બર્મુડા ત્રિકોણ

January, 2000

બર્મુડા ત્રિકોણ : પચાસ જેટલાં વહાણો અને વીસેક વિમાનોને હડપ કરી ગયેલ ઉત્તર ઍટલાંટિક મહાસાગરનો વિસ્તાર. આ વિસ્તાર શેતાની ત્રિકોણ તરીકે ઓળખાય છે જે યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યની દક્ષિણ-પૂર્વે આવેલ છે. ઍટલાંટિક મહાસાગરમાં બર્મુડા અને ફ્લોરિડાને જોડતી એક રેખા, ક્યૂબા અને પ્યુર્ટો રીકોને સ્પર્શ કરીને જતી બીજી રેખા, અને વર્જિન ટાપુઓ તથા બર્મુડાને જોડતી ત્રીજી રેખા કથિત ત્રિકોણ રચે છે. (જુઓ : આકૃતિ). તેનો વિસ્તાર 11,40,000 ચોકિમી. કરતાં વધુ છે.

વહાણો અને વિમાનો આ વિસ્તારમાં થઈને પસાર થતાં અર્દશ્ય થાય છે. ઘણાં વર્ષો પહેલાં વ્યાપારી અને લશ્કરી વાહનો દરરોજ આ વિસ્તારમાં થઈને સહીસલામત પસાર થતાં હતાં. પણ 1854 પછી આ વિસ્તારમાં અને તેની નજીકથી પસાર થતાં વહાણો અને વિમાનો અર્દશ્ય થવા લાગ્યાં. આ ત્રિકોણના કેન્દ્રની આસપાસ આવી વિઘાતક ઘટનાઓ વધુ પ્રમાણમાં બને છે. આવી વિનાશક ઘટનાઓનું રહસ્ય હજુ જાણી શકાયું નથી. કેવા સંજોગોમાં આવી હોનારત થાય છે તેના અભ્યાસમાં હજુ કોઈ સફળતા મળી નથી.

આવી આફતમાં ફસાયેલાં થોડાંક વહાણોના કપ્તાનો અને વિમાનોના પાઇલટોએ આપત્તિસંદેશા મોકલી સહાય માંગી હતી. પણ સહાય કરવા જનારા પણ તેનો ભોગ બન્યા છે. કોઈ પણ વ્યક્તિ જીવતી અથવા કોઈની લાશ હાથ લાગી નથી. કેટલીય હોનારતો બાદ થોડો-ઘણો ભંગાર દૂર દૂર સમુદ્રમાંથી હાથ લાગ્યો છે.

કેટલાક વિજ્ઞાનીઓએ બર્મુડા ત્રિકોણમાં થતી ઘટનાનો અભ્યાસ કરવા પ્રયત્નો કર્યા છે. માત્ર અનુમાનો કરી શક્યા છે કે આ વિસ્તાર અણધાર્યાં જોરદાર તોફાનો અથવા અધોદિશામાં હવાના પ્રબળ પ્રવાહો દ્વારા વહાણો કે વિમાનો ખેંચાઈ જતાં હોવાં જોઈએ. ત્યારબાદ સમુદ્રના ઝડપી પ્રવાહો વડે બધો ભંગાર દરિયામાં દૂર દૂર ખેંચાઈ જાય છે.

સૌપ્રથમ માર્ચ 1918માં યુ.એસ.નું યુ.એસ.એસ. સાઇક્લોટસ નામનું વહાણ બર્મુડા ત્રિકોણમાં અર્દશ્ય થયું હતું. તે પછી 5 ડિસેમ્બર 1945ના રોજ યુ.એસ.નાં પાંચ બૉમ્બર્સનું આખું ને આખું સ્ક્વેડ્રૉન અર્દશ્ય થયું હતું. તેનો પત્તો મેળવવા એક દરિયાઈ વિમાન મોકલવામાં આવ્યું હતું તે પણ અર્દશ્ય થયું હતું.

બર્મુડા ત્રિકોણ

બર્મુડા ત્રિકોણમાં થતી વિઘાતક ઘટના માટે કેટલાક તર્ક અને તુક્કા રજૂ કરવામાં આવ્યા છે. એક તર્ક એવો છે કે આ વિસ્તારમાં કોઈક પ્રકારનું અત્યધિક તીવ્ર આકર્ષક બળ-ક્ષેત્ર હોવું જોઈએ જેના વડે વિમાનો કે વહાણો તેની તરફ ખેંચાઈ જતાં સમુદ્રમાં જળસમાધિ લેતાં હશે; અને તે રીતે આવી વિનાશક ઘટના બને. એક એવો તુક્કો રજૂ કરવામાં આવ્યો છે કે ઊડતી રકાબીઓ (unidentified flying objects – UFO) વડે આવું તોફાન થતું હોય. જે હોય તે, પણ આજ સુધી બર્મુડા ત્રિકોણથી થતી આવી વિનાશક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ શક્ય બન્યો નથી તેથી કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી.

પ્રહલાદ છ. પટેલ