બહેડાં : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica Roxb. (સં. बिभीतक; હિં. बहेरा; બં, ભૈરાહ, મ. બેહેડા; અં. Belliric myrobalan) છે. તે 40 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે અને તેનો ઘેરાવો 1.8 મી.થી 3.0 મીટર જેટલો હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં બધે જ થાય છે, પરંતુ શુષ્ક પ્રદેશોમાં થતું નથી. પ્રકાંડ સીધું હોય છે અને જ્યારે મોટું હોય ત્યારે આધારમૂલ (buttress) ધરાવે છે. પર્ણો પહોળાં ઉપવલયાકાર (elliptic), 4.5થી 26 સેમી. લાંબાં અને 2.7થી 15.5 સેમી. પહોળાં, ચર્મિલ (coriaceous), અરોમિલ (glabrous) અને સદંડી હોય છે. તેઓ શાખાની ટોચ પર ગુચ્છમાં આવેલાં હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય શૂકી (spike) પ્રકારનો હોય છે. પુષ્પો સફેદ કે આછાં પીળાં હોય છે. ફળ ગોળ, પાંચ ખૂણાવાળું હોય છે અને 1.3થી 2.0 સેમી. વ્યાસ ધરાવે છે.

બહેડાંની પુષ્પીય શાખા : (1) દાંડલી, (2) ફૂલ, (3) કાચાં ફળ, (4) પાકું ફળ, (5) ફળનો આડો છેદ

તે સાલ (Shorea robusta Gaertn F), સાગ (Tectona grandis Linn.) અને અન્ય અગત્યનાં વૃક્ષો સાથે સામાન્ય સહચારી (associate) તરીકે અને છૂટાંછવાયાં થાય છે. ભારતીય દ્વીપકલ્પમાં તે ભેજવાળી ખીણોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. તેના કુદરતી આવાસમાં મહત્તમ તાપમાન 36°થી 46° સે., લઘુતમ તાપમાન 0°થી 15.5° સે. અને વરસાદ 100થી 305 સેમી. કે તેથી વધારે હોય છે.

બહેડાંને ભેજવાળી ગરમ કે મધ્યમ ગરમ આબોહવા ખૂબ અનુકૂળ હોય છે; છતાં સંપૂર્ણ વિકસિત વૃક્ષ શુષ્ક આબોહવામાં પણ ટકી શકે છે. તે વિવિધ પ્રકારની ભૂમિમાં ઊગી શકે છે; પરંતુ સારા નિતારવાળી ભૂમિ તેને વધુ માફક ગણાય છે. સારી ભેજસંગ્રહશક્તિ ધરાવતી ગોરાડુ ભૂમિમાં તેનો સૌથી સારો વિકાસ થાય છે.

તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. બીજનું અંકુરણ 14થી 30 દિવસોમાં થાય છે. બીજની અંકુરણક્ષમતા એક વર્ષ સુધી રહે છે. માર્ચ કે એપ્રિલ માસમાં ક્યારામાં બીજ વાવી પિયત આપી રોપ ઉછેરવામાં આવે છે. ક્યારામાં તૈયાર થયેલા રોપ 12થી 15 માસના થાય ત્યારે 30 x 30 x 30 સેમી.ના અગાઉથી તૈયાર કરેલા ખાડામાં જુલાઈ–ઑગસ્ટમાં રોપણી કરવામાં આવે છે. બે રોપ વચ્ચેનું અંતર 3.0 x 3.0 મી.થી 10થી 15 મી.ના અંતરે રાખવામાં આવે છે. ત્યારપછી એક વર્ષ સુધી જરૂરિયાત મુજબ પિયત આપવામાં આવે છે અને ઊધઈના નાશ માટે યોગ્ય નિયંત્રણનાં પગલાં લેવામાં આવે છે.

તેને લાગુ પડતી સૌથી અગત્યની ફૂગમાં Cercospora terminaliae Syd. અને Trametes laetinea Berk. છે. વૃક્ષને કોઈ કીટકો ગંભીર નુકસાન પહોંચાડતા નથી; છતાં તેના પર ઘણા કીટકો થાય છે. પાતન(felled)ની સ્થિતિમાં કીટકોનું આક્રમણ સરળતાથી થાય છે. રસકાષ્ઠ અને અંત:કાષ્ઠના વેધકો (borers) સામે રક્ષણ આપવા પાતન પછી તરત જ કાષ્ઠની છાલ કાઢી લઈ તેને જંગલમાં છાયામાં ન રાખતાં ખુલ્લામાં થપ્પી કરવામાં આવે છે.

