બહેરાશ

ઓછું સંભળાવું તે. તેને બધિરતા (deafness) પણ કહે છે. તેને કારણે સામાજિક અને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં તકલીફ ઉદભવે છે. કોઈ અંધ કે અપંગ વ્યક્તિની પંગુતા સહેલાઈથી દેખાઈ આવે છે, જેને કારણે તેને માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જાય છે. બહેરી વ્યક્તિને માટે તેવું વાતાવરણ સહેલાઈથી સર્જાતું નથી. આ તેની વિશિષ્ટ વિટંબણા છે.

કાનની રચના અને કાર્ય : સાંભળવાની ક્રિયાના અવયવને કર્ણ (ear) અથવા કાન કહે છે. તેના 3 ભાગ છે : બાહ્ય કર્ણ (external ear), મધ્યકર્ણ (middle ear) અને અંત:કર્ણ (internal ear). બાહ્ય કર્ણમાં 2.5 સેમી. લંબાઈની ‘ડ’ આકારની બાહ્ય કર્ણનળી (external auditory canal અથવા external meatus) તથા કાનનો બહારનો ભાગ (pinna) હોય છે. અવાજનાં મોજાં હવામાંથી પસાર થતા તરંગો રૂપે બહારના કાન અને બાહ્ય કર્ણનળીમાંથી પસાર થાય છે. તે બાહ્ય કર્ણનળીના અંદરના છેડે આવેલા કર્ણઢોલ અથવા કર્ણપટલ (tympanic membrane) નામના કાનના પડદા સુધી પહોંચે છે. અવાજના તરંગોના આ પ્રકારના વહનને વાયવી વહન અથવા વાયુમાર્ગી વહન (air conduction) કહે છે. બાહ્ય કર્ણ અને મધ્યકર્ણ વચ્ચેની દીવાલ અથવા પડદા રૂપે આવેલા કર્ણઢોલની અંદરની સપાટી પર હથોડી (malleus) નામનું હાડકું જોડાયેલું હોય છે. મધ્યકર્ણમાં હથોડી, એરણ (incus) અને પેંગડું (stapes) નામના, તેવું રૂપ ધરાવતાં, નાનાં હાડકાં અથવા લઘુ-અસ્થિઓ (ossicles) આવેલાં હોય છે. મધ્યકર્ણના પોલાણમાંથી એક મધ્યકર્ણનળી (eustachian tube) નીકળે છે, જે ગળાના પોલાણ સાથે જોડાય છે. તે મધ્યકર્ણમાં હવાનું દબાણ જાળવી રાખે છે. ત્રણ લઘુ-અસ્થિઓ કંપન પામીને ક્રમશ: એકબીજા સાથે અથડાય છે અને અવાજના તરંગોનું વહન કરાવે છે. પેંગડું નામના હાડકાની પાદપટ્ટી (footplate) અંત:કર્ણની અંડાકાર બારી (oval window) સાથે જોડાય છે, જ્યાં તે તરંગો અંત:કર્ણમાં આવેલા પ્રવાહીમાં વહન પામે છે. અવાજના તરંગોના આ પ્રકારના હાડકામાંથી થતા વહનને અસ્થીય વહન અથવા અસ્થિમાર્ગી વહન (bone conduction) કહે છે. આમ અવાજના તરંગો બે જુદી જુદી રીતે વહન પામીને અંત:કર્ણ સુધી પહોંચે છે. અંત:કર્ણમાંથી પાછા ફરતા તરંગો ગોળ બારી(round window)માંથી મધ્યકર્ણમાં આવે છે અને શમે છે.

અંત:કર્ણમાં શંખિકા (cohlea) નામની તથા શંખના આકારની એક સંરચના છે, જેમાં અવાજના તરંગોની ઉત્તેજના ઝીલનારા સંવેદનાલક્ષી સ્વીકારકો (sensory receptors) આવેલા હોય છે. તેને કોર્ટિની અવયવિકા (organ of Corti) કહે છે. તેમાં 1 તલસ્થાનીય પટલ (basilar membrane) નામનો એક સૂક્ષ્મ પડદો આવેલો છે. તેના પર આવતા અવાજના તરંગોનું ચેતાકીય આવેગોમાં રૂપાંતરણ થાય છે. આમ અહીંથી અવાજના તરંગોની ઉત્તેજનાને ચેતાતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચાડાય છે. તે સમયે તેનું ચેતાના આવેગના રૂપે વહન થાય છે. તેને ચેતા-આવેગ વહન (nerve conduction) કહે છે. અવાજની સંવેદના લઈ જતા ચેતાતંતુઓ કર્પરી ચેતાઓ(cranial nerves)ની આઠમી જોડમાંથી પસાર થાય છે. તેને શ્રવણચેતા (acoustic nerve) કહે છે.

આકૃતિ 1 : કાનની રચના : (અ) કાનની રચના; (આ) અંત:કર્ણ; (ઇ) કાનનો બહારનો ભાગ; (ઈ) બહેરાશના પ્રકાર. (1) બહારનો કાન, (2) બાહ્ય કર્ણનળી, (3) બાહ્ય કર્ણ (1,2), (4) કર્ણઢોલ, (5) હથોડી, (6) એરણ, (7) પેંગડું, (8) મધ્ય-કર્ણનળી, (9) મધ્યકર્ણ (5થી 8), (10) શંખિકા, (11) શ્રવણચેતા, (12) અર્ધ-વલયિકાઓ, (13) અંત:કર્ણ (10 અને 12), (14) અંડાકાર બારી, (15) ગોળ બારી, (16) કર્ણમૂળ પ્રવર્ધ (mastoid process), (17) વાયુમાર્ગી વહનલક્ષી બહેરાશ, (18) અસ્થિમાર્ગી વહનલક્ષી બહેરાશ, (19) વહનલક્ષી બહેરાશ, (20) સંવેદી-ચેતાલક્ષી બહેરાશ, (21) મિશ્રપ્રકારની બહેરાશ.

