બહુજનીનિક વારસો
સજીવોમાં એક કરતાં વધારે જનીનિક યુગ્મ દ્વારા નિયંત્રિત માત્રાત્મક (quantitative) લક્ષણોની આનુવંશિકતા. જનીનના એક યુગ્મ દ્વારા નિયંત્રિત લક્ષણોને ગુણાત્મક (qualitative) લક્ષણો કહે છે. મેંડેલે વટાણામાં અભ્યાસ કરેલાં બધાં લક્ષણો ગુણાત્મક હતાં; દા.ત., વટાણાની ઊંચી અને વામન જાતના સંકરણથી ઉદભવતી સંતતિઓના પણ ઊંચા અને વામન એમ બે જ સ્પષ્ટ વર્ગો હતા. આ સંતતિઓમાં કોઈની ઊંચાઈ વચગાળાની નહોતી. આમ, બે વિભિન્નતાઓ (variations) વચ્ચેના આવા સ્પષ્ટ તફાવતોને ‘ગુણાત્મક લક્ષણ’ તરીકે ઓળખાવાય છે. આ કિસ્સામાં ‘ઊંચું’ લક્ષણ ‘વામન’ લક્ષણ પર પ્રભાવી છે અને આવી વિભિન્નતાઓ ત્રુટક (discontinuous) ગણાય છે.
જો ઘઉંની જાતોનાં ઊંચાઈ, દાણાનું કદ, પ્રોટીન દ્રવ્ય, પરિપક્વતાનો સમય વગેરે લક્ષણોનું સર્વેક્ષણ કરવામાં આવે તો બે અંતિમો (extremes) વચ્ચે મધ્યવર્તીઓ (intermediates) જોવા મળે છે; દા.ત., વનસ્પતિના ઊંચાઈના લક્ષણમાં ઘણી વિભિન્નતાઓ હોય છે. આ કિસ્સામાં સૌથી ઊંચી અને સૌથી વામન જાત વચ્ચે મધ્યવર્તીઓ હોય છે અને મેંડેલની વટાણાની જાતોની જેમ અહીં આ લક્ષણ બે સ્પષ્ટ વર્ગોમાં વર્ગીકૃત થતું નથી. આવી વિભિન્નતાઓને સતત (continuous) ગણવામાં આવે છે. અન્ય ઉદાહરણોમાં મનુષ્યની ઊંચાઈ અને ત્વચાનો રંગ, ગાય દ્વારા દૂધનું ઉત્પાદન, ઘઉંના દાણાનો રંગ, મકાઈ(બ્લૅક મૅક્સિકન અને ટૉમ થમ્બ જાતો)ના ડૂંડાની લંબાઈ, મરઘીની ‘ગોલ્ડન હેમ્બર્ગ’ અને ‘સેબ્રાઇટ બેન્ટમ’ની જાતોનું વજન, તમાકુ(Nicotiana longiflora)ના પુષ્પની લંબાઈ વગેરેનો સમાવેશ થાય છે.
બેટ્સન જેવા મેંડલવાદીઓના મંતવ્ય અનુસાર ઉત્ક્રાંતિની ર્દષ્ટિએ મહત્વની બધી આનુવંશિક વિભિન્નતાઓ ગુણાત્મક અને ત્રુટક હોય છે; જ્યારે પિયર્સન અને વૅલ્ડન જેવા જૈવ આંકડાશાસ્ત્રીઓના દર્શાવ્યા મુજબ આનુવંશિક વિભિન્નતા મૂળભૂત રીતે માત્રાત્મક અને સતત હોય છે અને જનીનોનું સ્વતંત્ર એકમો તરીકે અસ્તિત્વ હોતું નથી.
