનનું અર્થતંત્ર મોટેભાગે પેટ્રોલિયમ-ઉદ્યોગ પર આધાર રાખે છે. વાસ્તવમાં તો તેનો તેલપુરવઠો પ્રમાણમાં ઓછો છે, પરંતુ સિત્રાહ ટાપુ પરની પેટ્રોલિયમ-રિફાઇનરી દુનિયાની મોટામાં મોટી તેમજ અદ્યતન ગણાય છે. દેશનું તેમજ સાઉદી-અરેબિયામાંથી પાઇપ લાઇન મારફતે આવતું કાચું ખનિજ તેલ અહીં જ શુદ્ધ થાય છે. આ ઉપરાંત બહેરિન કુદરતી વાયુના જથ્થા પણ ધરાવે છે.

બહેરિન ઈરાનના અખાત ખાતેનું મુખ્ય બૅંકિંગ અને નાણાકીય મથક ગણાય છે. ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓનું મધ્ય પૂર્વના દેશો માટેનું તે મુખ્ય મથક પણ છે. જહાજી સમારકામનો મહત્વનો ઉદ્યોગ પણ અહીં આવેલો છે. અહીંની ઉત્પાદકીય પેદાશોમાં ઍલ્યુમિનિયમ તથા તેની પેદાશો, એમોનિયા, લોખંડ, કુદરતી, વાયુ, મિથેનૉલ તથા શુદ્ધ કરાયેલી પેટ્રોલિયમ પેદાશોનો સમાવેશ થાય છે.

મોટાભાગના નિવાસીઓ સરકારી નોકરીઓમાં કામ કરે છે. ઉત્તર તરફના વિસ્તારમાં સિંચાઈની મદદથી ખેડૂતો ખજૂર, ટામેટાં, ફળો તથા શાકભાજી ઉગાડે છે. કેટલાક પશુપાલન અને મરઘાંઉછેરની પ્રવૃત્તિઓ પણ કરે છે. અમુક લોકો માછીમારીમાં રોકાયેલા છે.

અદ્યતન ગોદામો તથા બંદરી સુવિધાઓને કારણે બહેરિન ઈરાની અખાતનું મુખ્ય વેપારી મથક બની રહેલું છે. પેટ્રોલિયમ પેદોશોની નિકાસ થાય છે, જ્યારે કપડાં, કાચું પેટ્રોલિયમ, ખાદ્ય પદાર્થો, ઔદ્યોગિક યંત્રસામગ્રી તથા મોટરવાહનોની આયાત કરવામાં આવે છે. બહેરિનને અન્ય દેશો સાથે સાંકળેલું રાખવા માટે અલ મુહર્રક ખાતે હવાઈ મથકની સગવડ છે. અહીં રેડિયો તથા ટેલિવિઝન-મથકો સરકારને હસ્તક છે.

વહીવટ : બહેરિનમાં શાસક વડાને ‘અમીર’ અને રાજકીય વ્યવસ્થાને ‘અમીરાત’ નામોથી ઓળખવામાં આવે છે. વાસ્તવમાં તો કૅબિનેટ જ બધો વહીવટ સંભાળે છે. કૅબિનેટની નિમણૂક અમીર દ્વારા થાય છે. કૅબિનેટ વડાપ્રધાન તથા 15 સભ્યોની બનેલી હોય છે. શહેરી વસ્તી ધરાવતા વિસ્તારો માટે અમીર મ્યુનિસિપલ કાઉન્સિલ નીમે છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રો માટે તે મુખ્તાર કહેવાતા અધિકારીઓની નિમણૂક કરે છે.

લોકો-વસ્તી : અહીંની કુલ વસ્તી 1991 મુજબ 5,31,000 જેટલી હતી; જે 1996માં 6,16,000 જેટલી થવાનો અંદાજ હતો. વસ્તીની ગીચતા દર ચોકિમી. પ્રમાણે 772 વ્યક્તિની છે. શહેરી વસ્તી 83 % અને ગ્રામીણ વસ્તી 17 % જેટલી છે. અહીંની વસ્તીમાં મુસ્લિમનિવાસીઓ ઉપરાંત ભારતીય, ઈરાનીઓ તથા પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થાય છે. લગભગ બધા જ લોકો મુસ્લિમ ધર્મ પાળે છે. અહીંનો રાષ્ટ્રીય ધર્મ ઇસ્લામ છે.

મોટાભાગના નિવાસીઓ અહીં છૂટાં ઘરોમાં કે અન્યોન્યથી અલગ વ્યવસ્થા ધરાવતાં મકાનો(apartments)માં રહે છે. કેટલીક ગ્રામીણ વસ્તી ઘાસનાં કે અન્ય પ્રકારનાં ઝૂંપડાંઓમાં રહે છે. મધ્ય પૂર્વના દેશો પૈકી બહેરિનમાં વીજળીની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે. અહીં લોકો પાસે એરકંડિશનર કે રેફ્રિજરેટર હોવું એ એક સામાન્ય ઘટના ગણાય છે. જુવાનો પશ્ચિમી ઢબના પોશાકો પહેરે છે, અન્ય ઘણાખરા લોકો અરબી પોશાક પહેરે છે. ખોરાકમાં તેઓ ખજૂર, માછલી, ફળો, દૂધ તથા ચોખા લે છે.