જોકે અવાજનો પ્રાનુભવ (preception) ફક્ત મગજમાં થાય છે તોપણ સામાન્ય રીતે એવું મનાય છે કે અવાજની તીવ્રતા (intensity), ગુણવત્તા (quality) અને સૂર (pitch) અંગેનું વિશ્લેષણ શંખિકામાં જ થાય છે. તે માટેની ક્રિયાપ્રવિધિ (mechanism of action) માટે વિવિધ સંકલ્પનાઓ (વિભાવનાઓ, theories) રજૂ થયેલી છે. હેલ્મહોલ્ટ્ઝ (Helmholtz) દ્વારા વિકસાવેલી સંકલ્પના પ્રમાણે મનાય છે કે શંખિકામાં આવેલા તલસ્થાનીય પટલ(basilar membrane)માં જુદા જુદા સ્થાને ચોક્કસ પ્રકારના તરંગ સંવેદનાઓ સર્જે છે. તેને કારણે અવાજના વિવિધ સૂર(pitch)નો તફાવત જાણી શકાય છે. તેને સ્થાનલક્ષી સંકલ્પના (place theory) કહે છે. રુથરફૉર્ડે દૂરવાણી સંકલ્પના (telephone theory) તરીકે ઓળખાતી વિચારધારણા મૂકેલી છે. તેમના મતે આખો તલસ્થાનીય પટલ અવાજના તરંગોના આવવાથી ધ્રૂજે છે. તેને કારણે સંવેદનાના આવેગો સર્જાય છે. સંવેદનાના આવેગોના સર્જાવાના દરને આધારે સૂર (pitch) અંગેની સમજણ ઉદભવે છે. વિવરનું માનવું છે કે વધુ આવર્તનો(frequency)વાળો અવાજ સ્થાનલક્ષી સંકલ્પના પ્રમાણે, ઓછાં આવર્તનોવાળો અવાજ દૂરવાણી સંકલ્પના પ્રમાણે અને મધ્યમ સંખ્યાનાં આવર્તનોવાળો અવાજ બંને સંકલ્પનાઓના મિશ્રણ દ્વારા અનુભવાય છે. બેસ્કિનના મતે શંખિકાના તલસ્થાનીય પટલ પર અવાજના તરંગો જેમ જેમ વહે છે તેમ તેમ તેમની તરંગમાત્રા (amplitude) વધતી જાય છે. અવાજના તરંગોનાં આવર્તનોને આધારે તેમની સૌથી વધુ કઈ તરંગમાત્રા (amplitude) થાય છે તે નક્કી થાય છે.

બહેરાશના પ્રકારો : સાંભળી શકવાની ક્ષમતાને શ્રવણક્ષમતા કહે છે. તેની ઊણપને બહેરાશ અથવા બધિરતા કહે છે. બહેરાશના મુખ્ય બે પ્રકાર છે : (1) બાહ્ય અને મધ્યકર્ણના રોગોમાં અનુક્રમે હવા તથા હાડકાં દ્વારા થતું તરંગોનું વહન અસરગ્રસ્ત થાય છે. તેને વહનલક્ષી બહેરાશ (conduction deafness) કહે છે. (2)  અંત:કર્ણના કે ચેતાઓના વિકારોમાં અવાજની સંવેદના પ્રાપ્ત કરવામાં કે તેને મગજ સુધી પહોંચાડવામાં ખલેલ પહોંચે છે. તેને સંવેદના-ચેતાલક્ષી બહેરાશ (sensori-neural deafness) કહે છે. જ્યારે આ બંને પ્રકારની બહેરાશ એકસાથે હોય તો તેને મિશ્ર પ્રકારની બહેરાશ કહે છે. તેમનું નિદાન સાંભળવાની ક્ષમતા કેટલી છે તે જાણવાની વિવિધ કસોટીઓ દ્વારા કરી શકાય છે.

શ્રવણક્ષમતા કસોટીઓ (auditory function tests) : સાંભળવાની ક્ષમતાની તપાસ કરવા વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે : (1) વાતચીત કસોટી, (2) કાંડાઘડિયાળ કસોટી, (3) કંપન-ચીપિયા(tuning fork)વાળી કસોટીઓ તથા (4) શ્રવણમાપન (audiometry). સાદી વાતચીત કે કાનમાં ધીમેથી કરાતા ગણગણાટ(whisper)ને પારખવાની ક્ષમતા જાણવાની કસોટીને વાતચીત કસોટી (conversation test) કહે છે. સામાન્ય રીતે શાંત ઓરડામાં 12 મીટર જેટલા અંતરે થતી સામાન્ય અવાજની વાતચીત સાંભળી શકાય છે. તે જો ન સંભળાય તો તેને મધ્યમથી તીવ પ્રકારની બહેરાશ કહે છે. ગણગણાટવાળો અવાજ શાંત ઓરડામાં 4.5 મીટર સુધી સંભળાય છે. તેવું ન થાય તો તેને અલ્પ પ્રમાણમાં થયેલી બહેરાશ કહે છે. વિવિધ પ્રકારના અવાજની તીવ્રતાવાળી કાંડાઘડિયાળો મળે છે. તેમની મદદથી કાંડાઘડિયાળોની ટિકટિક સાંભળવાની કસોટી કરી શકાય છે. તેને કાંડાઘડિયાળ કસોટી કહે છે.

