બર્મુડા : ઉત્તર આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો પરવાળાંના ટાપુઓનો સમૂહ. એક વખતનું બ્રિટિશ શાસન હેઠળનું દરિયાપારનું સંસ્થાન. ભૌગોલિક સ્થાન : 32° 20´ ઉ. અ. અને 64° 45´ પ. રે. આ ટાપુસમૂહ ન્યૂયૉર્ક શહેરથી અગ્નિકોણમાં આશરે 1,080 કિમી. અંતરે, હતિરાસની ભૂશિરથી પૂર્વમાં આશરે 965 કિમી. અંતરે તથા નોવા સ્કોશિયા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સરખા અંતરે આવેલો છે. દુનિયાભરમાં પરવાળાંથી બનેલા બધા જ ટાપુઓ પૈકી આ ટાપુસમૂહ વધુમાં વધુ ઉત્તર તરફ આવેલો છે. નાના મોટા લગભગ 300થી વધુ ટાપુઓથી બનેલું આ જૂથ કુલ 53.3 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. આ પૈકીના માત્ર 20 ટાપુઓ જ વસવાટને યોગ્ય બની રહેલા છે, જેમાં ગ્રેટ બર્મુડા (23 કિમી. લંબાઈ), સેન્ટ જ્યૉર્જ, સેન્ટ ડેવિડ અને સમરસેટ મોટા છે. તે એક જ હારમાં 35 કિમી. લંબાઈમાં વિસ્તરેલા છે; જ્યારે અન્ય મહત્વના ટાપુઓમાં વૉટફૉર્ડ, બોઆઝ, આર્યર્લૅન્ડ તથા કોનીનો સમાવેશ થાય છે. મોટાભાગના ટાપુઓ એકમેક સાથે પુલોથી જોડવામાં આવેલા છે. આ ટાપુસમૂહનું પાટનગર અને અહીંનું અગત્યનું બંદર હૅમિલ્ટન મુખ્ય બર્મુડા ટાપુ પર આવેલું છે. આ ટાપુઓ ખાસ કરીને વિહારધામ તરીકે જાણીતા બનેલા છે.

પ્રાકૃતિક રચના : આ ટાપુસમૂહ સમુદ્રસપાટીથી આશરે 75 મીટર જેટલી ઊંચાઈવાળી ટેકરીઓ અને ડુંગરધારોથી બનેલો છે. તેના ઉત્તર ભાગમાં 79 મીટર ઊંચાઈ ધરાવતી ‘ટાઉન હિલ’ નામની ટેકરી આવેલી છે. અમુક સમતળ ભાગોને બાદ કરતાં મોટાભાગનું તેનું અસમતળ ભૂપૃષ્ઠ ચૂનાખડકોથી બનેલું છે. આજુબાજુનો અહીંનો સમુદ્ર છીછરો હોવાથી પરવાળાંના વિકાસ માટે જરૂરી બધી જ અનુકૂળતાઓ ધરાવે છે. વિશાળ ખંડીય છાજલી પરથી આ ટાપુઓ સમુદ્રસપાટીની બહાર નીકળેલા જણાય છે. તેની મહત્તમ ઊંડાઈ 15–20 મીટર જેટલી છે.

આબોહવા : આ ટાપુઓની આબોહવા આખુંય વર્ષ પ્રમાણમાં નરમ અને ખુશનુમા રહે છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 21° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,500 મિમી. જેટલો પડે છે. ગરમ અખાતી પ્રવાહ અહીં નજીકમાં થઈને વહેતો હોવાથી શિયાળામાં પણ અહીંનાં જળ હૂંફાળાં રહે છે. મોસમી હરિકેન (વાવાઝોડાં) ક્યારેક ઝંઝાવાત સર્જી વિનાશક અસર કરી જાય છે.

