બહેરામપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના ઈશાન ભાગમાં આવેલા મુર્શિદાબાદ જિલ્લાનું વહીવટી તથા વેપારી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 06´ ઉ. અ. અને 88° 15´ પૂ. રે. પર ભાગીરથી નદીના પૂર્વ ભાગમાં વસેલું છે. તે સમુદ્રથી દૂર આવેલું હોવાથી તેની આબોહવા વિષમ રહે છે, વરસાદનું પ્રમાણ 2,500 મિમી. જેટલું રહે છે.

અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, કઠોળ, શેરડી અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. અહીં ડાંગર છડવાની તથા તેલની મિલોની સંખ્યા ઘણી છે. આજુબાજુના વિસ્તાર માટે તે ખેતીવિષયક પેદાશોનું વેપારી મથક બની રહેલું છે. આ ઉપરાંત આ નગરમાં સોનાચાંદીના દાગીના અને પિત્તળનાં વાસણો બને છે. વળી હાથીદાંત પર સુંદર કોતરકામ અને નકશીકામ પણ થાય છે.

બહેરામપુર રેલમાર્ગો અને સડકમાર્ગોથી આજુબાજુના વિસ્તાર સાથે જોડાયેલું હોવાથી નાના પાયા પરના ઔદ્યોગિક એકમો અહીં વિકસ્યા છે. અહીં બેંગાલ સિલ્ક ટૅકનૉલોજીનું કેન્દ્ર તથા કલકત્તા યુનિવર્સિટી સંલગ્ન ચાર કૉલેજો આવેલી છે. તેની નજીક કાસિમ બજાર નામનું પરું આવેલું છે. તે અઢારમી સદીમાં નજીકનું જુદું નગર હતું અને તે વખતે રેશમ-ઉદ્યોગની સમૃદ્ધિ માટે જાણીતું બનેલું. અહીંથી ત્યારે રેશમની નિકાસ પણ થતી હતી.

1757માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ આ સ્થળની સ્થાપના કરેલી તથા ત્યાં કિલ્લો બાંધેલો. 1870 સુધી તે લશ્કરી છાવણીનું મથક પણ રહેલું. 1857ના બળવાનો આરંભ અહીંથી થયેલો. 1876થી અહીં નગરપાલિકા કામ કરી રહી છે. વસ્તી 1,26,303 (1991) છે.

શિવપ્રસાદ રાજગોર