શ્રવણક્ષમતા જાણવા માટે વપરાતા ચીપિયામાં 512 ચક્રો/સેકન્ડના દરે ધ્રુજારી (કંપનો) સર્જી શકાય છે. સામાન્ય બોલચાલમાં પણ આટલાં જ આવર્તનોના ગાળા(range of frequency)માં અવાજ નીકળે છે. વળી કંપનચીપિયામાં ઉદભવતા અવાજનો સ્વર (tone) ઝડપથી ઘટતો નથી. આ કસોટી કરવા માટે સૌપ્રથમ ચીપિયાને ધ્રુજારી આપીને કાન આગળ ધરવામાં આવે છે. તે સમયે અવાજનાં મોજાં હવા તથા હાડકાંમાંથી પસાર થતા તરંગો રૂપે અંત:કર્ણ સુધી પહોંચે છે. વ્યક્તિ ત્યારે તે અવાજ કેટલોક સાંભળે છે. પ્રથમ આ પ્રક્રિયાની મદદથી દર્દી કેટલો અવાજ સાંભળે છે તે જાણી લેવાય છે. ત્યારબાદ કાનનું બહારનું છિદ્ર બંધ કરીને કાનની પાછળ આવેલા કર્ણમૂળપ્રવર્ધ (mastoid process) નામના હાડકા પર ધ્રૂજતા ચીપિયાને પકડવાના દંડને મૂકવામાં આવે છે. હવે અંત:કર્ણ સુધી જતો અવાજ ફક્ત હાડકાંમાંથી પસાર થતી ધ્રુજારી વડે જ વહન પામતા તરંગો રૂપે જઈ શકે છે.

આકૃતિ 2 : ધ્રૂજતા ચીપિયા વડે કરાતી કસોટીઓ : (અ) અને (આ) રિનીની કસોટી, (ઇ) વેબરની કસોટી. (અ) વાયુમાર્ગી વહનની કસોટી માટે કાનની પાસે ધ્રૂજતો ચીપિયો, (આ) અસ્થિમાર્ગી વહનની કસોટી માટે કાનની પાછળ કર્ણમૂળ પ્રવર્ધ પર મૂકેલો ધ્રૂજતો ચીપિયો, (ઇ) માથાની ટોચ પર મૂકેલો ધ્રૂજતો ચીપિયો.

આમ બે પ્રકારે, એટલે કે સૌપ્રથમ કાનના છિદ્રની બહાર ચીપિયો રાખીને હવા તથા હાડકાંમાંથી પસાર થતા તરંગો વડે તથા કાનની પાછળના હાડકા પર ચીપિયો રાખીને ફક્ત હાડકામાંથી પસાર થતા તરંગો વડે, સંભળાતા અવાજની તીવ્રતા અને તે કેટલા સમયગાળા માટે સંભળાય છે તે જાણવાથી દર્દીની શ્રવણક્ષમતાની ખામી તથા તેનો પ્રકાર શોધી શકાય છે. આ કસોટીને રિની(Rinne)ની કસોટી કહે છે. માથાની ટોચ પર ધ્રૂજતા ચીપિયાનો દંડ મૂકવાથી તેની ધ્રુજારી હાડકાં દ્વારા બંને કાન સુધી પહોંચે છે. આમ આ રીતે ફક્ત અસ્થીય વહન દ્વારા અવાજના તરંગો અંત:કર્ણ સુધી પહોંચે છે. તેથી તે સ્થળે ધ્રૂજતા ચીપિયાનો દંડ મૂકવાથી અસ્થિમાર્ગી વહનનો વિકાર હોય તો તે જાણી શકાય છે. અવાજના તરંગો બંને કાનમાં એકસરખી રીતે પહોંચતા હોવાથી જો કોઈ એક કાનમાં બહેરાશ હોય તોપણ આ કસોટી દ્વારા જાણી શકાય છે. તેને વેબરની કસોટી કહે છે. જે કાનમાં વાયુમાર્ગી વહનક્ષમતા ઘટેલી હોય તે કાનમાં વેબરની કસોટી વખતે વધુ સારું સંભળાય છે. જ્યારે દર્દીની શ્રવણક્ષમતાને તબીબની શ્રવણક્ષમતા સાથે ધ્રૂજતા ચીપિયા વડે કસોટી કરીને સરખાવવામાં આવે ત્યારે તેને શ્ર્વોબૅક(Schwaback)ની કસોટી કહે છે. તેવી રીતે દર્દી તથા તબીબની અસ્થિમાર્ગી વહનક્ષમતા જાણવાની પણ કસોટી કરાય છે. તેને સંપૂર્ણ અસ્થિમાર્ગી વહનક્ષમતા કસોટી (absolute bone conduction test) કહે છે. શ્ર્વોબૅકની કસોટીમાં કાનનું છિદ્ર ખુલ્લું રખાય છે, જ્યારે સંપૂર્ણ અસ્થિમાર્ગી વહનક્ષમતાની કસોટીમાં તેને આંગળી વડે બંધ કરાય છે.

