બર્મી ભાષા અને સાહિત્ય

January, 2000

બર્મી ભાષા અને સાહિત્ય : મ્યાનમાર(પ્રાચીન બર્મા કે બ્રહ્મદેશ)ની અધિકૃત ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. અહીં બોલાતી બર્મી, કારેન, શાન, મોન અને બીજી આદિવાસી ભાષાઓમાં તે મુખ્ય સ્થાન ધરાવે છે. તે મુખ્યત્વે ઇરાવદી નદીના ખીણપ્રદેશમાં બોલાય છે. સિનો-તિબેટન ભાષાકુલના તિબેટન-બર્મી જૂથની આ મુખ્ય શાખા છે. આ ભાષામાં પ્રગટ થતાં સામાન્ય નામ અને ક્રિયાપદો, ચીની ભાષાની જેમ એકાક્ષરી અને બહુતાની (polytonic) છે. બે શબ્દો વચ્ચેનો ભેદ તેમના ધ્વનિભેદથી પ્રગટ થાય છે. બર્મીમાં કોઈ વિચાર પ્રગટ કરવો હોય ત્યારે એકથી વધુ એકાક્ષરી શબ્દોનો પ્રયોગ અનિવાર્ય બને છે. આ ભાષામાં જાતિ કે વચનના ભેદ હોતા નથી. અલબત્ત, તેમનું સૂચન પ્રત્યયોથી થાય છે. દા.ત., સ્ત્રીલિંગ માટે ‘મહ્’ અને ‘હા’ પ્રત્યયો અને પુંલિંગ માટે ‘દે’, ‘ફાહ’ અને ‘ઇ’ પ્રત્યયો લગાડાય છે. આમ તો આ ભાષા સિનો-તિબેટન કુળની છે, પરંતુ તેનું સામ્ય ઑસ્ટ્રોનેશિયન ભાષા સાથે વિશેષ વરતાય છે. વળી બૌદ્ધ સાહિત્ય અને ધર્મની અસરથી તેમાં મોટી સંખ્યામાં પાલિ શબ્દો અને પાલિ ભાષાનાં લક્ષણો જોવામાં આવે છે. અગિયારમી સદીના મ્યાંઝેડીના પાષાણસ્તંભ પરના શિલાલેખમાં તેનો સૌપ્રથમ પ્રયોગ થયેલો નજરે પડે છે. એમાં આ ભાષાના 10 સ્વરો અને 32 વ્યંજનો પ્રયોજાયા છે. બર્મી લિપિ સીધેસીધી પાલિ (બ્રાહ્મી) વર્ણમાલામાંથી ઊતરી આવી છે.

સાહિત્ય : મૂળમાં મ્યાનમારમાં બૌદ્ધ ધર્મના વ્યાપક પ્રચાર-પ્રસારને લીધે પાલિ ભાષા અને તેના સાહિત્યનો ફેલાવો થયો હતો. ઘણી પાલિ કૃતિઓના સ્થાનિક ભાષાઓમાં અનુવાદ પણ થયા. આથી શરૂઆતનું બર્મી સાહિત્ય બૌદ્ધકથા-સ્વરૂપનું નજરે પડે છે. જાતકકથાઓ, ઉપદેશકથાઓ, કહેવતકથાઓ અને ન્યાય-નીતિ-બોધને લગતી આવી કથાઓ મુખ્યત્વે ભારતીય પંચતંત્ર અને હિતોપદેશની કથાઓને મળતી આવે છે. આ કથાઓને પ્રાણીકથા, પ્રેમકથા અને હાસ્યકથા જેવા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. મધ્યકાલમાં બર્મી ભાષામાં કેટલીક સ્વતંત્ર રચનાઓ પણ થવા લાગી. રાજા અનંત તુરીયે પોતાને થયેલ ફાંસી પૂર્વે (1173માં) રચેલું મૃત્યુગીત પ્રશંસા પામેલી કૃતિ છે. પોગનની જાહોજલાલીના સમયમાં જોકે સાહિત્યિક વિકાસ નહિવત્ થયેલો જોવામાં આવે છે. બૌદ્ધ સાધુઓની પ્રબળ અસર નીચે જે કંઈ સાહિત્ય રચાયું છે તે ધર્મવિષયક જ છે. જોકે આ સમયના શિલાલેખોમાં બર્મી ગદ્યના નોંધપાત્ર નમૂના ઉપલબ્ધ થાય છે. આ ગદ્ય તેમજ આ સમયની કેટલીક પદ્ય રચનાઓમાં આવતાં શબ્દ-વિન્યાસ, પ્રાસ, શૈલી વગેરેનો વિકાસ નોંધપાત્ર છે.

પશ્ચિમની સીધી અસર નીચે આવતાં બર્મીમાં નવલકથા અને નાટક જેવાં સાહિત્યસ્વરૂપો વિકસ્યાં. આ સ્વરૂપોમાં વિશેષ કરીને કલાવિભાગમાં આખી રાત ભજવાતાં પ્વે (pwe) નામના પ્રહસન અને નૃત્યના સંમિશ્રણવાળું લોકપ્રિય સાહિત્યસ્વરૂપ ખાસ નોંધપાત્ર છે. અઢારમી સદી પછીનાં બર્મી નાટકો મુખ્યત્વે રામાયણ અને બૌદ્ધ કથાપ્રસંગોને લઈને રચાયાં છે. અલબત્ત, મૌલિક વિષયવસ્તુ લઈને પણ કેટલાંક નાટકો રચાયાં છે. તેમાં ઉદ્દિત ઉ અને ઉ-પૉન ન્યાની રચનાઓ નોંધપાત્ર છે. ઉ-પૉન ન્યાની કૃતિ ‘પદુમા’ મૌલિક નાટક તરીકે ખ્યાતિ પામ્યું છે. પાકીન કોડાવ હમાઇંગ (1875–1964) મ્યાનમારના મોટા ગજાના નાટ્યકાર છે. તેમણે રાજા થીબોના અવસાન પ્રસંગે રચેલી કરુણ-પ્રશસ્તિ સુપ્રસિદ્ધ છે. બર્મી કવિતાનો ઝોક ધર્મ અને અધ્યાત્મ તરફ વિશેષ જોવામાં આવે છે. એમાં ઉ. ઈ. માઓન્ગ નોંધપાત્ર કવિ છે. રાષ્ટ્રનાં વીરપુરુષો અને વીરાંગનાઓ, બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિ, વિશાળ પર્વતમાળાઓ, પ્રગાઢ જંગલો તેમજ દૂરની ક્ષિતિજો, ખેડૂત-જીવનના અનુભવો, માનવસંબંધો અને પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વગેરે બર્મી કવિતાના મુખ્ય વિષયો છે.

વિ. પ્ર. ત્રિવેદી

પ્રવીણચંદ્ર પરીખ