કાષ્ઠ પીળાશ પડતું ભૂખરું હોય છે. તેનું અંત:કાષ્ઠ જુદું પાડી શકાતું નથી. તે અરીય સમતલમાં સુરેખ દાણાદાર કે કેટલીક વાર કુંચિત (curly) દાણાદાર, બરછટ ગઠનવાળું, મધ્યમ વજનદારથી વજનદાર (વિ.ગુ. : 0.60થી 0.77; વજન 593થી 769 કિગ્રા./ઘમી.) અને સખત હોય છે. ખુલ્લી સ્થિતિમાં તે ટકાઉ હોતું નથી; કારણ કે કાષ્ઠનો સડો કરતી ફૂગ સામે તે સંવેદનશીલ હોય છે અને લીલું હોય ત્યારે તેના પર કીટકો આક્રમણ કરી શકે છે. તેની સાગના સંદર્ભમાં (ટકાવારીમાં) ઇમારતી કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા આ પ્રમાણે છે : વજન 115; પાટડાનું સામર્થ્ય (strength) 100; પાટડાની દુર્નમ્યતા (stiffness) 115; સ્તંભની ઉપયુક્તતા 105; આઘાત-અવરોધકક્ષમતા 110; આકારની જાળવણી 65; અપરૂપણ (shear) 120; અને ર્દઢતા (hardness) 115.

તેના કાષ્ઠનો ઉપયોગ હાથા, ગાડાં, કોલસાની ખાણમાં ટેકા, મકાન-બાંધકામમાં વળો, વહાણનું તૂતક કે સપાટ પાટિયાં, ખોખાં, હોડી, કૃષિનાં ઓજારો, કૉફીની પેટીઓ, ફ્રેમ, બળતણ અને કોલસો બનાવવામાં થાય છે.

તેનું ફળ કોરીલેજીન અને ચિબુલિક ઍસિડ સિવાય હરડેના ઘટકો સાથે સામ્ય દર્શાવે છે અને ચર્મશોધનમાં હરડેની અવેજીમાં વાપરી શકાય છે. તેના ફળના મૃદુ માવાનું વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ 6.1 %; ટેનિન 21.4 %ના અને જલ-નિષ્કર્ષકો (extractables) 44.0 %.

આયુર્વેદ અનુસાર બહેડાં ફળ મધુર, તૂરાં, હળવાં, લૂખાં, ઉષ્ણવીર્ય, મધુર, વિપાકી, કફ-પિત્તશામક, ભૂખવર્ધક, રક્તસ્તંભક, પીડાશામક, ધાતુવર્ધક, કફનાશક, કેશવર્ધક, આંખને હિતકર અને સોજા, શ્વાસ, કફ, શરદી, ખાંસી, સળેખમ, અવાજ બેસી જવો, મંદાગ્નિ, આફરો, તરસ, ઊલટી, હરસ અને કૃમિને તથા નાક તેમજ નેત્રના રોગ મટાડે છે. બહેડાંનાં ફળનાં મીંજ નાક, નેત્ર અને કેશના તથા કૃમિરોગના નાશક અને અનિદ્રાહર છે. પાકા ફળની છાલ ખાસ સંકોચક, કફનાશક તથા શ્વાસ, ઝાડા અને મરડાનાશક છે.

બહેડાંની છાલનું 3થી 5 ગ્રામ ચૂર્ણ પાણીમાં લેવાથી પિચોટી ખસી ગઈ હોય તે ફરી ઠેકાણે આવે છે. બહેડાંનું ચૂર્ણ મધ કે જૂના ગોળ સાથે ચાટવાથી કફ, ખાંસી અને શ્વાસ મટે છે. વાળ અકાળે સફેદ થવા કે ખૂબ ખરવા ઉપર બહેડાં-મીંજનું તેલ માથામાં કે નાકમાં નાખવાથી લાભ થાય છે. બહેડાં-મીજનું ચૂર્ણ સ્ત્રીના દૂધમાં વાટી, મધ મેળવી આંખે આંજવાથી ફૂલું મટે છે.

આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં તેનાં પર્ણોનો ઉપયોગ ઘાસચારા તરીકે કરવામાં આવે છે. પર્ણમાં 15.06% અશુદ્ધ પ્રોટીન હોય છે. તેનો ઉપયોગ રેશમના કીડા(Antherarea mylitta)ના ઉછેરમાં કરવામાં આવે છે.

બીજમાંથી લગભગ 38.6 % જેટલું અખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે.

કપાયેલા થડમાંથી ગુંદરનો સ્રાવ થાય છે અને તે પાણીમાં દ્રાવ્ય હોય છે, તથા મીણબત્તીની જેમ સળગે છે.

મહેશચંદ્ર અંબાલાલ પટેલ

સુનીલકુમાર જયંતીલાલ મૅકવાન

ગુણવતંસિંહ ચંદ્રસિંહ જાડેજા

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