બહુજનસમાજ : દલિતો સહિતના નિમ્ન ગણાતા શોષિતો-પીડિતોનો સમુદાય. બહુજનસમાજનો ખ્યાલ ઐતિહાસિક રીતે ગૌતમ બુદ્ધના સમયથી પ્રચલિત છે. પરંતુ વીસમી સદીના અંતિમ દાયકામાં ‘દલિત-બહુજન’ એ રીતે આ ખ્યાલ પ્રચલિત બન્યો છે. ‘બહુજનહિતાય, બહુજન સુખાય’ – એવી ભાવના અને વિચારસરણી સ્થાપિત અસમાનતાને પોષતી હિંદુ સમાજવ્યવસ્થામાં માળખાગત પરિવર્તનો માટેનો બુદ્ધ–મહાવીરનો પ્રયાસ હતો. બ્રાહ્મણવાદી સમાજવ્યવસ્થા અને વિચારસરણીવાળી હિંદુઓની સામાજિક પરંપરામાં કહેવાતા ઉપલા વર્ણો સિવાયની બહુમતી પ્રજાનો અવાજ વ્યક્ત કરવા માટે વીસમી સદીમાં જ્યોતિરાવ ફુલે અને બાબાસાહેબ આંબેડકરે બહુજનસમાજની એકતા સ્થાપવા પ્રયત્નો કર્યા. ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ – એવું આંબેડકરનું સૂત્ર શરૂઆતમાં દલિતોમાં અને સમય જતાં પદદલિતો(બહુજનસમાજ)માં પ્રેરણારૂપ બન્યું.
બહુજનસમાજ વાસ્તવમાં એક તરફ દલિતો સહિત અનેકાનેક નિમ્ન જ્ઞાતિઓના બનેલા સામાજિક સમૂહોને વ્યક્ત કરે છે તો બીજી તરફ જમીનવિહોણા ખેતમજૂરો પરંપરાગત વ્યવસાયોમાં જીવન ટકાવી રાખતા કારીગરો અને શોષિત આદિવાસીઓ સાથેની સમાનતાને પણ વ્યક્ત કરે છે. જ્ઞાતિવાદી ભારતીય સમાજમાં લોકશાહી શાસનવ્યવસ્થાની મર્યાદા એ રહી કે તેમાં સવર્ણ જ્ઞાતિની નેતાગીરીનું પ્રભુત્વ રહ્યું. આ ઐતિહાસિક હકીકતની સામે જનસામાન્ય સુધી રાજકીય અધિકારો પહોંચે તે માટે વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનોએ બહુજનસમાજની એકતાને મહત્વ આપ્યું. આ પ્રક્રિયામાં ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ‘બહુજનસમાજ પક્ષ’ નામનો રાજકીય પક્ષ પણ અસ્તિત્વમાં આવ્યો. મર્યાદિત સમય માટે ઉત્તરપ્રદેશમાં આ પક્ષે સત્તા પણ સંભાળી.
બહુજનસમાજની એકતા અને તેના પ્રશ્નો – પડકારો અંગેની બૌદ્ધિક ચર્ચાઓ પણ વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં દેશના વિભિન્ન પ્રદેશોમાં વ્યાપક બની છે. આ ચર્ચાઓમાં માર્કસવાદી વિચારધારા તથા ફૂલે–આંબેડકર વિચારધારાની આસપાસ બૌદ્ધિક પ્રવૃત્તિઓ આકાર લઈ રહી છે.
બહુજનસમાજની એકતાનો પ્રશ્ન સમાજમાં વ્યાપક રીતે સામાજિક ન્યાય મળે તે માટે પણ ચર્ચાતો રહ્યો છે. દેશના સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં મુઠ્ઠીભર વ્યક્તિઓ કે સમૂહોનું વર્ચસ્ દીર્ઘકાલીન રહ્યું તે સંદર્ભમાં સમાજના પદદલિતોની એકતા અનિવાર્ય બની છે, તેવી લાગણી શોષિતો-પીડિતોમાં વ્યક્ત થઈ રહી છે. આર્થિક વિકાસના લાભ અસમાન રીતે વહેંચાઈ રહ્યા છે, તેવી હકીકતને પગલે પગલે દેશના વિભિન્ન પ્રદેશોમાં વિસ્થાપિતો અને વંચિતો ‘બહુજનસમાજ’ના ખ્યાલ સાથે પોતાના અધિકારો માટે સંગઠિત થઈ રહ્યા છે. આ માટે ચર્ચાઓ, પરિસંવાદો, લખાણો અને સંસ્થા-સંગઠનો યોજાઈ-રચાઈ રહ્યાં છે. જનસામાન્યને સાથે જોડવાની આ પ્રવૃત્તિ અને પ્રક્રિયામાં જ્ઞાતિ અને ધર્મના સદીઓ-જૂના તફાવતો પણ અડચણરૂપ બની રહ્યા છે તેવું પદદલિતો, કર્મશીલો અને બુદ્ધિજીવીઓને સમજાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાંથી એકતા તરફના પ્રયત્નો અને પ્રયોગો પણ આકાર લઈ રહ્યા છે.
ગૌરાંગ જાની