બહુજનીનિક વારસાનાં લક્ષણો આ પ્રમાણે છે : (1) પ્રત્યેક યોગદાતા (contributing) જનીનની સંચયી (cumulative) કે યોજ્ય (additive) અસર હોય છે; (2) કોઈ એક શ્રેણીમાં આવેલું પ્રત્યેક વૈકલ્પિક જનીન (allele) સમાન અસર ઉત્પન્ન કરે છે; (3) આ પરિઘટનામાં પ્રભાવિતા (dominance) સંકળાયેલી હોતી નથી;
(4) રંગસૂત્રો પર જુદાં જુદાં સ્થાને રહેલાં આ જનીનોમાં પ્રબળતા (epistasis) જોવા મળતી નથી; (5) આ પ્રક્રિયામાં સહલગ્નતા (linkage) હોતી નથી.
માત્રાત્મક લક્ષણ માટે જવાબદાર જનીનોની ચોક્કસ સંખ્યા અને તેમનું વિતરણ નિયંત્રિત સંવર્ધન-પદ્ધતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઈ. એમ. ઈસ્ટે (1916) તમાકુમાં પુષ્પની લંબાઈ પર સંશોધનો કર્યાં છે. તેમણે પસંદ કરેલી તમાકુની બે જાત પૈકી એકના પુષ્પની સરેરાશ લંબાઈ 40.5 મિમી. અને બીજી જાતના પુષ્પની સરેરાશ લંબાઈ 93.3 મિમી. હતી. બે જૂથ વચ્ચે રહેલો તફાવત મુખ્યત્વે જનીનિક છે; જોકે તેમાં જોવા મળતી કેટલીક વિભિન્નતાઓ પર્યાવરણીય પરિબળોને કારણે હતી. આ બંને જાતો વચ્ચે સંકરણ કરાવતાં ઉત્પન્ન થતી પ્રથમ સંતાનીય (F1) પેઢીની બધી વનસ્પતિઓનાં પુષ્પોનું કદ બંને પિતૃઓ કરતાં મધ્યવર્તી હતું; અને તેઓ તે જનીનો માટે વિષમયુગ્મી (heterozygous) હતી.
F1 પેઢીનું અંત:પ્રજનન કરાવતાં તમાકુમાં પુષ્પની લંબાઈનું નિયંત્રણ કરતાં વૈકલ્પિક જનીનયુગ્મોની સંખ્યાને આધારે જનીનપ્રરૂપો (genotype) ઉદભવ્યાં. વિયોજન પામતાં વૈકલ્પિક જનીનયુગ્મોની સંખ્યા જેમ વધે છે, તેમ F2 પેઢીમાં પૈતૃક લક્ષણ ધરાવતી સંતતિઓનું સાપેક્ષ પ્રમાણ ઘટે છે. એક જ (AA × aa) સમયુગ્મી વૈકલ્પિક જનીન-યુગ્મ ધરાવતાં સજીવો વચ્ચે સંકરણ કરાવતાં F2 પેઢીમાં 1⁄4 સંતતિમાં બે પૈકીમાંનું એક પૈતૃક લક્ષણ હોય છે. બે (AABB × aabb) સમયુગ્મી વૈકલ્પિક જનીન-યુગ્મ ધરાવતાં સજીવો વચ્ચે સંકરણ કરાવતાં F2 પેઢીમાં 1⁄16 સંતતિમાં અને ત્રણ (AA BB CC) સમયુગ્મી વૈકલ્પિક જનીન-યુગ્મ ભાગ લેતાં હોય તો 1⁄16 સંતતિમાં બે પૈકીમાંનું એક પૈતૃક લક્ષણ જોવા મળે છે. આમ, વૈકલ્પિક જનીન-યુગ્મની સંખ્યાને આધારે F2 પેઢીમાં (1⁄4)n પ્રમાણમાં સંતતિઓ બે પૈકીમાંનું એક પૈતૃક લક્ષણ ધરાવે છે. ઈસ્ટને F2 પેઢીમાં 444 સંતતિઓનાં અવલોકનો સુધી કોઈ એક પૈતૃક લક્ષણ ધરાવતાં સજીવો મળ્યાં નહિ; તેથી તેમણે તારવ્યું કે તમાકુમાં પુષ્પની લંબાઈ પર ચાર કરતાં વધારે જનીન-યુગ્મો અસર કરતાં હોવાં જોઈએ.
