બહૂદર પશુ (વ્યાલ) : ભારતીય શિલ્પકલામાં અલંકરણ રૂપે પ્રયોજાતું વિશિષ્ટ રૂપ પ્રતીક. ‘વ્યાલ’ નામથી જાણીતા થયેલાં વ્યાલશિલ્પો કે ઇહામૃગોની ભારતીય પરંપરા ઋગ્વેદ (7-104-22) જેટલી જૂની છે. ત્યાં મનુષ્યસ્વભાવનું વર્ણન કરતાં એના છ પ્રકારો ઉલૂક, શુશુલૂક, શ્વા, કોક, સુપર્ણ, ગૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ, ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે જે મુખ-વિકૃતિ નીપજે છે તેનાં તે દ્યોતક રૂપો હોય તેમ જણાય છે.

બહુદર પશુ એકગ્રીવ હોય છે અને એક શિરવાળા પ્રાણીનું સંયોજન ઘણા શરીર સાથે થયેલું હોય છે. અથર્વવેદ(13-4-6)માં એક માથું અને દસ શરીરવાળા વાછરડાનો ઉલ્લેખ છે. અજંટાના એક સ્તંભ પર એક મુખ સાથે ચાર હરણનાં શરીર સંયોજાયાં છે. કાર્લા અને બેડસાનાં ચૈત્યગૃહોમાં અને જૂનાગઢની ઉપરકોટની ગુફામાંનાં સ્તંભો પર આવા ગજસંઘાટ અને સિંહસંઘાટનાં શિલ્પો છે. સારનાથના સિંહસ્તંભમાં આને મળતી યોજના છે. કાર્લાના ચૈત્યગૃહનાં સ્તંભોની શિરાવટીમાં અશ્વસંઘાટ, ગજસંઘાટ વગેરેનાં શિલ્પો કોતરેલાં છે. ક્યારેક આવાં પશુઓ યુદ્ધરત સ્થિતિમાં પણ આલેખાય છે. દા. ત. મથુરાના એક શિલ્પપટ્ટ પર ગરુડ અને નાગનું અને એલોરામાં ગજ અને સિંહનાં આવાં યુદ્ધરત  સંઘાટ શિલ્પોનું આલેખન થયું છે.

પ્રવીણચંદ્ર પરીખ