બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક જનપદનો ઉલ્લેખ આવે છે તે આ પ્રદેશ હોવો જોઈએ. મૌર્ય સમ્રાટ અશોક અને સાતવાહન રાજા શાતકર્ણીના શિલાલેખોમાં બનવાસીનો ઉલ્લેખ મળે છે. બૌદ્ધ ભિક્ષુ રખ્ખિન ઈસુની ત્રીજી સદીમાં ધર્મપ્રચાર કરવા ત્યાં ગયા હતા એવો ‘મહાવંશ’ ગ્રંથમાં ઉલ્લેખ મળે છે. ત્યાં બૌદ્ધ ધર્મના લોકોએ વિહારો બાંધ્યા હતા. સાતવાહનોની સત્તા નબળી પડવાથી કુંતલ પ્રદેશ પર ચૂટુ વંશની સત્તા સ્થપાઈ. તેની રાજધાની બનવાસીમાં હતી. ત્યારબાદ આ પ્રદેશમાં પલ્લવોની સત્તા સ્થપાઈ હતી. ચોથી સદીના ત્રીજા ચરણમાં મયૂર શર્મા નામના બ્રાહ્મણે કુંતલ પ્રદેશ કબજે કરી, કદમ્બ વંશ સ્થાપી બનવાસીમાં રાજધાની રાખી હતી. તાલગુંદ સ્તંભલેખમાં જણાવ્યા મુજબ ત્યાં કદમ્બ વંશના કાકુત્સવર્મન્, શાંતિવર્મન્, મૃગેશવર્મન્ વગેરે રાજાઓ રાજ્ય કરતા હતા. બાદામીના ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ આશરે 610–11માં તે પ્રદેશ જીતી લીધો. ચાલુક્ય વંશના રાજાઓ બનવાસીમાં પોતાનો સૂબો નીમતા. આ રીતે ગુણસાગર, બ્રહ્મરસ, કુંદમ રસ, ચામુંડરાજ વગેરે બનવાસીમાં સૂબા તરીકે શાસન કરતા હતા. અગિયારમી સદીમાં ચાલુક્યો અને મૈસૂરના હોયસલો વચ્ચે બનવાસી માટે લડાઈઓ થઈ હતી. 1305માં દેવગિરિના યાદવ વંશના રામચંદ્ર પાસેથી હોયસલ વંશના બલ્લાલ ત્રીજાએ બનવાસી જીતી લીધું હતું.

ત્યાં મધુકેશ્વરનું મંદિર આવેલું છે. કદમ્બ રાજાઓના સંરક્ષક દેવ મધુકેશ્વર હતા. આ મંદિરમાંના એક પ્રાચીન શિલાલેખમાં હારિતીપુત્ર શાતકર્ણીનો ઉલ્લેખ છે. બનવાસી ગામમાં આવા અનેક શિલાલેખો છે. તેમાંથી પુષ્કળ ઐતિહાસિક માહિતી મળે છે.

જયકુમાર ર. શુક્લ