જોહાન્સેનનો શુદ્ધ વંશક્રમ (pure line) : ડેનિશ જનીન-વિજ્ઞાની, જોહાન્સેને (1903) ફણસી(phaseolus vulgaris)ના માત્રાત્મક લક્ષણ(બીજનું વજન)ના સંવર્ધનનું વિસ્તૃત પૃથક્કરણ કર્યું. તેમણે ફણસીના વ્યાપારિક બીજના જથ્થાનાં વજન માપ્યાં અને જોયું કે હલકા(150 મિગ્રા.)થી શરૂ કરી ભારે (900 મિગ્રા.) પ્રકારોની વચ્ચે ઘણા પ્રકાર મળતા હતા. પ્રથમ ર્દષ્ટિએ બાહ્ય દેખાવે હલકા અને ભારે બીજ વચ્ચે કોઈ જનીનિક તફાવતો લાગતા ન હતા; કારણ કે કેટલાંક હલકાં બીજ દ્વારા ઉદભવતી સંતતિઓમાં વજનના જે વિવિધ પ્રકારો મળતા હતા તે જ પ્રકારો કેટલાંક ભારે બીજ દ્વારા ઉદભવતી સંતતિઓમાં ઉપલબ્ધ હતા. જોકે જોહાન્સેને તેમના વિશિષ્ટ પ્રયોગ દ્વારા સિદ્ધ કર્યું કે ઉપલક ર્દષ્ટિએ છુપાયેલા હોવા છતાં આ બીજ વચ્ચે ઘણા જનીનિક તફાવતો હતા. જોહાન્સેનની સંવર્ધનની પદ્ધતિ દ્વારા ફણસીના વિવિધ સ્પષ્ટ વંશક્રમો અલગ તારવી શકાયા છે.
ફણસીમાં કુદરતી રીતે સ્વપરાગનયનની ક્રિયા થતી હોવાથી વનસ્પતિઓની ક્રમિક પેઢીઓના સ્વફલન દ્વારા વિવિધ અંત:પ્રજાત (inbred) પ્રકારો એક જ બીજમાંથી વિકસાવવામાં આવ્યા છે. મેંડેલના દર્શાવ્યા પ્રમાણે, સ્વપ્રજનન દ્વારા બધાં જનીનો માટે સમયુગ્મિતા(homozygosity)માં ઝડપી વધારો કરી શકાય છે, જેથી અંતે ખૂબ જ સામ્ય ધરાવતો શુદ્ધ વંશક્રમ ઉત્પન્ન થાય છે. જોહાન્સેનના પ્રયોગમાં 19 પૂર્વજક (ancestral) બીજમાંથી 19 શુદ્ધ વંશક્રમ પ્રાપ્ત થયા છે. મિશ્ર બીજમાંથી અગાઉનાં પ્રાપ્ત થયેલાં અવલોકનની વિરુદ્ધ પ્રત્યેક શુદ્ધ વંશક્રમ દ્વારા વ્યક્તિગત રીતે અલગ સરેરાશ વજનવાળાં બીજ ઉત્પન્ન થયાં તે સારણી 1માં દર્શાવ્યાં છે.
સારણી 1 : ફણસીના 19 શુદ્ધ વંશક્રમમાંથી પસંદ કરેલા પિતૃઓ દ્વારા ઉદભવતી સંતતિઓનાં સરેરાશ વજન
શુદ્ધ વંશક્રમમાંથી પસંદ કરેલાં પિતૃઓનાં બીજનાં વજન, મિગ્રા.
સંતતિઓનું વજન, મિગ્રા.
