બહુજનસમાજ પક્ષ : ભારતના બહુજનસમાજના ઉત્કર્ષ માટે રચાયેલો રાજકીય પક્ષ. તેની સ્થાપના પક્ષના સ્થાપક પ્રમુખ કાંસીરામે એપ્રિલ 1984માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના દિવસે દિલ્હી ખાતે કરી હતી અને તેનું પહેલું અધિવેશન જૂન 1984માં દિલ્હી ખાતે જ મળ્યું હતું.

ભારતના બહુજનસમાજમાં અનુસૂચિત જાતિના 15 %, અનુસૂચિત જનજાતિના 7.5 %, અન્ય પછાત વર્ગોના 52 % અને ધર્માંતર કરેલ લઘુમતીઓના 10.5 % મળી દેશની કુલ વસ્તીના લગભગ 85 %થી 90 %નો સમાવેશ થાય છે. આ પક્ષની માન્યતા મુજબ આ 85% સમાજ બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થા દ્વારા શોષણનો ભોગ બનેલો છે. બીજી બાજુ ઉજળિયાત વર્ગના લોકો સંખ્યાની ષ્ટિએ લઘુમતીમાં હોવા છતાં મનુવાદી સામાજિક વ્યવસ્થાના તેઓ પૂરેપૂરા લાભાર્થીઓ છે.

બહુજનસમાજ પક્ષના પ્રણેતા કાંસીરામ માને છે કે બસપ સિવાય બીજા બધા પક્ષો બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તેઓ ‘જૈસે થે’ વ્યવસ્થાને ટકાવી રાખનાર પરિબળો છે. બહુજનસમાજ પક્ષને માટે રાજકારણ અને રાજકીય સત્તા એ સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ માટેનાં સાધનો અને ધ્યેય બંને છે. બહુજનસમાજ પક્ષનું લક્ષ્ય સામાજિક-આર્થિક પરિવર્તન ઉપરાંત સાંસ્કૃતિક ક્રાંતિ લાવવાનું પણ છે.

આ પક્ષ ભારતીય રાજકારણમાં એક નૂતન સામાજિક અને રાજકીય બળ તરીકે ઊપસી આવ્યો છે. તેના ટીકાકારો પણ હવે સ્વીકારતા થયા છે કે આ પક્ષ કેવળ ભારતના રાજકારણમાં જ નહિ, પરંતુ સમાજ-જીવનમાં પણ મહત્વનું પરિબળ બની શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ પક્ષે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ સાથે 1996માં સહિયારી સરકાર રચવાની શક્તિ પુરવાર કરી બતાવી છે. તેણે સિદ્ધ કરી બતાવ્યું કે મહાત્મા જ્યોતિરાવ ફુલે, રાજર્ષિ શાહુ મહારાજ, પેરિયાર રામાસ્વામી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવાની ફિલસૂફી લોકશાહી સાધનો દ્વારા બ્રાહ્મણવાદી ફિલસૂફી અને તેનાં પરિબળોને પરાસ્ત કરવાની શક્તિ ધરાવે છે.

આ પક્ષ મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્રમાં તેનો રાજકીય અને સામાજિક આધાર ધરાવે છે. આ પક્ષની સ્થાપનાથી કચડાયેલા વર્ગોની રાજકીય સભાનતા, જાગૃતિ અને સોદાશક્તિ વધી ગઈ છે.

સરમણ ઝાલા