બરાબર ગુફાઓ (ઈ. પૂ. ત્રીજી સદી) : મૌર્ય સમ્રાટ અશોકે આજીવિક સંપ્રદાયના સાધુઓ માટે બિહારના ગયા જિલ્લાના બરાબર પહાડમાં કંડારાવેલ ગુહાશ્રયો. ગયાથી 25 કિમી. ઉત્તરે આવેલી બરાબર ટેકરીમાંથી ચાર અને તેની સમીપની નાગાર્જુની ટેકરીમાંથી સમ્રાટ અશોકના પૌત્ર દશરથે કંડારાવેલી ત્રણ ગુફાઓ મળીને એમને ‘સાતઘર’ને નામે ઓળખવામાં આવે છે.

બરાબર ગુફાઓ (લોમશ ઋષિ ગુફા)

આજે આ ગુફાઓ કર્ણ ચોપડા, સુદામા, લોમશ ઋષિ, વિશ્વામિત્ર, ગોપી, વળિયા અને વેદાર્થીને નામે ઓળખાય છે. બધી ગુફાઓ પ્રલંબ કુટી સ્વરૂપની છે. ક્યાંક ક્યાંક એક જ ગુફામાં બબ્બે પ્રલંબ કુટીઓ કંડારેલી છે. સુદામા, લોમશ ઋષિ અને ગોપી ગુફાઓ આવી બેવડી કુટીરો ધરાવે છે. એમાં એકમાં થઈને બીજીમાં જવાય છે. સુદામા ગુફાની અંદરની કુટીરના એક છેડે ગોળાકાર ગર્ભગૃહ છે અને તેની સમ્મુખ પ્રાર્થના માટેનો પ્રલંબ ખંડ છે. આ પ્રાર્થનાખંડમાંથી આગળની કુટીરના ખંડમાં અવાય છે. બંને કુટીરોની છત અર્ધ ઢોલાકાર કે અર્ધ નળાકારે છે. આ ગુફા સમ્રાટ અશોકના રાજ્યકાલના 12મા વર્ષ(ઈ. પૂ. 262)માં કોતરાઈ હતી. રચના પરત્વે લોમશ ઋષિ ગુફા એને મળતી છે; પરંતુ વિશેષમાં લોમશ ઋષિમાં મુખદ્વારનું કોતરકામ દર્શનીય છે. એની ચૈત્યાકાર કમાન અને જાળીદાર નકશી નોંધપાત્ર છે. વળી જાળીદાર નકશીની નીચે સ્તૂપની સ્તુતિ કરતા હાથીઓની હારમાળા મનોહર છે. સુદામા અને લોમશ ઋષિ બંનેની ગુફાઓ બૌદ્ધ ચૈત્યગૃહોના સ્થાપત્યનું આરંભિક સ્વરૂપ દર્શાવે છે. આ બંને ગુફાઓની દીવાલો પર અશોકકાલીન વજ્રલેપની પૉલિશ કરી તેમને સુંવાળી અને ચમકદાર બનાવી છે. આ ગુફાઓના નિર્માણમાં શિલ્પીઓએ તત્કાલીન પર્ણશાળાઓનું અનુકરણ કરેલું છે.

બરાબરની ગુફાઓમાં કેટલાક શૈલલેખો મળે છે. એમાંના ત્રણ અશોકે લખાવેલા છે. તે પરથી જણાય છે કે મૂળમાં આ ગુફાઓ આજીવિક સંપ્રદાયના ભિક્ષુઓના નિવાસ માટે કોરાઈ હતી. આ સંપ્રદાય મહાવીર અને બુદ્ધના સમકાલીન આચાર્ય મંખલી ગોશાલે પ્રવર્તાવ્યો હતો. અશોકનો પૌત્ર દશરથ જૈનધર્માવલંબી હતો. તેણે અહીં કોરાવેલી ગુફાઓને લગતા અભિલેખ પણ અંકિત છે. વળી અહીં મૌખરી વંશના રાજા અનંતવર્માનો એક મિતિ વગરનો અભિલેખ કોતરાયેલો છે. તેમાં આ ગુફામંદિરમાં અનંતવર્માએ શ્રીકૃષ્ણની એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે.

પ્રવીણચંદ્ર પરીખ