બલા (ખપાટ, ખરેટી, બળબીજ)

January, 2000

બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં સર્વત્ર ચોમાસા પછી જ્યાં પાણી બારેમાસ રહેતું હોય ત્યાં અને નેપાલમાં 1,050 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે ટટ્ટાર, લગભગ 1.5 મી. ઊંચી ક્ષુપ જાતિ છે. રસ્તાની બંને બાજુએ પણ વન્ય સ્થિતિમાં તે ઊગતી જોવા મળે છે. તેની છાલ આછા પીળાશ પડતા બદામી રંગની હોય છે. પર્ણો હૃદયાકાર-લંબચોરસ (cordate-oblong), અંડાકાર કે અંડાકાર લંબચોરસ (ovate-oblong) અને બંને સપાટીએ મૃદુરોમિલ (downy) હોય છે. પુષ્પ પીળાં કે સફેદ રંગનાં હોય છે અને 1.3 સેમી.થી 2.55 સેમી. વ્યાસ ધરાવે છે. ફળનું પ્રત્યેક સ્ત્રીકેસર શૂક(awn)ની એક જોડ ધરાવે છે. બીજ નાનાં, કાળાં, ચીકણાં અને બારીક હોય છે. તેને બળબીજ કે બીજબંદ કહે છે.

ગુણવત્તાની ર્દષ્ટિએ તેના રેસા શણ કરતાં વધારે સારા હોય છે અને નાઇજીરિયામાં ઘોડાને પેટે બાંધવા વપરાય છે. પ્રકાંડનો ઉપયોગ ઝાડુ તરીકે થાય છે. ઢોર તેના તરુણ ભાગો ખાય છે.

બલાની પુષ્પીય શાખા

બલા મધુર, ભારે, સ્નિગ્ધ, ઠંડી, વાત-પિત્તશામક, ગ્રાહી, મૂત્રલ, હૃદ્ય, ગર્ભપોષક, બળવર્ધક, પુષ્ટિકર્તા, ઓજવર્ધક અને પીડાશામક છે તથા સોજા, લકવા, વાયુનાં દર્દો, રક્તપિત્ત, નેત્રરોગ, સંગ્રહણી, પ્રદર, શુક્રમેહ, કૃશતા, તાવ, ગરમીના ઝાડા, લોહીવા, શ્વેતપ્રદર, સંધિવા (gout), દૂઝતા હરસ જેવા અનેક રોગો મટાડે છે.

તેનાં મૂળ, પાન, બીજ અને પંચાંગ ઔષધ રૂપે વપરાય છે. આયુર્વેદનાં બલારિષ્ટ, બલાતેલ તથા બલાદ્યઘૃત તેમાંથી જ બને છે.

બળદેવપ્રસાદ પનારા