બર્મુડા દ્વીપસમૂહ

આ ટાપુઓ પર સ્વચ્છ પાણીના સ્રોત બહુ જ ઓછા પ્રમાણમાં છે. અહીં નદીઓ કે સરોવરો નથી. તેથી નિવાસીઓની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે મકાનો કે ઇમારતોની અગાશીઓમાં વર્ષાજળને ભેગું કરી ભૂગર્ભ ટાંકીઓમાં ઉતારી તેનો સંચય કરી રાખવામાં આવે છે. કેટલાક આવાસોમાં બહારના ભાગોમાં પણ ટાંકીઓ હોય છે, તેના સંચિત જળને મચ્છરોની અસરથી મુક્ત રાખવા માટે સરકારી વ્યવસ્થા દ્વારા નાની માછલીઓને તેમાં તરતી રાખવા પૂરી પાડવામાં આવે છે. લગભગ બધાં જ મકાનોની અગાશીમાં લાદીની ફરસબંધી હોય છે, તેને ચૂનાથી ધોળેલી તથા ચોખ્ખી રખાય છે. આ ઉપરાંત પ્રવાસીઓ પર નભતી, પાણીની વધુ વપરાશવાળી ઘણી હોટેલોમાં ખારા પાણીનું નિસ્યંદન કરવા માટેના એકમો ગોઠવેલા હોય છે.

પ્રવાસન : અહીંનું અર્થતંત્ર મોટેભાગે પ્રવાસન પર નિર્ભર છે, આ ઉદ્યોગ મારફતે તેને સારી આવક મળી રહે છે. સુંદર વનસ્પતિથી આચ્છાદિત ટેકરીઓથી બનેલા આ ટાપુઓનું ર્દશ્ય સોહામણું બની રહેલું છે. ટેકરીઓ પરના ગોળ ફરતા માર્ગો, ઠેકઠેકાણે નજરે પડતાં તાડનાં વૃક્ષો, રંગબેરંગી ફૂલો તથા સૂર્યપ્રકાશમાં ઝળહળી ઊઠતો રેતાળ સમુદ્રકાંઠો ટાપુઓની શોભામાં વધારો કરી મૂકે છે. ખુશનુમા આબોહવા, ઉત્તમ હોટેલ-સુવિધા, સુંદર પ્રાકૃતિક ર્દશ્યો અને મનોરંજન-સ્થળો દર વર્ષે લાખો પ્રવાસીઓને અહીં આવવા આકર્ષે છે. વળી તે નવપરિણીત યુગલોનું મધુરજની માણવા માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે. આ ઉપરાંત માછીમારી, નૌકાવિહાર, સાઇકલદોડ, ગૉલ્ફ તથા ટેનિસ જેવી પ્રવૃત્તિઓ અને રમતોને પણ પ્રોત્સાહન અપાય છે.

બર્મુડા : યાત્રિકોનું આકર્ષણ-કેન્દ્ર સમું વ્યાપારી બંદર હૅમિલ્ટન

આ ટાપુના ઉત્તર ભાગમાં હૅરિંગ્ટન સાઉન્ડ નામના સરોવર-કાંઠે આવેલાં પ્રાણીઘર, ગુફાઓ, કાચનાં માછલીઘર, દરિયાઈ સંગ્રહાલયો, બાગબગીચા વગેરે પ્રવાસીઓનાં આકર્ષણ-કેન્દ્રો બની રહેલાં છે. છીછરા સમુદ્રમાંની રંગબેરંગી પરવાળાની જીવસૃષ્ટિ પણ જોવાલાયક છે. દરિયાકિનારા નજીક આશરે 300 જાતિની વિવિધ પ્રકારની માછલીઓ મળી રહે છે. ડેવિલ કોટર (Devil’s Hole) અહીંનું જાણીતું જળાશય છે. બર્મુડા ખાતે જળરમતોના મેળા ભરાય છે. ઐતિહાસિક ઇમારતો પૈકી 1619માં બંધાયેલું સેંટ જ્યૉર્જ ટાપુ પરનું સંત પીટરનું દેવળ અહીંનું જોવાલાયક સ્થળ ગણાય છે. અહીં આવતા પ્રવાસીઓ વિદેશી માલસામાન તથા ઊની વસ્ત્રો હોંશથી ખરીદે છે.

ઉદ્યોગ-ધંધા : આ ટાપુઓ પર કોઈ ખાસ ઉદ્યોગો વિકસ્યા નથી, તેથી બર્મુડા સરકાર કરરાહત આપીને વિદેશીઓને અહીં ઉદ્યોગ-ધંધા વિકસાવવા પ્રોત્સાહન પૂરું પાડે છે. તાજેતરમાં આશરે 7,000 જેટલી વિદેશી કંપનીઓ કાર્યરત બની છે. તેમાં વીમાકીય અને નાણારોકાણ કરતી શરાફી પેઢીઓનો પણ સમાવેશ થાય છે. વીમાકીય વ્યવસાય માટે બર્મુડા એક મહત્ત્વનું કેન્દ્ર બની રહેલું છે.

