બહરાઇચ : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 27° 50´ ઉ. અ. અને 81° 40´ પૂ. રે.ની આજુબાજુનો 6,877 ચોકિમી. જેટલો અનિયમિત ત્રિકોણાકારનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં નેપાળ, પૂર્વ અને અગ્નિ તરફ ગોંડા જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્યમાં બારાબંકી જિલ્લો તથા પશ્ચિમે ખેરી અને સીતાપુર જિલ્લા આવેલા છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો સ્પષ્ટપણે જુદા પડી આવતા ચાર કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલો છે : (1) ઉત્તર અને ઈશાન તરફ તરાઈનો નીચાણવાળો વિભાગ આવેલો છે. તે વર્ષાઋતુ દરમિયાન પૂરથી છવાઈ જાય છે અને કળણભૂમિવાળો બની રહે છે. (2) ઈશાનથી પૂર્વ તરફનો વિભાગ રાપ્તી નદીના થાળાથી બનેલો છે. તે આછું સમતળ મેદાન રચે છે. તેમાં ઝાંખરાંવાળાં જંગલોના નાના નાના ભાગો આવેલા છે.

(3) વાયવ્ય અને પશ્ચિમ ભાગ ઘાગ્રા નદીના થાળાથી બનેલો છે. કાંપનો પ્રદેશ રચતા આ થાળામાં ઘણાં નદીનાળાં આવેલાં છે. (4) રાપ્તી અને ઘાગ્રા નદીઓનાં થાળાંઓ વચ્ચે મધ્યનો ઊંચાણવાળો જળવિભાજક આવેલો છે. આ જિલ્લામાં ત્રણ પ્રકારની જમીનો જોવા મળે છે. રેતી અને ગોરાડુ પ્રકારની જમીનોથી ભૂર પ્રદેશ બનેલો છે; દોમટ રેતી અને માટીના મિશ્રણથી બનેલી છે, જ્યારે માટિયાર માત્ર માટીવાળી જમીનો રચે છે. ભૂર જમીનો ઘાગ્રા તથા અન્ય નદીઓને કિનારે કિનારે, દોમટ જમીનો રાપ્તી થાળામાં અને મધ્યના ઊંચાણવાળા ભાગોમાં તથા માટિયાર તરાઈના પ્રદેશમાં મળે છે.

જળપરિવાહ : આ જિલ્લાની નદીરચનામાં કોરિયાલા, ગિરવા, સરજુ, તેરહી, રાપ્તી, કેન અને ભાબલા નદીઓનો સમાવેશ થાય છે. જિલ્લાની પશ્ચિમ સરહદ રચતી તથા ગિરવા અને સરજુ નદીશાખાઓ ધરાવતી  કોરિયાલા નદી જળમાર્ગવ્યવહાર માટે ઉપયોગી બની રહે છે. વર્ષાઋતુ દરમિયાન તેમાં ખૂબ પૂર આવે છે. રાપ્તીને કેન અને ભાબલા નદીઓ મળે છે. તે અગ્નિ દિશા તરફ વહે છે.

બહરાઇચ જિલ્લો (ઉત્તર પ્રદેશ)

જંગલો : પર્યાવરણ તેમજ અર્થતંત્રના સંદર્ભમાં અહીં જંગલોનું ઘણું મહત્વ છે. જિલ્લામાં 1,01,915 હેક્ટર વિસ્તારમાં જંગલો પથરાયેલાં છે. ઉત્તરતરફી ઘણોખરો ભાગ જંગલ-આચ્છાદિત છે. લાકડાં આપતાં મુખ્ય વૃક્ષોમાં સાલ, સાગ અને સીસમનો સમાવેશ થાય છે, ઘાસ, વાંસ, છોડવા તેમજ નેતર પણ અહીં પૂરતા પ્રમાણમાં મળે છે. તૃણ તથા લાખ અહીંથી મળી રહેતી ઓછા મહત્વની જંગલ-પેદાશો છે. પંચવર્ષીય યોજનાઓ અનુસાર અહીં વૃક્ષો વાવીને જંગલોની ગુણવત્તા સુધારવાનું આયોજન કરેલું છે. નીલગિરિ જેવાં ઝડપથી ઊગી શકતાં વૃક્ષોનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. આથી આર્થિક-ઔદ્યોગિક મહત્વ જળવાઈ રહે એવાં વૃક્ષો ઉગાડવા પર પસંદગી ઉતારવામાં આવે છે.