શ્રવણક્ષમતામાપન (audiometry) : તે સાંભળવાની ક્ષમતાનું એક પ્રકારના આલેખના રૂપમાં મેળવવામાં આવતું ચિત્રાંકન (graphic) છે. સાંભળવાની ક્ષમતાનું દળવાચક (quantitative) અને ગુણવાચક (qualitative) એમ બંને પ્રકારનું માપ મેળવી શકાય છે. તેને માટે શ્રવણક્ષમતામાપક (audiometer) નામનું એક વીજાણુયંત્ર વપરાય છે. તેની મદદથી વ્યક્તિલક્ષી કસોટી (subjective test) કરી શકાય છે. તે શુદ્ધ સ્વર(tone)નાં વિવિધ આવર્તનોવાળા તથા જુદી જુદી તીવ્રતાવાળા અવાજો ઉત્પન્ન કરે છે. જો વાયુમાર્ગી વહનક્ષમતા જાણવી હોય તો તે અવાજને દર્દીના માથા પર ટેકવાય એવા શીર્ષસ્થ ભાષક (headphone) દ્વારા સીધેસીધો તેના કાનમાં સંભળાવાય છે. જો અસ્થિમાર્ગી વહનક્ષમતા જાણવી હોય તો એક કંપક (vibrator) દ્વારા અવાજના તરંગોને દર્દીના કાન સુધી પહોંચાડાય છે. શ્રવણક્ષમતામાપક દ્વારા ઉત્પન્ન કરાતા અવાજના તરંગો 125થી 8000 ચક્રો/સેકન્ડના આવર્તનગાળામાં હોય છે. તેમની તીવ્રતાને લઘુગુણકીય (logarithmic) એકમમાં મપાય છે, જેને ડેસિબલ (dB) કહે છે. માણસના કાન દ્વારા જ સૌથી ઓછી તીવ્રતાના ગાળાએ અવાજ સંભળાય તેને ડેસિબલ કહે છે. સામાન્ય રીતે 5 ડેસિબલના અવાજનાં  સોપાનોએ અવાજની તીવ્રતા મપાય છે. શાંત અને અવાજની અંદરબહાર આવજા ન થઈ શકે તેવા ધ્વનિરુદ્ધ (soundproof) ખંડમાં શ્રવણક્ષમતા મપાય છે. સૌપ્રથમ બંને કાનના વાયુમાર્ગી વહનની નોંધ મેળવાય  છે. તેના આલેખનને ઉંબરટોચ વક્રરેખા (threshold curve) કહે છે. જમણા કાનની ઉંબરટોચ વક્રરેખાને લાલ રંગે અને ડાબા કાનની ઉંબરટોચ વક્રેરખા ભૂરા રંગમાં નોંધવામાં આવે છે. આ રીતે અસ્થિમાર્ગી વહન માટે પણ નોંધ લેવાય છે. તે માટે તૂટકરેખા (broken line) કે કાટખૂણિયા કૌંસ ‘[’ના આકારનું ચિહ્ન વપરાય છે. શૂન્યથી 20 dBના અવાજને વાયુમાર્ગી અને અસ્થિમાર્ગી વહન વડે સાંભળવાની ઉંબરટોચક્ષમતાને અવિષમ અથવા સામાન્ય (normal) ગણવામાં આવે છે. અંત:કર્ણ કે ચેતાઓના વિકારને કારણે થતી સંવેદી-ચેતાલક્ષી બહેરાશ હોય તો વધુ આવર્તનોવાળા ધ્વનિને સાંભળવામાં તકલીફ રહે છે, માટે તેવા કિસ્સામાં વાયુમાર્ગી તથા અસ્થિમાર્ગી વહનની ક્ષમતા ઘટે છે અને તેમની ઉંબરટોચક્ષમતા વધીને 30થી 75 dB જેટલી થાય છે. વહનલક્ષી બહેરાશ હોય તો સામાન્ય રીતે વાયુમાર્ગી વહનની ક્ષમતા વધુ ઘટે છે, જ્યારે અસ્થિમાર્ગી વહનક્ષમતા સામાન્ય રૂપની રહે છે. ક્યારેક ફક્ત વાયુમાર્ગી અને અસ્થિમાર્ગી વહનક્ષમતાઓ વચ્ચેનો ફાંસલો ઘણો વધે છે. મિશ્ર પ્રકારની બહેરાશમાં શ્રવણક્ષમતા માપવાની કસોટીનો આલેખ બહેરાશ સૂચવે છે; પરંતુ અસ્થિમાર્ગી અને વાયુમાર્ગી વહનક્ષમતાના આલેખો વચ્ચે થોડોક જ તફાવત નોંધાય છે. 20થી 30 dB વચ્ચેની ઉંબરટોચ મંદ પ્રકારની બહેરાશ સૂચવે છે. જો તે 30થી 60 dB વચ્ચે હોય તો તે મધ્યમ પ્રકારની અને 60 dBથી વધુ હોય તો તે તીવ્ર પ્રકારની અથવા અતિશય બહેરાશ સૂચવે છે.

શ્રવણક્ષમતામાપનનો ઉપયોગ બહેરાશના નિદાનમાં તથા શ્રવણસહાયક (hearing aid) યંત્રનો પ્રકાર નક્કી કરીને યોગ્ય સારવારમાં આપવા માટે કરાય છે. આ ઉપરાંત તે એક સંગ્રહી શકાય તેવી નોંધ પણ છે. શ્રવણક્ષમતા માપવાની પ્રક્રિયા વડે બહેરાશનું કારણ શંખિકાનો કોઈ વિકાર છે કે ચેતાતંતુનો કોઈ વિકાર તે પણ નક્કી કરી શકાય છે. શંખિકાના વિકારમાં ઉદભવતી બહેરાશ હોય તો દર્દી ઊંચા અવાજને સાંભળી શકે છે; દા.ત., મિનરેનો રોગ. પરંતુ શ્રવણચેતા પર થતી ગાંઠ(શ્રવણચેતાર્બુદ, acoustic neuroma)ના વિકારમાં તેવું થતું નથી. આવો નિદાનભેદ કરવામાં પણ શ્રવણક્ષમતામાપક વડે કરાતી કસોટી ઉપયોગી થઈ પડે છે. આ પ્રક્રિયાને સંખ્યાધિકન(recruitment)ની કસોટી કહે છે.