અહીં ખેતી માટેની જમીનો યોગ્ય ન હોવાથી જરૂરી ખાદ્યસામગ્રી બહારથી મંગાવાય છે, જોકે શાકભાજી, કેળાં, ખાટા રસવાળાં ફળો અને ફૂલો(ઇસ્ટર લિલી)ની ખેતી થાય છે.

આ ટાપુના મધ્યના ખાંચાવાળા પશ્ચિમ તરફના દરિયાકાંઠે હૅમિલ્ટન બંદર આવેલું છે. તેનું બારું દરિયાઈ તોફાનોથી સુરક્ષિત રહે છે. વળી તે દેશનું પાટનગર પણ છે. દેશનાં અન્ય સ્થળો સાથે તે સડકમાર્ગોથી સંકળાયેલું રહે છે. ઉત્તર તરફ એક હવાઈ મથક છે તેમજ દક્ષિણમાં યુ.એસ.નું નૌસેનામથક પણ આવેલું છે. ટાપુઓ પર માત્ર નાની મોટરગાડીઓને 35 કિમી.ની ગતિમર્યાદામાં રહીને ફરવા દેવાની છૂટ આપવામાં આવેલી છે.

લોકો : અહીંના વસવાટયોગ્ય 20 જેટલા ટાપુઓમાં  72,000 (1997) જેટલી વસ્તી છે. તે પૈકી 40 % શ્વેત અને 60 % અશ્વેત પ્રજા છે. મોટાભાગની અશ્વેત વસ્તી 18મી સદીમાં આફ્રિકામાંથી અહીં આવીને વસેલા ગુલામોના વંશજોથી બનેલી છે. શ્વેત પ્રજા મુખ્યત્વે બ્રિટિશ અને પૉર્ટુગીઝ છે. અહીંની મુખ્ય ભાષા અંગ્રેજી છે. 5થી 16 વર્ષની વય સુધીનાં બાળકો માટે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ફરજિયાત અને નિ:શુલ્ક છે. 1626માં સ્થપાયેલી બર્મુડાની વૉરવિક અકાદમી અહીંની પશ્ચિમી દુનિયામાં જૂનામાં જૂની શિક્ષણસંસ્થા ગણાય છે. બર્મુડા કૉલેજ તથા ઘણી તકનીકી સંસ્થાઓ ઉચ્ચ તેમજ વ્યવસાયલક્ષી શિક્ષણ પૂરું પાડે છે. અહીંના લોકોની માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું છે.

વહીવટ : 1620થી અહીં સંસદીય લોકશાહી પદ્ધતિ અમલમાં છે. બ્રિટિશ સરકાર શાસન માટે ગવર્નરની નિમણૂક કરે છે. આઠ સભ્યોની બનેલી સમિતિ ગવર્નરને મદદ કરે છે. અહીં ઉપલા ગૃહ (સેનેટ) માટે 11 સભ્યો નિયુક્ત કરવામાં આવે છે, જ્યારે વિધાનસભામાં 40 સભ્યો ચૂંટાઈને આવે છે. સેનેટ-સભ્યોની મુદત ત્રણ વર્ષની જ્યારે વિધાનસભાના સભ્યોની મુદત પાંચ વર્ષની હોય છે.

