બહરામખાં (જ. ?; અ. 1852) : ડાગર ઘરાણાની ધ્રુપદ સંગીતશૈલીના વિખ્યાત ગાયક. સંગીતની તાલીમ તેમણે પોતાના પિતા ઇમામબક્ષ તથા અન્ય કુટુંબીઓ પાસેથી મેળવી હતી. તેઓ સંસ્કૃત તથા હિંદી ભાષાના વિદ્વાન હોવાને કારણે તેમને ‘પંડિત’ની પદવી પ્રદાન થઈ હતી. સંગીતવિષયક અનેક સંસ્કૃત ગ્રંથોનું તેમણે અધ્યયન કર્યું હતું. તેઓ જયપુરનરેશ મહારાજા રામસિંગના દરબારી સંગીતકાર હતા. તે સમયે જયપુર દરબારમાં મુબારકઅલીખાં, ઇમરત સેન, ઘઘ્ઘે ખુદાબક્ષ જેવા ઉચ્ચકોટિના સંગીતકારો પણ હતા, જેઓ સંગીતવિષયક ચર્ચાઓ તથા વાદવિવાદ પણ કરતા હતા.

બહરામખાં

બહરામખાંએ અનેક શિષ્યોને વિદ્યાદાન કર્યું હતું, જેમાં તેમના પુત્રો અકબરખાં તથા સદ્દુખાં, તેમના ભાઈ હૈદરબખ્શ, પૌત્રો અલાબંદેખાં તથા ઝાકિરુદ્દીનખાં, આલમસેન, ફરીદખાં પંજાબી, મૌલાબક્ષ સાંખડેવાલે, મિયાં કાલુ પટિયાલેવાલે તથા સુપ્રસિદ્ધ ગાયિકા ગોખીબાઈ ઉલ્લેખનીય છે.

પંજાબના તત્કાલીન મહારાજા રણજિતસિંહે તેમને ‘અલ્લામા અબુલ અવાસે અરબાબે ઇલ્મે મૂસીકી, ષટ્શાસ્ત્રી સ્વરગુરુ, બૃહસ્પતિ, પાતાલ-શેષ, આકાશ-ઇન્દ્ર, પૃથ્વીમાંડલિક’  એવો જડબાતોડ ઇલકાબ આપ્યો હતો.

બટુક દીવાનજી