ખેતી : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. જિલ્લાના 90 %થી વધુ લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. જમીનો ફળદ્રૂપ છે, પરંતુ અહીંની નદીઓમાં પૂર આવતાં હોવાથી જમીનોનું ધોવાણ થતું રહે છે. સિંચાઈની સુવિધા પ્રમાણમાં ઓછી હોવાથી વાવેતરયોગ્ય જમીનો પૈકી માત્ર 25 % જમીનોને જ સિંચાઈનો લાભ મળી શકે છે. અહીં ખરીફ અને રવી એ બે પાક લઈ શકાય છે. ડાંગર, ઘઉં અને મકાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત ચણા, મસૂર, સરસવ, રાઈ અને મગફળીના પાકો પણ લેવાય છે.

પશુપાલન : ખેતીની સાથે સાથે અહીં પશુપાલનને પણ એટલું જ મહત્વ અપાય છે. ગાય, ભેંસ, બળદ, આખલા, ઘેટાં અને બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. તેમની કાળજી રાખવા તેમજ ઓલાદ સુધારવા માટે 26 પશુદવાખાનાં, 32 સેવાકેન્દ્રો, 35 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, 1 ઘેટાં તેમજ ઊન-વિસ્તરણકેન્દ્ર, 1 ઘોડા-સંવર્ધન-કેન્દ્ર તથા 11 બકરાં-સંવર્ધન-કેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે.

ઉદ્યોગો-વેપાર : આ જિલ્લામાં ખનિજ-નિક્ષેપોના કોઈ ખાસ જથ્થા આવેલા નથી. બહરાઇચ અને નાનપરા તાલુકાઓમાં માત્ર કંકર મળે છે. જિલ્લામાં ઔદ્યોગિક માળખું વિકસેલું નથી, માત્ર 20 જેટલા નોંધણી કરાયેલા ઔદ્યોગિક એકમો આવેલા છે. યુ. પી. સ્ટેટ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા સંચાલિત ખાંડ-ઉદ્યોગ અહીંનો એકમાત્ર મોટા પાયા પરનો ઉદ્યોગ છે. આ સિવાય અન્ય 256 જેટલાં નોંધાયેલાં કારખાનાં તેમજ 672 નાના પાયા પરના ઉત્પાદકીય એકમો છે. તેમાં હાથસાળ, વણાટ અને હસ્ત-કારીગરીની ચીજો તૈયાર થાય છે. આ જિલ્લામાં રેશમ કીટ-સંવર્ધન માટે અનુકૂળતાઓ હોવાથી સરકારે તેના વિકાસ માટે યોજના મૂકેલી છે અને તે માટે ગજપતિપુરમાં આશરે 10 હેક્ટરનું ક્ષેત્ર ઊભું કરવામાં આવેલું છે. અહીં કાગળ, ચામડાં અને લાકડાં-આધારિત ઉદ્યોગો માટે ઊજળી તકો છે. જિલ્લામાં રાઈનું તેલ, કાથો તથા લાકડાંની ચીજવસ્તુઓનું ઉત્પાદન લેવાય છે. અહીંથી સાદડી –શેતરંજીઓ, લાકડાં, માછલી અને ખાદ્યાન્નની નિકાસ થાય છે, જ્યારે કાપડની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં પરિવહન-સેવા પૂરતા પ્રમાણમાં વિકસેલી નથી. અહીં દર હજાર ચોકિમી.એ 131 કિમી.ના સડકમાર્ગો આવેલા છે. જિલ્લાના બધા જ તાલુકાઓ સડકમાર્ગોથી સંકળાયેલા છે. જિલ્લામાં 168 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. જિલ્લામથક બહરાઇચ લખનૌ સાથે સીધેસીધું રેલમાર્ગે જોડાયેલું નથી. તે લખનૌ–ગોરખપુર બ્રૉડગેજ રેલમાર્ગે તથા ગોંડા–નેપાલગંજ મીટરગેજ રેલમાર્ગે ગોંડા-જંક્શન મારફતે જોડાયેલું છે. જિલ્લાનો નીચાણવાળો વિસ્તાર વર્ષાઋતુ દરમિયાન પૂરનાં પાણીથી છવાયેલો તથા કળણવાળો રહેતો હોવાથી જિલ્લાના અન્ય ભાગોથી છૂટો પડી જાય છે.