આકૃતિ 3 : શ્રવણક્ષમતા-માપન (audiometry) : (અ) શ્રવણક્ષમતા-માપકની મદદથી કરાતી કસોટી, (આ) શ્રવણક્ષમતામાપનનો આલેખપત્ર, (ઇ) સામાન્ય શ્રવણક્ષમતા, (ઈ) સંવેદી-ચેતાલક્ષી બહેરાશ, (ઉ) વહનલક્ષી બહેરાશ. નોંધ : સીધી રેખા વડે વાયુમાર્ગી વહન અને ‘[’ ચિહ્ન વડે અસ્થિમાર્ગી વહન દર્શાવ્યું છે. (1) મંદ બહેરાશ, (2) મધ્યમ બહેરાશ, (3) અતિશય બહેરાશ, (4) સંપૂર્ણ બહેરાશ

કુદરતી શ્રવણક્ષમતાની નજીકની સ્થિતિ સર્જવા માટે સાધનો વડે ધ્વનિતરંગો સર્જવાને બદલે જીવંત (live) કે પૂર્વમુદ્રિત અવાજ (recorded voice) વાપરી શકાય છે. તેની મદદથી બોલાયેલા અવાજ સાંભળવાની ઉંબરટોચક્ષમતા અને ‘વીસ’ અને ‘ત્રીસ’ જેવાં ઉચ્ચારણોમાં ભેદ પારખવાની ક્ષમતા પણ જાણી શકાય છે. અન્ય વિવિધ પ્રકારની શ્રવણક્ષમતામાપન કસોટીઓ પણ વિકસેલી છે; જેમ કે કર્ણઢોલમાપન (tympanometry), હેતુલક્ષી (objective) શ્રવણક્ષમતામાપન, બેક્સી(Bekesy)ની શ્રવણક્ષમતા માપવાની પદ્ધતિ, વીજપ્રતિભાવી શ્રવણક્ષમતામાપન(electric response audio-metry)ની કસોટી વગેરે. વિવિધ પ્રકારની કસોટીની મદદથી બહેરાશનો પ્રકાર જાણી શકાય છે (જુઓ સારણી).

બહેરાશના મુખ્ય પ્રકારો

ક્રમ નિદાન-કસોટી વહનલક્ષી બહેરાશ સંવેદી-ચેતાલક્ષી બહેરાશ
1. દોષવિસ્તારનું સ્થાન બાહ્ય કર્ણ કે મધ્યકર્ણ. અંત:કર્ણ, શ્રવણચેતા તથા તેનાં કેન્દ્રીય જોડાણો.
2. રિનીની કસોટી વાયુમાર્ગી વહન કરતાં અસ્થિમાર્ગી વહન વધુ. અસ્થિમાર્ગી વહન કરતાં વાયુમાર્ગી વહન વધુ.
3. વેબરની કસોટી જે બાજુ પર બહેરાશ હોય તે બાજુના કાનમાં સારું સંભળાય. વધુ સાંભળી શકાતું હોય તે કાનમાં સારું સંભળાય.
4. શુદ્ધ સ્વર (tone) શ્રવણક્ષમતામાપન અસ્થિમાર્ગી વહનની ઉંબરટોચ સામાન્ય વાયુ-માર્ગી વહનની ઉંબરટોચ ટોચ કરતાં ઊંચી જાય. બંને પ્રકારના વહનની ઉંબરટોચ ઊંચી જાય.
5. બહેરાશની માત્રા 60 dBથી ઓછું. 60 dBથી વધુ.
6. બોલવાની ઢબ ધીમા અવાજે બોલે. ઊંચા અવાજે બોલે.
7. વાણીભેદ સહેલાઈથી અલગ પાડે. અલગ પાડતાં મુશ્કેલી અનુભવે.
8. સંખ્યાધિકન (recruitment) ઊંચા અવાજે પણ ન સાંભળે. શંખિકાના વિકારમાં ઊંચા અવાજે સાંભળે.

બહેરાશનાં કારણો : તેમનું પણ વહનલક્ષી કે સંવેદી-ચેતાલક્ષી બહેરાશ એમ બંને જૂથ પ્રમાણે વર્ગીકરણ કરાય છે. બાહ્ય કર્ણ અને મધ્યકર્ણના રોગો કે વિકારોમાં વહનલક્ષી બહેરાશ થાય છે. બહારના કાનમાં મેલ જામી જાય (સૌથી મહત્ત્વનું કારણ), ફૂગનો ચેપ લાગે, જીવાણુજન્ય (bacterial) ચેપને કારણે કાન પાકી જાય (જેને શાસ્ત્રીય પરિભાષામાં બાહ્ય કર્ણશોથ અથવા otitis externa કહે છે), કાનમાં કોઈ બાહ્ય પદાર્થ ભરાઈ જાય, મસા થાય, બાહ્ય કર્ણનળીમાં ચેપજન્ય પીડાકારક સોજો (શોથ, inflammation) થાય – જેને બાહ્ય કર્ણનલિકાશોથ (myringitis) કહે છે – બાહ્ય નળી સાંકડી હોય, અવિકસિત હોય કે તેમાં ગાંઠ થાય તો વહનલક્ષી બહેરાશ આવે છે. મધ્યકર્ણમાં કર્ણપટલ (ઢોલ) કે કાનના નાના હાડકામાં કોઈ જન્મજાત કુરચના થયેલી હોય, તેને ઈજા થાય, તેમાં ચેપને કારણે પીડાકારક સોજો આવે (મધ્યકર્ણશોથ, otitis media), તેમાં ક્ષય કે ઉપદંશ(syphilis)નો ચેપ પ્રસરે, ગાંઠ થાય કે તંતુઓ વિકસવાથી કર્ણકાઠિન્ય (otosclerosis) નામનો રોગ થાય તોપણ વહનલક્ષી બહેરાશ ઉદભવે છે. ક્યારેક મધ્યકર્ણ અને ગળાને જોડતી નળીમાં પણ ચેપને કારણે પીડાકારક સોજો આવે છે.

