બર્જેસ, જેમ્સ (જ. 14 ઑગસ્ટ 1832, ડમફ્રિસ, સ્કૉટલૅન્ડ; અ. 3 ઑક્ટોબર 1916) : ભારતીય ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને સ્થાપત્યકલાના પ્રકાંડ સ્કૉટિશ વિદ્વાન. ગ્લાસગો અને એડિનબરોમાં અભ્યાસ. 1855માં ભારતીય સનદી સેવામાં જોડાયા. કલકત્તાની કૉલેજમાં 1855–1861 દરમિયાન ગણિતશાસ્ત્રના અધ્યાપક થયા. મુંબઈની સર જમશેદજી જીજીભાઈ પારસી બેનેવોલન્ટ સંસ્થાના પ્રમુખપદે નિમાયા પછી ‘ટેમ્પલ્સ ઑવ્ શત્રુંજય’ (1869) અને ‘રૉક-કટ ટેમ્પલ્સ ઑવ્ એલિફન્ટા’ (1871) જેવા મહત્વના સંશોધન-ગ્રંથો રચ્યા. 1868–73 દરમિયાન મુંબઈની જ્યોગ્રોફિકલ સોસાયટીના મંત્રીપદે રહ્યા. 1872–84 દરમિયાન ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’ નામની સંશોધન-પત્રિકાના સંપાદક રહ્યા. દરમિયાનમાં 1874માં ભારત સરકારે તેમની ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વિભાગના સર્વેક્ષક તરીકે નિયુક્તિ કરી. 1874થી 1881 દરમિયાન તેમણે વિવિધ પ્રાચીન સ્થળોના અવશેષોની નોંધ કરી અને અનેક સ્મારકોના નકશા તેની અભ્યાસનોંધો સાથે પ્રગટ કર્યા. એમાં કાઠિયાવાડ અને કચ્છ, બેલગાંવ, બીડર, ઔરંગાબાદ, અમરાવતી, બેલુર, જગ્ગયપેટ, ડભોઈ, અમદાવાદ વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઉપરાંત દક્ષિણ ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણનો પણ તેમને હવાલો અપાતાં મધ્યપ્રદેશ અને દખ્ખણ ઉપરાંત દક્ષિણનાં અનેક સ્થળોનાં સ્થાપત્યકીય સર્વેક્ષણો પ્રગટ થયાં. 1886માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના મહાનિર્દેશક તરીકે તેમની નિમણૂક થતાં તેમણે આ ખાતાની કામગીરીમાં આમૂલ પરિવર્તન આણ્યું. પ્રાચીન અભિલેખોને પ્રગટ કરવા માટે ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ નામની પત્રિકા શરૂ કરાવી. તેમની પ્રેરણા નીચે હેન્રી કઝિન્સ, અર્ન્સ્ટ હુલ્ત્શ, રાઇસ, જેમ્સ ફર્ગ્યુસન વગેરે વિદ્વાનોની સંશોધનમંડળી તૈયાર થઈ. ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના દર વર્ષે પ્રગટ થતા રિપૉર્ટમાં આ વિદ્વાનો દ્વારા પ્રત્યેક સ્થળના પુરાવશેષોની નોંધો પ્રગટ કરવા ઉપરાંત સંશોધન-ગ્રંથો પણ પ્રગટ કરાવ્યા. આ પ્રવૃત્તિના પરિપાકરૂપે ‘ઇમ્પીરિયલ સીરીઝ’ના 7 ગ્રંથો પ્રકાશિત થયા. એડિનબરો યુનિવર્સિટીએ તેમનું 1881માં ડી. લિટ્.ની માનાર્હ પદવીથી સંમાન કર્યું.

જિનીવામાં 1884માં ભરાયેલ પ્રાચ્યવિદ્યા પરિષદમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા. 1885માં તેમને ‘કંપેનિયન ઑવ્ ધી ઇન્ડિયન એમ્પાયર’નો પદક પ્રાપ્ત થયો. 1889માં મહાનિર્દેશકના હોદ્દા પરથી નિવૃત્ત થતાં તેઓ સ્વદેશ ગયા અને  ત્યાં રહી ભારતીય પુરાવસ્તુવિદ્યાને લગતા ગ્રંથોનું લેખન કરતા રહ્યા. 1898માં તેમનું ‘કીથ પદક’ દ્વારા બહુમાન થયું.

જેમ્સ બર્જેસ

ભારતીય પુરાવસ્તુવિદ્યા, ભારતીય કાલગણનાપદ્ધતિ, પ્રાચીન શિલાલેખો અને જ્યોતિષ વિશેના તેમના ઘણા લેખો ‘આર્કિયોલૉજિક્લ સર્વે રિપૉટર્સ’, ‘ફિલોસૉફિકલ મૅગેઝીન’, ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’, ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ વગેરેમાં પ્રકાશિત થયા છે. ‘ટેમ્પલ્સ ઑવ્ સોમનાથ, જૂનાગઢ ઍન્ડ ગિરનાર’ (1870), ‘ધ રૉક્ ટેમ્પલ્સ ઑવ્ અજંટા’ (1879), ‘બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા’ (1901), ‘ઍન્શ્યન્ટ ટેમ્પલ્સ ઍન્ડ સ્કલ્પ્ચર્સ ઑવ્ ઇન્ડિયા’ (1897–1910) વગેરે તેમના મૌલિક ગ્રંથો છે. ‘કેવ ટેમ્પલ્સ ઑવ્ ઇન્ડિયા’ (1880) તેમણે ફર્ગ્યુસન સાથે લખ્યું. તેમના સંશોધન-લેખનકાર્યમાંથી પછીના અનેક ભારતીય અને પશ્ચિમી વિદ્વાનોએ પ્રેરણા પ્રાપ્ત કરી છે.

પ્રવીણચંદ્ર પરીખ