બર્કિટ, માઇલ્સ સી. : વિશ્વના પ્રથમ પંક્તિના પ્રાગ્-ઇતિહાસવિદ્. તેમણે પ્રાગ્-ઇતિહાસ સંબંધી અભ્યાસ અને સંશોધનમાં પ્રાગ્-ઇતિહાસ અને પ્રાચીન આબોહવાના તબક્કા નક્કી કરી નવી કેડી કંડારી હતી. યુરોપમાં ખાસ કરીને ફ્રાંસમાંથી મળેલાં ઓજારો, ગુફાચિત્રો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રાગ્-ઇતિહાસ વિશે ઊંડો અભ્યાસ કર્યો. ભારતમાં 1930 આસપાસ તેમણે આંધ્રપ્રદેશમાં પ્રાગ્-ઐતિહાસિક સર્વેક્ષણ કરી ઉત્તરઅશ્મકાલીન (upper paleolythic) ઓજારો પ્રથમ વખત શોધી કાઢ્યાં હતાં, જેમાં પથ્થરની ધારદાર પટ્ટીઓ અને અણીદાર ઓજારોનો સમાવેશ થાય છે. તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રાગ્-ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે લાંબા સમય સુધી સેવા આપી માનવવિદ્યા, પ્રાગ્-ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યાને ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું. તેમનાં પ્રમુખ પુસ્તકોમાં ‘ધી ઓલ્ડ સ્ટોન એજ’, ‘પ્રીહિસ્ટરી’, ‘અવર અર્લી ઍન્સિસ્ટર્સ’ અને ‘આફ્રિકાઝ પાસ્ટ ઇન સ્ટોન ઍન્ડ પેન્ટ’ અત્યંત જાણીતાં છે.

યુનુસ ચિતલવાલા