શુદ્ધ વંશક્રમ | 200 × 200 | 300 × 300 | 400 × 400 | 500 × 500 | 600 × 600 | 700 × 700 | સંતતિઓનું સરેરાશ વજન |
1. | 631 | 649 | 642 | ||||
2. | 572 | 549 | 565 | 555 | 558 | ||
3. | 564 | 566 | 544 | 554 | |||
4. | 542 | 536 | 566 | 548 | |||
5. | 528 | 492 | 502 | 512 | |||
6. | 535 | 508 | 425 | 506 | |||
7. | 459 | 495 | 482 | 492 | |||
8. | 490 | 491 | 475 | 489 | |||
9. | 485 | 479 | 482 | ||||
10. | 421 | 467 | 469 | 465 | |||
11. | 452 | 454 | 462 | 454 | |||
12. | 496 | 451 | 440 | 455 | |||
13. | 475 | 450 | 451 | 458 | 454 | ||
14. | 454 | 469 | 429 | 453 | |||
15. | 469 | 446 | 450 | 450 | |||
16. | 459 | 441 | 410 | 446 | |||
17. | 440 | 424 | 428 | ||||
18. | 410 | 407 | 408 | 408 | |||
19. | 358 | 348 | 351 | ||||
479 | |||||||
બધી હરોળની સરેરાશ |
સારણી 2 : જોહાન્સેનના શુદ્ધ વંશક્રમ13માં બીજનાં જુદાં જુદાં વજન ધરાવતી સંતતિઓની સંખ્યા
પિતૃઓનું વજન | સંતતિઓના વર્ગોનું વજન મિગ્રા. | ||||||||||
175 | 225 | 275 | 325 | 375 | 425 | 475 | 525 | 575 | 625 | કુલ | |
275 | 1 | 5 | 6 | 11 | 4 | 8 | 5 | 40 | |||
325 | 1 | 3 | 7 | 16 | 13 | 12 | 1 | 53 | |||
375 | 1 | 2 | 6 | 27 | 43 | 45 | 27 | 11 | 2 | 164 | |
425 | 1 | 1 | 7 | 25 | 45 | 46 | 22 | 8 | 155 | ||
475 | 5 | 9 | 18 | 28 | 19 | 21 | 3 | 103 | |||
525 | 1 | 4 | 3 | 8 | 22 | 23 | 32 | 6 | 3 | 102 | |
575 | 1 | 7 | 17 | 16 | 26 | 17 | 8 | 3 | 95 | ||
1 | 2 | 14 | 38 | 104 | 172 | 179 | 140 | 53 | 9 | 712 |
દા.ત., વંશક્રમ–1 દ્વારા સૌથી વધારે સરેરાશ વજન (642 મિગ્રા.) ધરાવતાં અને વંશક્રમ–19 દ્વારા સૌથી હલકું (351 મિગ્રા.) વજન ધરાવતાં બીજ ઉદભવ્યાં. વિવિધ શુદ્ધ વંશક્રમોનું તે જ પૈતૃક બીજના વજન સાથે તુલના કરતાં વંશક્રમો વચ્ચે રહેલી જનીનિક વિભિન્નતાઓ સ્પષ્ટ થાય છે; દા.ત., 400 મિગ્રા. વજનવાળાં પિતૃઓ દ્વારા બીજા વંશક્રમમાં સરેરાશ 572 મિગ્રા. વજન ધરાવતી સંતતિઓ ઉદભવે છે; જ્યારે 19મા વંશક્રમમાં તે જ વજનવાળાં પિતૃઓ દ્વારા સરેરાશ 348 મિગ્રા. વજન ધરાવતી સંતતિઓ ઉત્પન્ન થાય છે. જુદાં જુદાં વજનો ધરાવતાં પિતૃઓ ચોક્કસ વંશક્રમમાં એકસરખું સરેરાશ મૂલ્ય ધરાવતી સંતતિઓનું નિર્માણ કરે છે. તેનો અર્થ એવો થતો નથી કે પ્રત્યેક શુદ્ધ વંશક્રમમાં સંતતિઓનાં બધાં લક્ષણપ્રરૂપો (phenotype) સમાન છે. પ્રત્યેક શુદ્ધ વંશક્રમમાં વિભિન્નતાની માત્રા જોવા મળે છે. તે દેખીતી રીતે પર્યાવરણ દ્વારા ઉદભવે છે; જે સારણી 2માં શુદ્ધ વંશક્રમ–13 દ્વારા ઉદભવતી સંતતિઓમાં બીજનાં જુદાં જુદાં વજનો પરથી નક્કી કરી શકાય છે.