ઇતિહાસ : સ્પેનના દરિયાખેડુ હવાન દ બર્મુડેઝે 1503માં આ ટાપુઓ શોધી કાઢેલા હોવાથી તેના નામ પરથી આ ટાપુઓને નામ આપવામાં આવેલું છે. સત્તરમી સદીની શરૂઆતમાં કેટલાક દરિયાખેડુઓ અમેરિકી વસાહતોમાં જવા નીકળેલા ત્યારે તેમનું વહાણ 1609ના જુલાઈની અઠ્ઠાવીસમીએ આ ટાપુઓ નજીક તોફાનમાં સપડાઈ જવાથી ભાંગી પડેલું, ત્યારે જે ટાપુઓ પર તેઓ પહોંચ્યા તેને વહાણના કપ્તાન ઍડમિરલ સર જ્યૉર્જ સમર્સના નામ પરથી સમર્સ નામ અપાયેલું; જે પરવાળાના ખરાબા સાથે આ વહાણ અથડાયેલું ત્યાં આ દરિયાઈ સાહસનો ઉલ્લેખ કરેલો જોવા મળે  છે. ત્યાંના નિવાસીઓ આજે પણ તેની યાદમાં દર વર્ષની જુલાઈની 28મીને સમર્સ દિન તરીકે  ઊજવે છે. 1609માં અહીં રોકાઈ ગયેલા વહાણવટીઓ પૈકીના ત્રણ સિવાયના બાકીના બધા 1610માં વર્જિનિયા ખાતે ચાલી ગયેલા. અહીં રોકાઈ ગયેલા ત્રણ માણસો બર્મુડાના સર્વપ્રથમ કાયમી નિવાસીઓ કહેવાયા. સમર્સ થોડા વખત પછી અહીં પાછો ફરેલો, પણ તે પછીના થોડા જ દિવસોમાં તે અહીં મૃત્યુ પામેલો.

ઇંગ્લૅન્ડના રાજવી જેમ્સ પહેલાએ 1610ના અરસામાં બર્મુડાના ટાપુઓ વર્જિનિયા કંપનીને ભેટમાં આપી દીધેલા, પરંતુ 1613માં આ કંપનીએ બર્મુડા બ્રિટિશ વેપારીઓને વેચી દીધું. 1684માં બ્રિટિશ સરકારે આ ટાપુઓનો વહીવટ પોતાને હસ્તક લઈ લીધો. સેન્ટ જ્યૉર્જ ટાપુને રાજધાનીનું સ્થળ બનાવ્યું. 1815માં આ રાજધાનીના સ્થળને બર્મુડા ટાપુ પરના હૅમિલ્ટન ખાતે ખેસવવામાં આવ્યું. અહીં આવીને વસેલા અંગ્રેજો ઘરકામ માટે અશ્વેત આફ્રિકી લોકોને ગુલામ તરીકે રાખતા, તેમની પાસે હોડીઓ બાંધવાનો હુન્નર પણ કરાવતા. ઓગણીસમી સદી દરમિયાન બર્મુડાએ ઉત્તર અમેરિકી ખંડ અને વેસ્ટ-ઇન્ડિઝ સાથે વેપારી સંબંધો ચાલુ રાખેલા. વાવાઝોડાનો ભોગ બનતાં રહેતાં વહાણોના ભંગારમાંથી પણ બર્મુડાને આવક થતી રહેતી. વહાણોની અથડાવાની ક્રિયા ઓછી કરવા માટે 1846માં પૉર્ટ રૉયલ બે નજીક ગિબ્સ હિલ દીવાદાંડી મુકાઈ, જે આજે પણ જોવા મળે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બર્મુડા યુ.એસ.ના નૌકામથક તરીકે તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે નૌકામથક ઉપરાંત હવાઈ નિરીક્ષણ-નાકા તરીકે કાર્યરત રહેલું. સેન્ટ જ્યૉર્જ ટાપુથી 3 કિમી. દક્ષિણે આજે પણ કિન્ડલે હવાઈ નિરીક્ષણનાકા તરીકે કાર્યરત છે, ત્યાં કિન્ડલે-ફીલ્ડ નામે હવાઈ મથક પણ છે. બર્મુડાનો સરકારી  વહીવટ તથા અર્થતંત્ર ગણ્યાગાંઠ્યા શ્વેત લોકોને હસ્તક છે.1960 અને 1970ના બે દાયકા દરમિયાન અહીંના અશ્વેતોએ શ્વેતોના એહહથ્થુ કબજા માટે વિરોધ કર્યે રાખેલો. તે દરમિયાન 1968માં તેને બ્રિટિશ જોડાણ ધરાવતા રાજ્ય તરીકેનો દરજ્જો બક્ષવામાં આવ્યો અને તેની સાથે સાથે તેને સંપૂર્ણ સ્વાયત્તતા પણ આપવામાં આવી. આમ ઘણાં વર્ષો પછી બર્મુડાનું સ્વાતંત્ર્ય મંજૂર કરવામાં આવ્યું. આજે બર્મુડા સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્યપદ ધરાવે છે.

બીજલ પરમાર