પ્રવાસન : આ જિલ્લામાંનું શ્રાવસ્તી ધાર્મિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતું યાત્રાધામ છે. તે બહરાઇચથી બલરામપુર માર્ગ પર 50 કિમી. અંતરે આવેલું છે. અહીં બૌદ્ધ મંદિરોના ભગ્નાવશેષો આવેલા છે. એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધે અહીં 25 વર્ષ સુધી તપ કરેલું. અહીં આવેલાં બૌદ્ધ અને જૈનમંદિરોની હજારો શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે.

દરગાહ-શરીફ : બહરાઇચથી આ સ્થળ માત્ર 3 કિમી.ને અંતરે આવેલું છે. 1033માં અહીં તઘલખનું આક્રમણ થયું તે પહેલાં આ સ્થળનું કોઈ વિશેષ મહત્વ ન હતું. 1034માં ફીરોઝશાહ તઘલખે બાંધેલો સૂફી-સંત સૈયદ સાલાર મસૂદ ગાઝીનો મકબરો અહીં આવેલો હોવાથી તેનું મહત્વ અંકાય છે. દર વર્ષે અહીં મેળો ભરાય છે. બધા જ ધર્મના લોકો અહીં શ્રદ્ધાંજલિ આપવા આવે છે.

બહરાઇચ–ગોંડા માર્ગ પર 8 કિમી.ને અંતરે ચિતૌડ સરોવર આવેલું છે. તેમાંથી તેરહી નદી નીકળે છે. એમ કહેવાય છે કે વાલ્મીકિ ઋષિનો આશ્રમ તેમજ રાજા જનકના ગુરુનો આશ્રમ અહીં હતો. અહીં એક મંદિર પણ છે. અહીં આવેલું ‘સીતા દોહાર’ ભગવાન કશ્યપબુદ્ધનું જન્મસ્થળ ગણાય છે. બહરાઇચથી 30 કિમી. અંતરે બીજું પણ એક રમણીય સરોવર આવેલું છે. ભિંગા તાલુકાથી 13 કિમી.ને અંતરે સુહિલ્લા હારમાળામાંના જંગલની મધ્યમાં આજબાજુના રમણીય સ્થળ સહિતનો એક કુંડ આવેલો છે, જેને ‘હત્યાકુંડ’ કહેવામાં આવે છે : આ કુંડ રાજા કર્ણના મહેલના એક ભાગરૂપ હોવાનું કહેવાય છે. બહરાઇચથી 110 કિમી. અંતરે કતારનિયા ઘાટ માર્ગ પર ઘાગ્રા નદી પર, નેપાળ-થાળાના તરાઈ ભાગમાં ગિરિજાપુરીનો આડબંધ (બૅરેજ) આવેલો છે. કતારનિયામાં મગરનું સંગ્રહાલય પણ છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે ઉત્સવો થાય છે તથા મેળાઓ ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 27,63,750 છે; તે પૈકી 15,01,250 પુરુષો અને 12,62,500 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 25,46,844 અને 2,16,906 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 19,25,563; મુસ્લિમ : 8,27,043; શીખ : 5,222; બૌદ્ધ : 3,228; ખ્રિસ્તી : 2,151; જૈન : 530 તથા અન્ય ધર્મી 13 જેટલું સંખ્યાપ્રમાણ છે. આ જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોની કુલ સંખ્યા 5,40,069 જેટલી છે; તે પૈકી પુરુષો 4,33,163 અને સ્ત્રીઓ 1,06,,906 છે તથા ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 4,48,964 અને 91,105 જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા કૉલેજોની સગવડ છે. જિલ્લાને વહીવટી સરળતા માટે નાનપરા, બહરાઇચ, કૈસરગંજ અને ભિંગા તાલુકાઓમાં તથા 19 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. બહરાઇચ 1 લાખથી વધુ વસ્તીવાળું તથા નાનપરા, ભિંગા, જરવાલ, રિસિયાબઝાર, ઇકોના વગેરે 1 લાખથી ઓછી વસ્તીવાળાં નગરો છે.