અરબી અહીંની સત્તાવાર ભાષા છે, જોકે ઘણા લોકો અંગ્રેજી અને ફારસી પણ બોલે છે. દૈનિક પત્રો તથા અન્ય સામયિકો અહીં અરબી તથા અંગ્રેજી બંને ભાષામાં બહાર પડે છે. ઈરાની અખાતના પ્રદેશો પૈકી બહેરિનનો અક્ષરજ્ઞાન-દર ઊંચામાં ઊંચો છે. શિક્ષણ નિ:શુલ્ક છે તથા બાળકોને પ્રાથમિક શાળામાં જવાનું કાયદેસર રીતે ફરજિયાત બનાવ્યું છે. દેશમાં 100થી વધુ માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓ છે. વિનયન, વિજ્ઞાન, શિક્ષણ વિદ્યાશાખાઓની યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજો છે. અરબ ગલ્ફ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણની સગવડો પૂરી પાડે છે. સરકાર તરફથી નિ:શુલ્ક સ્વાસ્થ્ય-સંભાળની વ્યવસ્થા પણ છે.

ઇતિહાસ : આજે જ્યાં બહેરિન છે ત્યાં ઈ. પૂ. 2000થી 1800ના ગાળામાં ‘દિલમન’ નામથી ઓળખાતી  સમૃદ્ધ વેપારી સંસ્કૃતિ વિકસેલી હતી. સોળમી સદી દરમિયાન પૉર્ટુગલે બહેરિન પર કબજો મેળવેલો, પરંતુ ત્યારપછી ઈરાને (એ કાળે પર્શિયા) ત્યાં શાસન કરેલું. 1782માં સાઉદી અરેબિયાના એક જૂથ ‘અલ ખલીફા આરબો’એ બહેરિનમાંથી ઈરાનીઓને હાંકી કાઢેલા. ત્યારથી તેમણે જ અહીં શાસન કરેલું છે. 1861માં બહેરિન બ્રિટિશ-આરક્ષિત બનેલું. પોતાના રક્ષણના વળતર રૂપે બહેરિને તેની વિદેશી બાબતો પરનો અંકુશ બ્રિટિશ લોકોને સોંપેલો.

1920 અને ’30ના દાયકા  દરમિયાન બહેરિન સરકારે હૉસ્પિટલો અને શાળાઓ બંધાવી, મજૂરોને કામ કરવાની સુવિધાઓ કરી આપી. 1932માં અહીં પેટ્રોલિયમ મળી આવ્યું. તે પછી દેશનો વધુ વિકાસ શરૂ થયો. 1940ના અંતભાગમાં તથા 1950ના દાયકા દરમિયાન બહેરિનવાસીઓએ સરકારી વહીવટમાં તેમનો સમાવેશ કરવાની માગણીઓ કરેલી. 1956માં રમખાણો ફાટી નીકળ્યાં, તેથી અમુક રાજકીય સુધારાઓ કર્યા. 1970માં અમીર, શેખ ઈસા ખલીફાએ પોતાની કેટલીક સત્તાઓ રાજ્ય કાઉન્સિલ(હવે કૅબિનેટ)ને સોંપી.

1971માં બ્રિટને ઈરાની અખાતમાંથી પોતાનો હક ઉઠાવી લીધો. એ જ વર્ષમાં પછીથી બહેરિન સ્વતંત્ર થયું અને આરબ લીગ તથા યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયું. 1973માં બહેરિનનું પોતાનું બંધારણ તૈયાર થયું; લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનેલી નૅશનલ એસેમ્બ્લીની રચના થઈ. શેખ ઈસાએ 1975માં નૅશનલ એસેમ્બ્લીને વિખેરી નાખી. 1981માં બહેરિન તથા પૂર્વ અરેબિયાનાં અન્ય રાજ્યોએ ભેગાં મળીને રક્ષણ તથા આર્થિક બાબતો માટે ગલ્ફ કૉર્પોરેશન કાઉન્સિલ(GCC)ની રચના કરી.

1990ના ઑગસ્ટમાં ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું. 1991માં બહેરિને યુ.એસ. અને બ્રિટનને પોતાના વિસ્તારનો, હવાઈ દળો તથા નૌકામથકો સ્થાપવા માટે તથા ઇરાકી દળો પર હુમલાઓ કરવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી. બહેરિને ઇરાકી લશ્કરી બૉંબમારાનાં લક્ષ્યોમાં તથા કુવૈતને સ્વતંત્ર કરાવવા ભૂમિદળોમાં ભાગ પણ લીધેલો.

ગિરીશભાઈ પંડ્યા