આમ માત્રાત્મક લક્ષણના સંદર્ભમાં વિભિન્નતા દર્શાવતી વનસ્પતિઓની વસ્તી જનીનિક રીતે ઘણાં વિવિધ જૂથો ધરાવે છે. પ્રત્યેક જૂથમાં ઘટક વનસ્પતિઓ વચ્ચે રહેલા પર્યાવરણીય તફાવતોને લીધે આ માત્રાત્મક લક્ષણ જુદાં જુદાં માપ દર્શાવે છે.
જુદાં જુદાં જૂથોમાં કેટલીક માત્રામાં આ લક્ષણનું આચ્છાદન પણ થાય છે, જેથી તેમને સ્પષ્ટપણે અલગ પાડી શકાતાં નથી. જોહાન્સેનના પ્રયોગ દ્વારા સમજી શકાય છે કે માત્રાત્મક લક્ષણમાં જોવા મળતી સતત વિભિન્નતા જનીનપ્રરૂપ અને પર્યાવરણ બંનેનું પરિણામ છે. જોકે મૂળભૂત કારણ જનીનિક હોવા છતાં જોહાન્સેનના શુદ્ધ વંશક્રમ માટે જવાબદાર જનીનો વ્યક્તિગત રીતે ઓળખી શકાયાં નથી; તેથી માત્રાત્મક વિભિન્નતા માટેનો જનીનિક આધાર વિવાદાસ્પદ અને અનિશ્ચિત રહે છે.
ઘઉંના દાણાનો રંગ : નિલ્ઝન–ઇહલે, એચ. (1909) નામના સ્વિડિશ જનીનવિજ્ઞાનીએ ઘઉંના દાણાના રંગના બહુજનીનિક વારસાનું સૌપ્રથમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે અતિશય લાલ રંગના દાણા ધરાવતી ઘઉંની જાતનું સફેદ રંગના દાણા ધરાવતી ઘઉંની જાત સાથે સંકરણ કર્યું. F1 પેઢીમાં બધા દાણા મધ્યવર્તી લાલ ઉત્પન્ન થયા. F1 પેઢીનું અંત:પ્રજનન કરાવતાં નિલ્ઝન–ઇહલેએ F2 પેઢીમાં પાંચ લક્ષણપ્રરૂપો 1 : 4 : 6 : 4 : 1ના ગુણોત્તરમાં પ્રાપ્ત કર્યાં. તેમણે F2 પેઢીના 1⁄16 સંતતિઓમાં પૈતૃક વનસ્પતિના અતિશય લાલ રંગનું અવલોકન કર્યું. તે પરથી તેમણે તારણ કાઢ્યું કે આ સંકરણમાં જનીનનાં બે યુગ્મો દાણાના રંગનું નિયમન કરતાં હતાં. ધારો કે, A અને B જનીનો લાલ રંગના રંજકદ્રવ્યના સંશ્લેષણનું નિયમન કરે છે અને તેનાં વૈકલ્પિક જનીનો a અને bને કારણે રંજકદ્રવ્ય નિર્માણ થતું નથી તો આ સંકરણનો આરેખ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે :
નિલ્ઝન–ઇહલેએ ઘઉંના એક અન્ય સંકરણમાં ઘઉંના દાણાના રંગને અનુલક્ષીને 1 : 6 : 15 : 20 : 15 : 6 : 1નો ગુણોત્તર પ્રાપ્ત કર્યો અને F2 પેઢીમાં 1⁄64 સંતતિમાં પૈતૃક વનસ્પતિના અતિશય લાલ રંગના દાણા અને 1⁄64 સંતતિમાં સફેદ રંગના દાણાનું અવલોકન કર્યું. આમ, આ કિસ્સામાં સાત લક્ષણપ્રરૂપો જોવા મળે છે અને દાણાના રંગના લક્ષણ માટે જનીનોની ત્રણ જોડ જવાબદાર છે.
સી. બી. ડેવેનોપોર્ટે (1913) મનુષ્યની ત્વચાના રંગને અનુલક્ષીને બહુજનીનિક વારસાનો અભ્યાસ કર્યો. તેમનાં સંશોધનો મુજબ, અમેરિકામાં નીગ્રો વ્યક્તિનું ગોરી વ્યક્તિ સાથે લગ્ન થાય તો પ્રથમ સંતાનીય પેઢીમાં ઘઉંવર્ણી સંતતિઓ ઉદભવે છે; જેને મ્યૂલૅટો (mulatto) કહે છે. જ્યારે બે ઘઉંવર્ણી વ્યક્તિ વચ્ચે લગ્ન થાય ત્યારે પાંચ જુદાં જુદાં લક્ષણપ્રરૂપો વારસામાં ઊતરી આવે છે; જેમાં કાળા, ઘેરા ઘઉંવર્ણ, ઘઉંવર્ણ, આછા ઘઉંવર્ણ અને ગોરા રંગનો સમાવેશ થાય છે અને તેનો ગુણોત્તર અનુક્રમે 1 : 4 : 6 : 4 : 1 જેટલો જોવા મળે છે.
મનુષ્યની ત્વચાનો રંગ મેલેનિન નામના રંજકદ્રવ્યના સમપ્રમાણમાં હોય છે. તે એક રંજકપ્રોટીન છે અને તેના સંશ્લેષણનું નિયમન જનીનોની બે જોડ દ્વારા થાય છે. આ જનીનો બે જુદા જુદા સ્થાને ગોઠવાયેલાં હોય છે અને પ્રત્યેક પ્રભાવી જનીન મેલેનિનના નિશ્ચિત જથ્થાના સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. બધાં જનીનોની અસર યુતિપ્રભાવી (synerjistic) હોય છે અને પ્રભાવી જનીનોની સંખ્યાના પ્રમાણમાં મેલેનિનનો જથ્થો ઉત્પન્ન થાય છે.
ડેવેનોપોર્ટ પછી થયેલા અભ્યાસે દર્શાવ્યું છે કે મનુષ્યની ત્વચાના રંગના નિયમન સાથે છ જનીનો સંકળાયેલાં હોય છે.
જો યોગદાતા પ્રભાવી વૈકલ્પિક જનીનોની સંખ્યા n હોય તો 1 : 4 : 6 : 4 : 1 અથવા 1 : 6 : 15 : 20 : 15 : 6 : 1 જેવા ગુણોત્તર દ્વિપદી સમીકરણ(binomial equation)ના પ્રસરણ (expansion) (½+½)n દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આમ, જનીનોની બે જોડના કિસ્સામાં n = 4 અને ત્રણ જોડના કિસ્સામાં n = 6 છે. દ્વિપદી સમીકરણનું પ્રસરણ સારણી 3માં દર્શાવ્યા પ્રમાણે પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરી મેળવી શકાય છે.
સારણી 3 : નિગ્રો પુરુષ અને ગોરા વર્ણની સ્ત્રીની દ્વિતીય સંતાનીય (F2) પેઢીની સંતતિઓનાં જનીન પ્રરૂપો અને લક્ષણપ્રરૂપો
મેંડલવાદ મુજબ બંને પિતૃઓ બે સ્પષ્ટ લક્ષણપ્રરૂપના વર્ગો ધરાવે છે; જે પૈકી એક સમયુગ્મી (homozygous) પ્રભાવી અને બીજો સમયુગ્મી પ્રચ્છન્ન (recessive) હોય છે. F1 પેઢીમાં એક પ્રભાવી વૈકલ્પિક જનીનની હાજરીને લીધે બધી જ સંતતિઓ પ્રભાવી લક્ષણપ્રરૂપ દર્શાવે છે. F2 પેઢીમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણપ્રરૂપો 3 : 1ના ગુણોત્તરમાં વિયોજન (segregation) પામે છે.