અંત:કર્ણ કે શ્રવણચેતાના વિકારોમાં સંવેદી-ચેતાલક્ષી બહેરાશ આવે છે. તેનાં મુખ્ય કારણોમાં જન્મજાત કુરચના, ઈજા, ચેપજન્ય શોથનો વિકાર, ગાંઠ વગેરેનો સમાવેશ થાય છે. મિનરેના રોગમાં ક્રમશ: વધતી બહેરાશ આવે છે અને કાનમાં ઘંટડીઓ સંભળાય છે. સ્ટ્રેપ્ટોમાયસિન, કેનામાયસિન, નિયોમાયસિન, ક્વિનિન, ફ્રુસેમાઇડ, સેલિસિલેટ્સ, પ્લેટિમનનાં સંયોજનો જેવી વિવિધ દવાઓની આડઅસર રૂપે કે ઝેરી અસર રૂપે સંવેદી-ચેતાલક્ષી બહેરાશ આવે છે. મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, વૃદ્ધાવસ્થા, ગલગ્રંથિ(thyroid gland)નું ઘટેલું કાર્ય, વિટામિન ‘એ’ની ઝેરી અસર, ક્યારેક ધૂમ્રપાન અને મદ્યપાનની ઝેરી અસર વગેરેમાં પણ સંવેદી-ચેતાલક્ષી બહેરાશ પણ આવે છે. કેટલાક માનસિક વિકારોમાં પણ વ્યક્તિ બહેરાશ અનુભવે છે. ક્યારેક વ્યક્તિ પોતે બહેરી છે એવી છેતરપિંડી પણ કરતી હોય છે. ક્યારેક ઈજા, કાનમાં પ્રસરેલો ચેપ, વૃદ્ધાવસ્થા કે કર્ણકાઠિન્યના વિકારમાં વહનલક્ષી તથા સંવેદી-ચેતાલક્ષી એમ બંને પ્રકારની મિશ્ર બહેરાશ પણ જોવા મળે છે. અચાનક થઈ આવતી બહેરાશનાં કારણોમાં મગજના રુધિરાભિસરણના વિકારો, ઈજા, ચેપ, દવાની આડઅસર કે માનસિક વિકારોનો સમાવેશ થાય છે.

આકૃતિ 4 : બહેરાશની સારવાર : (અ) શ્રવણસહાયક સાધનો, (આ) શંખિકાનું અંત:સ્થાપન. (1) ખિસ્સામાં રાખવાનું સાધન, (2) કાનમાં પહેરવાનું બટન, (3) કાનની પાછળ રાખવાનું સાધન, (4) કાનની નળીમાં છુપાવી રખાય તેવું સાધન. (5) સૂક્ષ્મભાષક, (6) વાણી પ્રક્રિયક (speech processor), (7) ચામડી, (8) સ્વીકારક એકમ, (9) વીજાગ્ર, (10) શંખિકા, (11) શ્રવણચેતા

નિદાન : બહેરાશની તીવ્રતાને મંદ, મધ્યમ, અતિશય તથા સંપૂર્ણ બહેરાશ (stony deafness) – એમ ચાર કક્ષાઓમાં વહેંચાય છે. અતિશય કે સંપૂર્ણ બહેરાશ સહેલાઈથી પરખાય છે, પરંતુ મંદ કે મધ્યવર્તી તીવ્રતાની બહેરાશના નિદાન માટે કસોટીઓની જરૂર પડે છે. ખૂબ જ મંદ કે એક જ કાનની બહેરાશ ઘણી વખતે નિશ્ચિત થતી નથી, પરંતુ કેટલાક સંજોગોમાં તેની શંકા ઉદભવે છે; જેમ કે, (1) વ્યક્તિ બીજાને વારંવાર ફરીથી બોલવા માટે વિનંતી કરે, (2) ‘વીસ’ કે ‘ત્રીસ’ જેવા શબ્દોને અલગ પાડવામાં તકલીફ થાય, (3) ટેલિફોનની ઘંટડી બરાબર ન સંભળાય, (4) વ્યક્તિ વારેઘડીએ બેધ્યાન હોય એવું જણાય કે બાજુના ઓરડામાંથી આવતી વાતનો જવાબ ન આપે અથવા (5) બાળક વર્ગખંડના અભ્યાસમાં પાછળ પડતો જણાય. શાળાકક્ષાએ ભણવામાં પાછળ પડતા બાળકની ર્દષ્ટિક્ષમતા અને શ્રવણક્ષમતાની તપાસ કરાવી લેવી જરૂરી ગણાય છે. નિદાન માટે વાતચીત કસોટી, કાંડાઘડિયાળ કસોટી, કંપનચીપિયા કસોટી, ધ્વનિમાપન કસોટી, અંત:કર્ણના વિકારના નિદાન માટેની ઉષ્ણપ્રવાહી કસોટી, ઉપદંશ (syphilis) તથા મધુપ્રમેહના નિદાનની કસોટીઓ, લોહીનું દબાણ કેટલું રહે છે તેની જાણકારી કે માથામાં ક્યાંય ઈજા થઈ હોય તો તેની જરૂરી તપાસ તેમજ નાક, કાન, ગળા અને ચેતાતંત્રને લગતી તપાસ અને કસોટીઓ કરવાનું સૂચવાય છે.

સારવાર : વહનલક્ષી બહેરાશનું જે તે કારણ હોય તેની સારવાર આપવાથી લાભ થાય છે; દા.ત., કાનનો મેલ દૂર કરવો, ચેપ લાગ્યો હોય તો ઍન્ટિબાયૉટિક દવા વડે તેની સારવાર કરવી, વગેરે. મોટાભાગના કિસ્સામાં સારવારનું સારું પરિણામ આવે છે. જેઓમાં જરૂરી શસ્ત્રક્રિયા ન થઈ શકતી હોય તેમને સાંભળવાનું યંત્ર (શ્રવણસહાયક, hearing aid) વાપરવાની સલાહ અપાય છે. સંવેદી-ચેતાલક્ષી બહેરાશની સારવાર ઘણી વખત મુશ્કેલ હોય છે. છતાં ઉપદંશ કે મધુપ્રમેહનો રોગ હોય તો તેની સારવારથી ઘણી વખત ફાયદો થાય છે. મિનરેના રોગમાં નસોને પહોળી કરતી વાહિનીવિસ્ફારકો (vasodilators) નામની દવાઓથી ફાયદો રહે છે. કેટલાક કિસ્સામાં અચાનક આવી જતી બહેરાશ કૉર્ટિકોસ્ટીરૉઇડની સારવાર વડે શમે છે. આ ઉપરાંત વિટામિનો, પ્રશાંતકો (tranquilizers) કે શ્રવણસહાયક સાધન વાપરવાથી, વાતચીત કરવાની યોગ્ય ટેવ પાડવાથી તથા ફફડતા હોઠના હલનચલન પરથી શું બોલાઈ રહ્યું છે તેની સમજ મેળવવાની પ્રક્રિયા સમજાવતી ઓષ્ઠવાચન(lip-reading)ની પદ્ધતિની તાલીમ આપવાથી અમુક અંશે ફાયદો રહે છે.

બધિરમૂકત્વ (deaf-mutism) : જો 5 વર્ષથી નાની વયે અતિશય બહેરાશ આવે તો તે બાળકની બોલવાની ક્ષમતા પણ ઘટે છે. તેને બધિરમૂકત્વ કહે છે. જોકે આવા કિસ્સામાં મગજમાંનું વાણીકેન્દ્ર તથા શરીરના બોલવાના અવયવો સામાન્ય રીતે વિકસેલા હોય છે. તે જે અવાજ કદી સાંભળી શક્યો નથી તે અવાજ બોલી શકતો નથી. આટલી તીવ્ર પ્રકારની બહેરાશ ફક્ત સંવેદી-ચેતાલક્ષી બહેરાશ હોય તો જ સંભવે છે. તેનાં વિવિધ કારણો હોય છે; જેમ કે, વારસાગત જન્મજાત કુરચનાઓ, સગોત્રીય લગ્ન (consanguinous marriage), માતા-પિતા અને સંતતિ વચ્ચે ર્હિસસ જૂથનાં રુધિરજૂથોની અસંગતતા, સગર્ભાવસ્થામાં જર્મન ઓરી, મધુપ્રમેહ, ઉપદંશ કે સગર્ભાલક્ષી વિષાક્તતા (toxaemias of pregnancy) થઈ હોય, સગર્ભા માતાને થેલિડોમાઇડ કે કોઈ અન્ય કર્ણેન્દ્રિયને ઈજા પહોંચાડતી દવા અપાઈ હોય, સગર્ભા સ્ત્રી પર કોઈ મોટી શસ્ત્રક્રિયા કરવી પડી હોય, પ્રસૂતિ લાંબી અને મુશ્કેલ બની હોય, ચીપિયા વડે કરાતી પ્રસૂતિમાં નવજાત શિશુના માથા પર ઈજા થઈ હોય, નવજાત શિશુને કર્નિક્ટરસ પ્રકારનો કમળો થઈ ગયો હોય, તેને મગજ કે તેનાં આવરણોમાં ચેપ લાગ્યો હોય (મસ્તિષ્કશોથ અથવા encephalitis, તાનિકાશોથ અથવા meningitis), શિશુના કાનને ઈજા કરતી દવાઓ અપાઈ હોય, ગાલપચોળિયાનો ચેપ લાગ્યો હોય કે માથા પર ઈજા થઈ હોય. આવા બાળકનો બહેરાશ અને મૂકત્વનો વિકાર માનસિક અલ્પવિકસન (mental retardation), મગજના ચેપને કારણે ઉદભવતી અવાકતા (aphasia), મધ્યકર્ણનો કોઈ રોગ કે મોડેથી વિકસતી વાક્ક્ષમતા (બોલવાની આવડત) વગેરે વિવિધ વિકારો કે રોગોથી અલગ પડાય છે. સારવાર શક્ય એટલી વહેલી શરૂ કરીને બાળકને શ્રવણસહાયક સાધનનો ઉપયોગ કરવાનું સૂચવાય છે. આ ઉપરાંત બાળકને વાણીચિકિત્સા(speech-therapy)ની તાલીમ અપાય છે, ઓષ્ઠ-વાચનની તથા સંકેતચિહ્નોવાળી ભાષા શીખવાય છે. ઉપર જણાવેલાં કારણો થતાં અટકાવવાં જરૂરી ગણાય છે.

