બલવાણી, હુંદરાજ (ડૉ.) [જ. 9 જાન્યુઆરી 1946, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સિંધી–હિંદીમાં એમ.એ.; મુંબઈ યુનિવર્સિટીમાંથી સિંધી બાલસાહિત્યમાં પીએચ.ડી., ગુજરાત યુનિવર્સિટીમાંથી હિંદી–અંગ્રેજીમાં બી.એડ. અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે.
તેમણે સાહિત્યની તમામ શાખાઓમાં લેખનકાર્ય કર્યું છે. સિંધીમાં બાળકોના માસિક ‘ફૂલવાડી’નું તથા અઠવાડિક ‘કલાકાર’નું સંપાદન તેમણે સંભાળ્યું. તે ઉપરાંત માસિક ‘જિંદગી’, ‘કલી’, ‘શર્મિલા ગુલિસ્તાન’; ત્રિમાસિક ‘સજની’; હિંદી માસિક ‘બાલ દર્શન’ના તેઓ સંપાદક રહેલા. તેમણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સિંધી વિબરા માટેના ખાસ અધિકારી તરીકે સેવાઓ આપેલી.
તેમણે 100 કરતાં વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રંગ બી રંગી ફુકિના’ (1980), ‘સૂર સુરીલા સાઝ જા’ (1987), ‘નામ કુથિયા નાટક નવિસ’ (1990), ‘રિમઝિમ રિમઝિમ’ (1991), ‘સુખ જા પાછા’ (1996) ઉલ્લેખનીય અને ગુજરાત સિંધી સાહિત્ય અકાદમી તરફથી ઇનામ મેળવનાર ગ્રંથો છે. ‘સુખ જા પાછા’ ગઝલસંગ્રહ છે, જે ગુજરાતીમાં અનૂદિત થયો છે. તેને કેન્દ્ર સરકાર તરફથી રૂ. 3000નું ઇનામ તથા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઍવૉર્ડપાત્ર ગણ્યો છે.
તેમના અન્ય ગ્રંથોમાં ‘ચાંદ કે ચંદા’ (1974), ‘મીડિયા જે મૂન મોતી’ (1976), ‘આઓ તા ઓરિયાં હાલ્લુ’ (1982), ‘હરી દિલગીરહિકૂ આબિયાસ’ (1992), ‘સુરાહ સુરાહ સુવાસ’ (2006) મુખ્ય છે. સિંધીમાંથી ગુજરાતીમાં અનૂદિત કરેલા તેમના ગ્રંથો છે : ‘સંગ્રહ’ (વાર્તાસંગ્રહ, 1985), ‘બા તું જાણે છે’ (1986). આ ઉપરાંત હિંદીમાં પ્રકાશિત કરેલા તેમના ગ્રંથોમાં ‘યંત્રમાનવ’ (1986), ‘સુખી સંસાર’ (1985), ‘સિંધી કે બાલગીત ભાગ 1–2’ (1983), ‘સિંધી લોકકથાએં’ (1983), ‘રાષ્ટ્રીય એકતા વિષયક કવિતાએં’ (1983), ‘સિંધી બાલસાહિત્ય’, ‘ખોએ હુએ નામ’, ‘પહાડોં કે પાર’, ‘નહિ ચલેગા જાદૂ’ અને ‘નાની ચૂપ હૈ’નો સમાવેશ થાય છે. તેમના કેટલાક ગ્રંથો તમિળ, તેલુગુ, બંગાળી, પંજાબી, મરાઠી, ઉર્દૂ, અંગ્રેજી અને રાજસ્થાનીમાં અનૂદિત કરવામાં આવ્યા છે.
ગુજરાતીમાં પ્રકાશિત કરેલાં તેમનાં પુસ્તકોમાં ‘ચોથો વાંદરો’, ‘અક્કડ ફક્કડ’, ‘ચીં…. ચીં….’, ‘એકવીસમી સદીનો ઉંદર’, ‘રાજુનું રમકડું’ (બાળવાર્તાઓ) અને ‘ઝીણાં ઝીણાં બોર’(બાળનાટક)નો સમાવેશ થાય છે. તેઓ ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તેમના ‘સિંધી બાલસાહિત્ય’ બદલ તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમને નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ તરફથી 1980–81, 1988 અને 1990ના વર્ષનો બાળસાહિત્ય ઍવૉર્ડ; 1982ના વર્ષનો સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1989ના વર્ષનો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન લૅંગ્વેજિઝ ઍવૉર્ડ તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્યના 5 પુરસ્કારો અને રાજસ્થાન સિંધી અકાદમી પુરસ્કાર તેમજ ગુજરાત રાજ્ય સિંધી સાહિત્ય અકાદમી તરફથી 2006ના વર્ષનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા