બર્લિન : જર્મનીનું પાટનગર, મોટામાં મોટું શહેર, મહત્વનું ઔદ્યોગિક મથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : તે 52° 31´ ઉ. અ. અને 13° 24´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી 35 મીટરની ઊંચાઈ પર વસેલું આ શહેર આશરે 883 ચોકિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. શહેરની મધ્યમાંથી સ્પ્રી નદી પસાર થાય છે. 1991 મુજબ તેની વસ્તી 34,46,031 જેટલી છે. ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની આબોહવા ધરાવતા આ શહેરનાં જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 18° સે. અને –1° સે. જેટલાં રહે છે. હિમવર્ષા સહિતનો વાર્ષિક સરેરાશ વરસાદ 380 મિમી. જેટલો પડે છે.

આ શહેરની સ્થાપના તેરમી સદીના અરસામાં થયેલી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ બર્લિન એક આધુનિક શહેર તરીકે વિકસ્યું છે, પૂર્વ–પશ્ચિમ બંને વિભાગોમાં ઊંચી બહુમાળી ઇમારતો બંધાઈ છે. આજે તો આ શહેર યુરોપનાં સુંદર અને ભવ્ય ગણાતાં શહેરો પૈકીનું એક છે. અહીં લોકશાહી પદ્ધતિથી દર ચાર વર્ષે ચૂંટણી થાય છે અને ચૂંટાયેલા મેયર શહેરનો વહીવટ સંભાળે છે.

જોવાલાયક સ્થળો : બ્રેન્ડનબર્ગ દરવાજો : શહેરની મધ્યમાં બર્લિનના પ્રતીક સમો ગણાતો પથ્થરથી બાંધેલો વિશાળ કમાનાકાર દરવાજો આવેલો છે. તેનું બાંધકામ 1788–91 દરમિયાન કરવામાં આવેલું હતું. તેમાં બે હારમાં બાર-બાર સ્તંભો આવેલા છે. મથાળે વિજયના પ્રતીકરૂપે રથ હંકારતી પાંખોવાળી ગ્રીક દેવીનું શિલ્પ તથા દરવાજા પર ગ્રીક દંતકથાઓ પર આધારિત શિલ્પો ગોઠવેલાં છે. દરવાજાથી પૂર્વ તરફ બંને બાજુ વૃક્ષોથી શોભતો પહોળો માર્ગ આવેલો છે. આ વિસ્તારમાં સ્ટેટ લાઇબ્રેરી, સ્ટેટ ઑપેરા હાઉસ અને હમ્બોલ્ટ યુનિવર્સિટીની ભવ્ય ઇમારતો છે. દરવાજાથી પશ્ચિમ તરફ 255 હેક્ટર વિસ્તાર આવરી લેતો વિશાળ ટિયેરગાર્ટન ઉદ્યાન નજરે પડે છે. આ ઉદ્યાનમાંથી પસાર થતી ‘જૂન 17 શેરી’ વૃક્ષપંક્તિથી શોભી ઊઠે છે.  ઉદ્યાનને પશ્ચિમ છેડે આશરે 16,000 પ્રાણીઓનો સમાવેશ કરતો પ્રાણીબાગ તથા માછલીઘર આવેલાં છે. ઉદ્યાનની બહાર બર્લિન ફિલહાર્મોનિક ઑર્કેસ્ટ્રા માટેનો સંગીત-સભાખંડ છે.

દ્વિતીય વિશ્વવિગ્રહ દરમિયાન મોટા પ્રમાણમાં તારાજ થયા બાદ, પુન: નવીનીકરણ પામેલા બર્લિન શહેરનો હાર્દભાગ

ઉદ્યાનની દક્ષિણે ન્યૂ નૅશનલ ગૅલેરી તથા નૅશનલ લાઇબ્રેરી છે; નૈર્ઋત્યમાં વૃક્ષપંક્તિવાળો કર્ફુરસ્ટૅન્ડૅમ નામનો રળિયામણો માર્ગ આવેલો છે. ત્યાં આધુનિક શૈલીની દુકાનો અને થિયેટરો આવેલાં છે. અહીં નજીકમાં જ કૈસર વિલ્હેલ્મ મેમોરિયલ ચર્ચ છે. તેનો ટાવર બૉંબવર્ષાથી તૂટી ગયેલો; પરંતુ તેને આ માર્ગની પૂર્વ તરફના છેડે યુદ્ધની સાવધાની રૂપે જાળવી રખાયો છે અને તેની ફરતે નવું ચર્ચ બાંધવામાં આવેલું છે. ઉદ્યાનની વાયવ્યમાં 14 રાષ્ટ્રોના અગ્રગણ્ય સ્થપતિઓ દ્વારા આયોજિત ‘હંસા ક્વાર્ટર’ નામનો ચૉક છે. આ ઉપરાંત અહીંના તારાજ થયેલા વિસ્તારમાં બહુમાળી આવાસી ઇમારતો, શાળાઓ તથા દેવળોનું નવનિર્માણ કરવામાં પણ સ્થપતિઓનો ફાળો વિશેષ છે. 1957માં પશ્ચિમ બર્લિનમાં નવાં મકાનો માટે આંતરરાષ્ટ્રીય ઇમારત પ્રદર્શન પણ યોજાયેલું. બ્રેન્ડનબર્ગ દરવાજાની બહારનાં લીબુંનાં વૃક્ષોની હારને પૂર્વ છેડે ‘માર્કસ ઍન્જેલ્સ પ્લેટ્ઝ’ નામનો ચૉક છે. પૂર્વ જર્મની સામ્યવાદી અંકુશ હેઠળ હતું, ત્યારે આ ચૉક સમૂહરૅલી તથા દેખાવો યોજવા માટે વપરાતો હતો. આ ચૉકની વાયવ્યમાં સ્પ્રી નદીના બે ફાંટાની વચ્ચે એક સંગ્રહાલય ટાપુ (museum island) છે, તેના પર પરગૅમોન સંગ્રહાલયની માલિકીનું એક પ્રાચીન ગ્રીક મંદિર આવેલું છે, તે ઝૂસ દેવ અને ઍથેના દેવીને સમર્પિત કરવામાં આવેલું છે. આ ટાપુ પર નૅશનલ ગૅલરી પણ છે.

આ ચૉકથી ઈશાનમાં ‘ઍલેક્ઝાન્ડર પ્લેટ્ઝ’ નામનો બીજો એક ચૉક આવેલો છે. ત્યાં બર્લિનનું મુખ્ય બજાર તથા ઘણાં રેસ્ટોરાં છે. આ ચૉકથી ઉત્તર તરફ થિયેટરો અને કાફેની હારથી ભરચક શેરી ચાલી જાય છે. નજીકમાં જ 335 મીટરની ઊંચાઈવાળું ટેલિવિઝન ટાવર છે. તેની ઉપર ભ્રમણ કરતું નિરીક્ષણમથક તથા રેસ્ટોરાં  ગોઠવેલું છે.

ડેહલામ વિભાગ : કર્ફુરસ્ટેન્ડૅમ માર્ગથી નૈર્ઋત્યમાં બર્લિનનું મહત્વનું ગણાતું સાંસ્કૃતિક કેન્દ્ર આવેલું છે. અહીંની ચિત્ર ગૅલેરીમાં ડચ કલાકાર રેમ્બ્રાં દ્વારા તૈયાર કરેલાં ચિત્રોનો વિશાળ સંગ્રહ રાખેલો છે.

ગ્રુનેવાલ્ડ : ગ્રુનેવાલ્ડ એ સરોવરોનો વિભાગ હોવા ઉપરાંત વનક્ષેત્ર પણ છે. તે બર્લિનથી પશ્ચિમ બાજુએ વહેતી હાવેલ નદીને કિનારે વિસ્તરેલો છે. તેની ઉત્તર ધાર પર એક લાખ પ્રેક્ષકોનો સમાવેશ કરી શકે એવું ઓલિમ્પિક સ્ટેડિયમ આવેલું છે. 1936માં યોજાયેલી ઓલિમ્પિક રમતો માટે તેનું નિર્માણ કરવામાં આવેલું. આ સ્ટેડિયમના અગ્નિછેડા પર સમિતિખંડની સુવિધાવાળું વિશાળ આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસ સેન્ટર છે. સ્વિસ સ્થપતિ લા કાર્બુઝિયેર આયોજિત 16 મજલાવાળી આવાસી ઇમારત પણ અહીં જ આવેલી છે. નજીકમાં જ 150 મીટર ઊંચાઈ ધરાવતા ટાવર સહિતનું રેડિયો મથક ‘ફન્કટર્મ’ આ વિસ્તારનું મહત્વનું ભૂમિચિહ્ન બની રહેલું છે. ‘ગ્રીન વીક’ નામથી જાણીતો બનેલો વાર્ષિક કૃષિ મેળો પણ અહીં નજીક જ ભરાય છે.

ઇતિહાસ : બર્લિન બીજા વિશ્વયુદ્ધ અગાઉ પણ જર્મનીનું પાટનગર હતું. પરંતુ 1949માં જર્મનીનું પૂર્વ અને પશ્ચિમ જર્મનીમાં વિભાજન થતાં બર્લિન પણ પૂર્વ અને પશ્ચિમ બર્લિન એવા બે વિભાગોમાં વહેંચાઈ ગયું. પશ્ચિમ બર્લિન પશ્ચિમ જર્મની સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલું રહ્યું, જ્યારે પૂર્વ બર્લિન પૂર્વ જર્મનીનું પાટનગર બની રહ્યું. જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલા બૉનને પશ્ચિમ જર્મનીની રાજધાની બનાવવામાં આવ્યું.1980ના દાયકાનાં છેલ્લાં વર્ષો દરમ્યાન સામ્યવાદી અંકુશો સામે ચળવળ થઈ. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકારનો છેવટે અંત આવ્યો. 1990ના ઑગસ્ટમાં બંને જર્મનીનું બિનસામ્યવાદી રાષ્ટ્ર તરીકે એકીકરણ કરવામાં આવ્યું, તેની સાથે બર્લિન પણ નૂતન રાષ્ટ્રનું સત્તાવાર પાટનગર બની રહ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બર્લિને ભયંકર તારાજી વહોરેલી. શહેરના આશરે 33 % લોકો પૈકી કેટલાક નાસી ગયા અને બાકીનાની હત્યા કરવામાં આવેલી. બાબવર્ષાથી ઘણાં કારખાનાં સહિત શહેરનો મોટાભાગનો વિસ્તાર નાશ પામેલો. જર્મની દ્વારા સોવિયેટ સંઘને થયેલા નુકસાનના વળતર રૂપે રશિયનો બર્લિનમાંથી ઔદ્યોગિક મહત્વ ધરાવતાં સાધનો અને સામ્રગી લઈ ગયા. આ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને યુ.એસ. જેવી વિજેતા સત્તાઓએ જર્મનીને તથા બર્લિનને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખેલું. ફ્રેન્ચો, અંગ્રેજો અને અમેરિકનોએ જે ત્રણ વિભાગો કબજે કરેલા તે પશ્ચિમ જર્મની બન્યું, જ્યારે ચોથો રશિયાઈ વિભાગ પૂર્વ બર્લિન બન્યું. પશ્ચિમ બર્લિન પશ્ચિમ જર્મની સાથે ભૂમિ, જળ અને હવાઈમાર્ગોથી સંકળાયેલું હતું. અહીં તૈયાર થતી મોટાભાગની ખાદ્યસામગ્રી, ઉદ્યોગો માટેનો કાચોમાલ તથા તેમાંથી તૈયાર થતી પેદાશો આ માર્ગો મારફતે મોકલાતાં રહ્યાં.

અમેરિકન પ્રજા તરફથી જર્મનીને નજરાણારૂપે બાંધી આપવામાં આવેલો કૉંગ્રેસ હૉલ, બર્લિન

બીજા વિશ્વયુદ્ધ બાદ પણ બર્લિન ઠંડા યુદ્ધનું મેદાન (1945–1990) બની રહ્યું. ઘણાં સંઘર્ષો તથા મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. જોકે યુ.એસ. અને પશ્ચિમ જર્મનીએ તેનું પુનર્નિર્માણ કરવામાં ઘણી સહાય કરેલી, તેથી તે સમૃદ્ધ બનતું ગયું. આ કારણે સ્થળાંતર કરી ઘણા લોકો અહીં આવીને વસવા માંડ્યા, આ સ્થળાંતર રોકવા સામ્યવાદીઓએ બંને બર્લિનની સીમા પર આશરે 42 કિમી. લાંબી ‘બર્લિન દીવાલ’ બાંધી તથા ત્યાં ચોકી-પહેરો પણ ગોઠવેલો. 1989માં શહેરના બંને વિભાગના આદાનપ્રદાન પર મૂકવામાં આવેલ અંકુશો ઉઠાવી લેવાયા, દીવાલ ખુલ્લી મુકાઈ. 1990માં બંને જર્મનીનું એકીકરણ થયું.

ગિરીશભાઈ પંડ્યા