ઇતિહાસ : આ વિસ્તારનો ઇતિહાસ પ્રાચીન કાળને આવરી લે છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં તેના ઉલ્લેખો મળે છે. એમ કહેવાય છે કે વાલ્મીકિ ઋષિએ આ પ્રદેશનો વિકાસ કરેલો. વાયુપુરાણમાં બ્રહ્માજીએ વિશ્વની ઉત્પત્તિ કરી ત્યારે આ સ્થળને કેન્દ્રીય સ્થળ તરીકે રચેલું ને ત્યારે તે ગાંધર્વવન તરીકે ઓળખાતું હતું. પછી તે ‘બ્રહ્માના સભાસ્થળ’ (બ્રહ્મૈશ) નામથી અને ક્રમે ક્રમે તેના પરથી ‘બહરાઇચ’ નામથી જાણીતું બન્યું છે. ઉત્તર કોશલની રાજધાની શ્રાવસ્તી આ વિસ્તારની નજીક હતી. અગાઉ ત્યાં રામના પુત્ર લવનું શાસન હતું. રામાયણ અને મહાભારતમાં તેમજ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં તેના ઉલ્લેખો મળે છે. ફાહિયાન અને હ્યુએનસંગની સફરની નોંધમાં એક સમર્થ પ્રદેશ તરીકે શ્રાવસ્તીની નોંધ છે. શ્રાવસ્તી આ વિસ્તારની રાજનગરી હોવા ઉપરાંત બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારનું મુખ્ય મથક પણ હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તે અગાઉ, આ પ્રદેશ પર ભારવંશના સમર્થ રાજાઓ રાજ્ય કરતા હતા. જિલ્લામાં જોવા મળતા પુરાતત્વીય અવશેષો તેમના હોવાનું કહેવાય છે. આ પ્રદેશનું ‘બહરાઇચ’ નામ પણ ભારવંશ નામ પરથી ઊતરી આવ્યાનું કહેવાય છે. લાલા સંગતપ્રસાદના ‘તારીખી’ પુસ્તકમાં 586થી 588 દરમિયાન આ પ્રદેશ ત્રિલોકચંદ્રના કબજા હેઠળ રહેલો. મહમ્મદ ગઝનવીના સેનાપતિઓ સૈયદ સલ્ફ-ઉદ્-દીન અને મિલાન-રજ્જબ અહીં 1033માં આવેલા. 1254માં અહીંના સ્વતંત્ર શાસનનો અંત આવ્યો અને આ પ્રદેશ દિલ્હી સલ્તનત હેઠળ ગયો. તે પછીથી આ પ્રદેશ મુઘલ શાસન હેઠળ અવધના સૂબાનો એક ભાગ બનેલો. બ્રિટિશ શાસન દરમિયાન રાકવડ અને ગંગવડ રજપૂતોના વંશજોએ આ પ્રદેશ પર કબજો કરેલો. 1857માં દેશના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં અહીંના લોકોનો ઘણો મોટો ફાળો હતો.

બહરાઇચ (શહેર) : ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 81° 36´ પૂ.રે. પર તે ઘાગ્રા નદીની શાખાને કાંઠે વસેલું છે. લખનૌ અને નેપાળના નેપાલગંજ વચ્ચે ચાલતા રેલમાર્ગ પર તે તેની કૃષિપેદાશો તથા લાકડાના વેપાર માટેનું  મહત્વનું મથક બની રહેલું છે. અહીં અમુક પ્રમાણમાં શેરડી પર નભતા એકમો પણ આવેલા છે. આ ઉપરાંત, 1033માં અહીં મરણ પામેલા અફઘાન યોદ્ધા તથા સૂફી સંત સૈયદ સાલાર મસૂદની કબર પણ છે, જેની હિંદુ-મુસ્લિમ યાત્રીઓ મુલાકાત લે છે. બૌદ્ધ મઠનાં ખંડિયેરો પણ આ શહેરની પશ્ચિમ તરફ આવેલાં છે. આ શહેરની વસ્તી 1,35,352 (1991) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા