બલરામદાસ (જ. 1470ના અરસામાં) : ઊડિયા ભાષાના પ્રસિદ્ધ ભક્તકવિ. સમગ્ર ભારતવર્ષમાં જ્યારે પંદરમી-સોળમી સદીમાં ભક્તિનો પ્રચંડ જુવાળ આવ્યો હતો ત્યારે ઓરિસામાં પણ ઉત્તમ ભક્ત કવિઓ પેદા થયા, જેમણે પરંપરાગત જાતિભેદનો વિરોધ કર્યો. બ્રાહ્મણોના અને એ સાથે સંસ્કૃતના આધિપત્યને અવગણી પોતાને નમ્રતાથી ‘શૂદ્ર’ કહી ‘દાસ’ (સેવક) અટકથી પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું. પંદરમી સદીના શૂદ્ર કવિ સારળાદાસે ઊડિયા મહાભારતની રચના કરી. એમના પછી ઓરિસામાં પંચસખા યુગની શરૂઆત થઈ, જેની કૃતિઓ અને પ્રવૃત્તિઓ સોળમી સદીના પહેલા સાત દાયકા સુધી થતી રહી. પંચસખા એટલે ઓરિસાના પાંચ ભક્ત કવિ : બલરામદાસ, જગન્નાથદાસ, જસવંતદાસ, અનંતદાસ અને અચ્યુતાનંદદાસ. તેમાં બલરામદાસ સૌથી મોટા છે. જગન્નાથપુરીની આસપાસ તેમનું કાર્યક્ષેત્ર હતું. ઓરિસાના સાંસ્કૃતિક ઇતિહાસમાં ભગવાન જગન્નાથ અઘિષ્ઠાતા દેવ સમા છે. બલરામદાસના રચનાકાળ દરમિયાન રાજ્યાશ્રય મળવાથી ચૈતન્ય પંથનું આંદોલન ચરમસીમાએ હતું. પણ આ પાંચ સખા સંકુચિત અર્થમાં વૈષ્ણવ નહોતા. બલરામદાસના જીવન વિશે અનેક કિંવદન્તીઓ છે, જેમાં તેઓ કેવી રીતે પોતાના સંસ્કૃતના અને ભારતીય દર્શનના પાંડિત્યથી બ્રાહ્મણોને છોભીલા પાડી તેમનો વિરોધ નોતરતા હતા અને રાજાની ખફામરજી પણ, તેના નિર્દેશો છે. જેમ સમગ્ર ઉત્તર ભારતમાં રામાયણ એટલે તુલસી રામાયણ સમજાય છે, તેમ જ્યારે ઊડિયા રામાયણનો નિર્દેશ કરવામાં આવે ત્યારે એ બલરામદાસરચિત ‘જગમોહન રામાયણ’ સમજાય છે. જગમોહન એ જગન્નાથનું બીજું નામ છે. રામાયણ રચવાની પ્રેરણા જગન્નાથથી મળી છે. સ્વયં જગન્નાથ એના કવિ છે. એમ પોતાના ગ્રંથમાં કવિએ કહ્યું છે :

‘શ્રી જગમોહન એહિ રામાયણ ગ્રંથ

એથિર કવિ જે નીલગિરિ જગન્નાથ.

સે પ્રભુ મોર હૃદે બિજે કરિથાન્તિ

આપણાર ચરિત આપણ બખાનન્તિ.’

‘આ જગમોહન રામાયણ ગ્રંથ છે. એના કવિ નીલગિરિ જગન્નાથ છે. એ પ્રભુ જ મારા હૃદયમાં વિરાજમાન થઈને પોતાના ચરિત્રનાં પોતે વખાણ કરે છે.’ આ રામાયણ ઓરિસાના લોકછંદ ‘દાણ્ડી’માં લખાયું હોવાથી ‘દાંડી રામાયણ’ પણ કહેવાય છે. (દાણ્ડ = માર્ગ, એ રીતે માર્ગમાં ગવાતો છંદ.) બલરામદાસે પોતાની કથા વાલ્મીકિ રામાયણમાંથી લીધી છે, પણ આ તેમની સ્વતંત્ર મૌલિક રચના બની રહે છે. તેમણે એમાં ત્યાંની જનપરંપરા, જનવિશ્ર્વાસ અને કિંવદન્તીઓને ગૂંથી લીધાં છે. તેમાં પોતાની કલ્પનાથી નવા પ્રસંગો પણ ઊભા કર્યા છે. ગુજરાતના આખ્યાનકાર પ્રેમાનંદની જેમ સ્થાનીય રંગો ઉમેરી પોતાના રામાયણને ખરેખરા અર્થમાં તેમણે ઓરિસાનું રામાયણ બનાવ્યું છે. આ ગ્રંથમાં અયોધ્યાનું સ્થાન ઓરિસાએ લીધું છે. રામ જે વનોમાં રઝળે છે, તે ઓરિસાના છે. પ્રાણી, પશુ, પંખી, વૃક્ષ, પુષ્પ, વેશભૂષા, ભોજનપરંપરા વગેરે પણ ઓરિસાનાં છે. રામ–રાવણની લડાઈ વખતે રામના સૈન્યમાં ઓરિસાના આદિવાસીઓની ભરતી કરવામાં આવી હતી. બલરામદાસના રામ ભગવાન છે એ ખરું, પણ એ સામાન્ય જન જેવા પણ છે. સીતા ઓરિસાની લજ્જાશીલા કુલવધૂ જેવી છે. બલરામદાસનું આ રામાયણ પ્રજામાં અત્યંત લોકપ્રિય છે. રામાયણ ઉપરાંત બલરામદાસે ગીતાનો અલગ અલગ સર્ગોમાં અનુવાદ કર્યો છે. અહીં અર્જુનના સારથિ તરીકે શ્રીકૃષ્ણને સ્થાને જગન્નાથ છે. ઓરિસામાં લક્ષ્મીપૂજાની જે પરંપરા છે, તેની કથા કહેતું કાવ્ય ‘લક્ષ્મી પુરાણ’ પણ આ કવિએ રચ્યું છે.

ભોળાભાઈ પટેલ