સારણી 4 : nનાં જુદાં જુદાં મૂલ્યનો ઉપયોગ કરીને (½ + ½)n દ્વિપદનું પ્રસરણ
(1⁄2+1⁄2)0 | 1 | 1 |
(1⁄2+1⁄2)1 | 1 : 1 | 2 |
(1⁄2+1⁄2)2 | 1 : 2 : 1 | 4 |
(1⁄2+1⁄2)3 | 1 : 3 : 3 : 1 | 8 |
(1⁄2+1⁄2)4 | 1 : 4 : 6 : 4 : 1 | 16 |
(1⁄2+1⁄2)5 | 1 : 5 : 10 : 10 : 5 : 1 | 32 |
(1⁄2+1⁄2)6 | 1 : 6 : 15 : 20 : 15 : 6 : 1 | 64 |
(1⁄2+1⁄2)7 | 1 : 7 : 21 : 35 : 35 : 21 : 7 : 1 | 128 |
(1⁄2+1⁄2)8 | 1 : 8 : 28 : 56 : 70 : 56 : 28 : 8 : 1 | 256 |
બહુજનીનિક વારસામાં પિતૃઓના બે સ્પષ્ટ વર્ગ હોવા છતાં F1 સંતતિઓ મધ્યવર્તી લક્ષણપ્રરૂપ અભિવ્યક્ત કરે છે, કારણ કે પ્રભાવી જનીનોની સંખ્યા F1 પેઢીમાં ઓછી હોય છે. F2 સંતતિઓ વિશાળ માત્રામાં વિભિન્નતા પ્રદર્શિત કરે છે, જેથી F2 પેઢીમાં એક સતત વક્ર (curve) પ્રાપ્ત થાય છે.
F2 પેઢીમાં એક, બે કે ત્રણ જનીનોના વિયોજનોનું લક્ષણપ્રરૂપી વિતરણ દર્શાવતા સ્તંભાલેખ (histogram) દર્શાવે છે કે જેમ વિયોજન પામતાં જનીનયુગ્મોની સંખ્યા વધારે તેમ સ્તંભાલેખીય વક્રનો વિસ્તાર વધારે પહોળો બને છે. તેથી સ્તંભાલેખીય વિસ્તારના આવૃત્તિ- (frequency)વિતરણના સ્વરૂપ દ્વારા બહુજનીનિક વારસા સાથે સંકળાયેલાં જનીનોનું તારણ કાઢી શકાય છે.
કેટલાંક માત્રાત્મક લક્ષણોનું નિયમન જનીનના એક યુગ્મ દ્વારા તેમજ એક કરતાં વધારે જનીનયુગ્મોની યુતિપ્રભાવી કે સંચયી (cumulative) અસર દ્વારા થાય છે; દા.ત., મીઠા વટાણામાં ઊંચાઈનું લક્ષણ એક જ કે એક કરતાં વધારે જનીનયુગ્મ દ્વારા નિયંત્રિત થાય છે.
આમ, મેંડેલિયન વારસામાં F1 પેઢીમાં બે પૈકી એક પિતૃનું પ્રભાવી લક્ષણ અભિવ્યક્ત થાય છે અને F2 પેઢીની સંતતિઓમાં પિતૃઓનાં બંને લક્ષણપ્રરૂપો 3 : 1ના ગુણોત્તરમાં ઉદભવે છે. F2 પેઢીમાં પ્રભાવી લક્ષણ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ ઘણું વધારે (3⁄4) અને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ ઓછું (1⁄4) હોય છે; જ્યારે બહુજનીનિક વારસામાં F1 પેઢીની સંતતિઓમાં બંને પિતૃઓની તુલનામાં મધ્યવર્તી લક્ષણ અભિવ્યક્ત થાય છે અને F2 સંતતિઓ તે લક્ષણપ્રરૂપના સંદર્ભમાં એક પિતૃ તરફથી બીજા પિતૃ તરફની વિભિન્નતાની ક્રમિક શ્રેણી અભિવ્યક્ત કરે છે. F2 પેઢીમાં પૈતૃક લક્ષણ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા સરેરાશ અથવા મધ્યવર્તી લક્ષણ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા કરતાં ઘણી અલ્પ હોય છે.
ભાનુકુમાર ખુ. જૈન
બળદેવભાઈ પટેલ