શ્રવણસહાયક (hearing aid) : અવાજના તરંગોની યાંત્રિક કે વિદ્યુતસાધનની મદદથી મોટા કરવાની સંયોજનાને શ્રવણસહાયક સંયોજના કહે છે. મોટેથી સંભળાય તે માટે વપરાતું ભૂંગળું એક પ્રકારનું યાંત્રિક શ્રવણસહાયક (mechanical hearing aid) છે. વિવિધ પ્રકારનાં વીજશ્રવણસહાયકો (electric hearing aids) પણ મળે છે. તેમને છાતી પર પહેરીને કે ખીસામાં મૂકીને તેમાંનો તાર કાન સાથે જોડાય છે. કેટલાક વીજશ્રવણસહાયકો કાનની પાછળ કે ચશ્મામાં પહેરાય છે તો કેટલાકને કાનની અંદર મૂકી શકાય છે. કાન પાસે રખાતા શ્રવણસહાયકો મોંઘા હોય છે. જોકે તે સહેલાઈથી દેખાઈ આવતા નથી તે તેમનો ફાયદો ગણાય છે. અન્ય સારવાર શક્ય ન હોય કે નિષ્ફળ જાય તો શ્રવણસહાયકો  ઉપયોગી ગણાય છે. એક કાનની બહેરાશ હોય કે અતિમંદ બહેરાશ હોય તો તેમનો ઉપયોગ સૂચવાતો નથી. વીજશ્રવણસહાયકનાં મુખ્ય 4 અંગો છે : સૂક્ષ્મભાષક (microphone), વિપુલક (amplifier), કર્ણઘોષક (ear-piece) અને વિદ્યુત બૅટરી. સૂક્ષ્મભાષક અવાજના તરંગો ઝીલે છે, જેને વિપુલક મોટા કરે છે. કર્ણઘોષક કાનમાં એક બટનની માફક પહેરવામાં આવે છે, જે કાનની અંદર મોટો કરેલો અવાજ આપે છે. સામાન્ય રીતે આ સાધનમાં ચાલુ-બંધ કરવાની સ્વિચ ઉપરાંત અવાજ મોટો નાનો કરતું વિપુલક બટન અને ધ્વનિ-સ્વર(tone of the sound)ને બદલતું બટન પણ આપેલું હોય છે. ટેલિફોનમાંનો અવાજ પણ સંભાળાઈ શકે તેવી વ્યવસ્થા કરેલી હોય છે. વ્યક્તિગત અણગમો, ખર્ચ અને સામાજિક રીતે ટોકાવાની સ્થિતિ થાય ત્યારે વ્યક્તિ શ્રવણસહાયક વાપરવાની ક્યારેક ના પણ પાડે છે.

શંખિકા-અંત:સ્થાપન (cochlear implant) : જેમના કિસ્સામાં અંદરના કાનમાં શંખ-આકારનો શંખિકાનો ભાગ ઈજાગ્રસ્ત કે વિકારગ્રસ્ત થયો હોય પણ શ્રવણચેતા હજુ સામાન્ય પ્રકારની હોય તેમાં શ્રવણચેતાતંતુઓનું ઉત્તેજન કરવા માટેની સંયોજના (device) બનાવાય છે. તેને શંખિકા અંત:સ્થાપન કહે છે. અંત:કર્ણની ગોળ બારીમાં થઈને  શંખિકામાં વિવિધ વીજાગ્રો(electrodes)ને મૂકવામાં આવે છે. વીજાગ્રોનો બીજો છેડો કર્ણમૂળ-અસ્થિમાં કાણું પાડીને બહાર લવાય છે. ત્યાં એક સ્વીકારક-બટન જોડવામાં આવે છે જેને કૃત્રિમાંગ (prosthesis) રૂપે દર્દીએ પહેરેલી સંયોજના સાથે જોડવામાં આવે છે. આ કૃત્રિમાંગ શ્રવણસહાયક જેવું દેખાતું યંત્ર છે. તેની મદદથી શંખિકામાંના કેશકોષો(hair-cells)ને ઉત્તેજિત કરાય છે. હવે શંખિકાની બહાર મૂકી શકાય તેવી સંયોજનાઓ પણ બનવા માંડી છે. તેને બહિ:શંખિકા અંત:સ્થાપન (extracochlear implant) કહે છે. તેનો ઉપયોગ મિનરેનો રોગ, દવાઓની ઝેરી અસરથી આવતી બહેરાશ, અંત:કર્ણના ચેપ કે ઈજા તથા શંખિકાની જન્મજાત કુરચનાઓને લીધે આવતી બહેરાશની સારવારમાં થાય છે. તેની મદદથી વ્યક્તિ અવાજ સાંભળી શકે છે પરંતુ શબ્દો પારખી શકતી નથી. તેને વાહનનું ભૂંગળું સંભળાય છે પણ બોલેલો અવાજ સમજાતો નથી. જોકે વ્યક્તિ ઓષ્ઠવાચન શીખે ત્યારે તે બંનેનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને બોલેલું સમજે છે. તેને કારણે દર્દીની વાણી સુધરે છે અને તેનો આત્મવિશ્વાસ વધે છે. તે ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે. હજુ આ દિશામાં વધુ સંશોધનની ઘણી આવશ્યકતા રહેલી છે.

ભરત પ્રિયદર્શન શુક્લ

શિલીન નં. શુક્લ