બલશ્રી ગૌતમી

January, 2000

બલશ્રી ગૌતમી : ઈસવી સનની બીજી સદીમાં સાતવાહન વંશના રાજા શાતકર્ણિની માતા. અનુ-મૌર્ય કાલમાં દક્ષિણાપથમાં સાતવાહનો(શાલિવાહનો)ની રાજસત્તા પ્રવર્તતી હતી. પહેલી સદીમાં ક્ષહરાત ક્ષત્રપોએ ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી ત્યારે સાતવાહનોની સત્તા દક્ષિણી પ્રદેશો પૂરતી સીમિત થઈ ગઈ હતી; પરંતુ રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાત વંશની સત્તાનો અંત આણી સાતવાહન કુલના યશને પુન: પ્રતિષ્ઠિત કર્યો. એમણે સાતવાહનોની સત્તા વિંધ્યથી મલય અને મહેન્દ્રથી સહ્ય પર્વત પર્યંત પ્રસારી. આ પ્રતાપી રાજવી બલશ્રી ગૌતમીનો પુત્ર હતો. ગૌતમ કુલની રાજમાતા બલશ્રી ‘મહાદેવી’નું બિરુદ ધરાવતી. શાતકર્ણિના રાજ્યકાલનાં વર્ષ (24)(લગભગ ઈ.સ. 130)માં રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ તથા રાજમાતાએ નાસિકની ગુફામાં વસતા બૌદ્ધ ભિક્ષુઓને અમુક દાનો આપવા માટે અમાત્ય શ્યામકને આજ્ઞા કરી હતી. રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિના પુત્ર રાજા વાસિષ્ઠીપુત્ર પુળુમાવિના રાજ્યકાળ દરમિયાન બલશ્રી ગૌતમીએ એ પર્વતમાં એક મનોહર ગુફા કંડારાવી ભદ્રાયણીય નિકાયના ભિક્ષુસંઘને અર્પણ કરી હતી ને એના પૌત્ર પુળુમાવિએ પિતાના પુણ્ય અર્થે એ ગુફાના નિભાવ માટે નજીકના એક ગામનું દાન દઈ પિતામહી બલશ્રીની સેવા કરી હતી. એને લગતો શિલાલેખ નાસિકની એ ગુફામાં રાજા વાસિષ્ઠિપુત્ર પુળુમાવિના રાજ્યકાળના વર્ષ (19)(લગભગ ઈ.સ. 149)માં કોતરેલો છે. એમાં ગૌતમીપુત્ર શાતકર્ણિનાં વિવિધ યશસ્વી પરાક્રમો વિગતે નિરૂપાયાં છે. એમાં ગૌતમી બલશ્રીનો નિર્દેશ ‘મહાદેવી’, ‘મહારાજ-માતા’ અને ‘મહારાજ-પિતામહી’ તરીકે કરાયો છે. વળી એની પ્રશસ્તિમાં, બલશ્રીને ‘સત્યવચન, દાન, ક્ષમા અને અહિંસામાં નિરત’, ‘તપ, દમ, નિયમ અને ઉપવાસમાં તત્પર’ અને ‘અખિલ રાજર્ષિવધૂ શબ્દ ધારણ કરતી’ જણાવી છે. આમ શાતકર્ણિ જેવા પ્રતાપી પુત્રની માતા બલશ્રી ગૌતમી અતિધર્મિષ્ઠ હતી ને પોતાના પુત્ર તથા પૌત્રના રાજ્યકાળ દરમિયાન પણ પૂર્તકાર્યો તથા ધર્મદાનોમાં સક્રિય રહી હતી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી