બરામિકા : એક ઈરાની ખાનદાન (વંશ). ‘બરમક’ શબ્દનું અરબી બહુવચન. જોકે બરમક મૂળ ફારસી શબ્દ છે. તેનું મૂળ સ્વરૂપ ‘બરમુગ’ યા ‘પીરમુગ’ છે. તેનો અર્થ ‘અગિયારીનો મોટો પૂજારી’ એવો થાય છે. ‘નવબહાર’ના પૂજારીઓને ‘બરમક’ કહેવામાં આવતા. આમ ‘બરમક’ કોઈ એક વ્યક્તિનું નામ નહોતું, પરંતુ તે ‘નૌ બહાર’ના વંશ-પરંપરાગત મુખ્ય પૂજારીનો હોદ્દો હતો. તેમનું પ્રબળ પ્રભુત્વ હતું.

‘રબીઉલ અબ્રાર’ના ઇતિહાસકાર ઝમશ્ખરીના મત મુજબ, કાબાના અનુકરણમાં રચવામાં આવેલું ધર્મસ્થાન અને કાબાની જેમ તેની પ્રદક્ષિણા (તવાફ) કરવામાં આવતી હોવાથી તેના ટ્રસ્ટીઓને ‘બરમકા’ અર્થાત્ કાબાના વાલી કહેતા; પરંતુ ઝમશ્ખરીનો આ મત કેટલેક અંશે યોગ્ય જણાતો નથી, કારણ કે ઈરાનીઓ હમેશાં આરબોને તિરસ્કારની ર્દષ્ટિએ જોતા હોવાથી તેઓ આરબોનું અનુકરણ કરે એ વાત માનવામાં આવે તેમ નથી; પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ખુરાસાનના બલ્ખ શહેરમાં મિનુ ચેરહે એક સૌથી મોટી અગિયારી ‘નવબહાર’ બંધાવી હતી તેના પૂજારીઓને મુગોના સર્વોપરી ગણવામાં આવતા જેને ઈરાની શહેનશાહો માનનીય ગણતા અને તેમને ‘બરમુગ’ કહેતા.

આમ બરમુક પોતાના યુગનું એક મહાન ખાનદાન હતું, જેના ઉત્તરાધિકારીઓ બરમુક કહેવાતા. આ ખાનદાનની શરૂઆત ‘યુશ્તાસ્ફ’થી થાય છે, પરંતુ તેના વિશે અધિક ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતી નથી. ‘જાફર બિન જામાસ’ને તે ખાનદાનના સ્થાપક તરીકે માનવામાં ઇતિહાસકારો સહમતી ધરાવે છે. આમ સૌપ્રથમ ‘બરમુક’ તરીકે તે પ્રસિદ્ધ થયો. આ ખાનદાનની શરૂઆત જાફર બિન જામાસથી થઈ અને તેનો અંત જાફર બિન યહ્યાથી થયો.

ઇસ્લામ અંગીકાર કરતાં પહેલાં બરમુકીઓ અગ્નિપૂજક હતા અને અગ્નિને ‘દિવ્યપ્રકાશ’ માનતા; જોકે આ બાબતમાં મતભેદ પ્રવર્તે છે. બરમુકીઓ જેના પૂજારી હતા તે ‘નવબહાર’માં કોઈ ઇતિહાસકારે અગ્નિનો ઉલ્લેખ કર્યો નથી. વળી ‘અલ ફકીહ’ના વર્ણનમાં એવું જણાવવામાં આવે છે કે તેના પર સો-સો ગજ લાંબી લીલા રંગની રેશમી પતાકાઓ લહેરાતી અને તેના ગુંબજને ‘અશ્બત’ કહેતા. પૂજારીઓને રહેવા માટે ચારેય બાજુ 360 ખંડ હતા, જેમાં મૂર્તિઓ પણ સ્થાપિત હતી. તેના મુખ્ય પૂજારીને ‘બરમુક’ કહેવામાં આવતા. ચીન તથા કાબુલના મૂર્તિપૂજક રાજાઓ પૂજા અર્થે અહીં આવતા. આ મઠમાં અગ્નિપૂજાનો કોઈ ઉલ્લેખ તેમાં મળતો નથી. આ ઉપરથી અનુમાન કરી શકાય કે ‘નવબહાર’નો આ મઠ અગિયારી નહિ, પણ બૌદ્ધ વિહાર હશે. ‘નવવિહાર’ તેનું મૂળ નામ હશે.

ઈ. સ. 651(હિ. સં. 31)માં મુસલમાનોએ બલ્ખ પર ફતેહ મેળવી અને ઈ. સ. 705માં ‘કતીલા બિન મુસ્લિમે’ ત્યાં ઇસ્લામી શાસન જાહેર કર્યું. તેની સાથે ઘણા અગ્નિપૂજકોએ ઇસ્લામનો સ્વીકાર કર્યો અને દમિશ્ક(દમાસ્કસ)થી રાજધાની બદલાઈને બગદાદ થઈ તો તેઓ પણ બગદાદ આવીને વસ્યા અને પોતાનાં બુદ્ધિ અને કૌશલ્યથી હકૂમતના ઉચ્ચ હોદ્દાઓ સર કરીને વજીરપણા સુધી પહોંચી ગયા અને ઇસ્લામી દુનિયા પર શાસન કર્યું.

અબ્બાસી વંશ, ખાસ કરીને ‘હારૂન અલ રશીદ’નો યુગ, ‘સુવર્ણ-યુગ’ કહેવાય છે તેના મુખ્ય કારણરૂપ પણ આ બરમકીઓ જ હતા. તેમણે જ્ઞાન-સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ વાસ્તુશાસ્ત્ર, ધર્મ અને તત્વજ્ઞાનમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને મહત્વનું પ્રદાન કર્યું છે. હારૂન અલ રશીદે બરમકી વજીરોની ખૂબ સરપરસ્તી કરી અને તેને પુષ્કળ પ્રોત્સાહન આપ્યું. તેના કારણે બરમકીઓનું પ્રભુત્વ એટલું બધું વધી ગયું કે પાછળથી અબ્બાસી ખલીફાઓ ખુદ તેમને અધીન બનીને રહેતા થયા.

અબ્બાસી ખિલાફત સોળે કળાએ ખીલી ઊઠી હતી. તેમની પ્રગતિનાં સૌપ્રથમ સૌભાગ્ય અને યશ ખાલિદ બિન વલીદ બરમકીને ફાળે જાય છે. યુદ્ધના મેદાનમાં પણ તેમણે બહાદુરીનું પ્રદર્શન દાખવીને, ‘બાઝન્તીન’નો કિલ્લો સર કરીને ‘બગદાદ’નો પાયો નાખ્યો. એ રીતે અબ્બાસીનું પ્રભુત્વ જમાવવામાં તેમનો ફાળો મહત્વનો હતો.

બગદાદમાં અસંખ્ય શાનદાર ઇમારતો હોવા છતાં ખાલિદે તબરિસ્તાનના પોતાના ગવર્નરપદ દરમિયાન ‘મનસૂર’ શહેરનો પાયો નાખ્યો. પ્રજાજનોમાં ખાલિદ સર્વપ્રિય હતા. તેમના ગુણોની બરાબરી કરનાર તેમના વંશમાં કોઈ થયું નથી; ન તો તેમના જેવી સર્વોપરિતા કોઈએ પ્રાપ્ત કરી હતી.

બરામિકા ખાનદાનમાં બુદ્ધિમાન અને સર્વગુણસંપન્ન વજીર તરીકેનું સૌપ્રથમ માન ખાલિદ બિન જાફર બરમકને ફાળે જાય છે. આ વંશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં યહ્યા બિન ખાલિદનું નામ પ્રકાશિત તારાની જેમ ચમકે છે. તેઓ ખલીફા હારૂનના વજીર હતા. ખલીફા હારૂનના અતાબેક તરીકેનું સૌભાગ્ય પણ તેમને જ પ્રાપ્ત થયું હતું. આ પહેલાં ઉમૈયા વંશમાં બાળકોની કેળવણી ફક્ત અરબ કબીલાઓમાં જ થતી હતી, પરંતુ અબ્બાસી વંશમાં આ કામગીરી બરમકીઓને તેમની કળા, બુદ્ધિચાતુર્ય, વાક્ચાતુર્ય વગેરે ગુણોને લઈને પ્રાપ્ત થઈ હતી.

યહ્યાના પુત્રો પણ પિતાની જેમ અસામાન્ય બુદ્ધિચાતુર્ય ધરાવતા હતા. તેમાંના ફઝલ તથા જાફર હારૂન અલ રશીદના વજીરના પદે બિરાજમાન હતા. હારૂન અલ રશીદને જાફર માટે અપ્રતિમ પ્રેમ હતો અને ખલીફા હારૂન તરફથી તેમને પુષ્કળ પ્રોત્સાહન પ્રાપ્ત હતું. વજીર તરીકે જાફરે એટલું બધું પ્રભુત્વ મેળવી લીધું હતું કે હારૂન તો નામના જ ખલીફા બની રહ્યા હતા. બરમકીઓની સલ્તનતમાં એટલી બધી દખલ હતી કે તેમને પૂછ્યા વગર કે તેમની આજ્ઞા વગર કોઈ કામ થઈ શકતું નહોતું. પરંતુ આ પ્રભુત્વ જ બરમકીઓના પતનનું કારણ બન્યું. બરમકીઓનાં જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્યને કારણે જ હારૂન અલ રશીદની સલ્તનત સુવર્ણયુગ બની હતી. જે બરમકીઓનો સૂર્ય સોળે કળાએ હારૂનના સમયમાં તપતો હતો તે કમભાગ્યે હારૂનના હાથે જ અસ્ત પામ્યો અને બરમકી ખાનદાનનો અંત આવ્યો.

નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી