બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ

January, 2000

બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ (જ. 1901, પુણે; અ. 1975) : મરાઠીના નામાંકિત લેખક, સંપાદક અને વિદ્વાન. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમને અતિ ઉજ્જ્વળ અભ્યાસ-કારકિર્દીના પરિણામે અનેક ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મળ્યાં. સંસ્કૃતમાં એમ.એ.ની તથા કાયદાશાસ્ત્રમાં એલએલ.બી.ની પદવી મેળવ્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. પછી તેઓ નાગપુરની મૉરિસ કૉલેજ ખાતે તથા અમરાવતીની કિંગ એડવર્ડ કૉલેજ ખાતે મરાઠીના પ્રાધ્યાપક બન્યા. સંપૂર્ણપણે લોકસેવા કરવામાં લાગી જવા, 1945માં તેઓ સરકારી નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લઈ મુક્ત થયા.

ગાંધીજીએ સ્થાપેલી હિંદુસ્તાન પ્રચાર સભાના સ્થાપક સભ્ય હોવા ઉપરાંત તેઓ સંખ્યાબંધ સાહિત્યિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે સભ્ય તથા સલાહકાર તરીકે સંકળાયેલા હતા. ભાષા તથા સાહિત્યના વિકાસને લગતી કેટલીય પરિષદોમાં તેમણે અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તેમણે ડઝન ઉપરાંત કૃતિઓ લખી છે અને તેમાં વિવરણગ્રંથ, શોધનિબંધ, જીવનકથાત્મક અભ્યાસગ્રંથ તેમજ સાહિત્યિક પ્રશિષ્ટ કૃતિઓની સટીક આવૃત્તિઓનો સમાવેશ થાય છે.

તેમને ‘નાટ્યાચાર્ય દેવલ’ (1967) માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગોવિંદ બલ્લાળ દેવલ (1885 –1916) પ્રારંભિક મરાઠી રંગભૂમિના મુખ્ય ઘડવૈયા હતા અને મરાઠીમાં સંગીતનાટકોની પરંપરાના પુરસ્કર્તા પણ હતા. આ ગ્રંથ જીવનકથાત્મક અભ્યાસગ્રંથ હોવા સાથે દેવલના જીવન અને કવન વિશેનો વિવેચનાત્મક ગ્રંથ પણ બની રહે છે. પરિશ્રમ અને ખંતપૂર્વકના સંશોધન તેમજ સૂક્ષ્મ અને ચોકસાઈપૂર્ણ વિવેચનર્દષ્ટિના કારણે આ ગ્રંથ સાંપ્રત મરાઠી સાહિત્યમાં મહત્વનું પ્રદાન મનાયો છે. અહીં તેમનો અભિગમ તુલનાત્મક છે. તેમણે ફ્રેન્ચ કે સંસ્કૃત ભાષાની મૂળ નાટ્યકૃતિઓ તપાસતાં જઈ દેવલનું આખરી મૂલ્યાંકન કર્યું છે. આથી તે અધિકૃત બન્યું છે. દેવલ-રચિત ઉત્તમ સંગીતનાટક ‘શારદા’ના વિવેચન-મૂલ્યાંકનમાં તેમની સર્વોત્તમ પ્રતિભા પ્રગટી આવી છે.

લેખન-કારકિર્દીનો પ્રારંભ કર્યો તેમણે સામયિકોમાં સંખ્યાબંધ લેખો લખીને. તેમનું પ્રથમ પુસ્તક ‘મયૂર કાવ્યવિવેચના’ 1926માં પ્રગટ થયું. તે પછી ચિપલુણકરની કૃતિઓની વિવેચના પ્રગટ થઈ. 1931માં તેમણે ‘નવભારત ગ્રંથમાળા’ અને 1934માં ‘સુવિચાર પ્રકાશન મંડળ’ સ્થાપ્યાં. કેટલોક સમય તેઓ ‘વિહંગમ’ સામયિકના તથા સાપ્તાહિક ‘સમાધાન’ના તંત્રીપદે રહ્યા. તેમણે લખેલો ‘મરાઠી રંગભૂમિચા ઇતિહાસ’ એ પ્રકારનો સર્વપ્રથમ અભ્યાસગ્રંથ છે. તેમની જિંદગીનો છેલ્લો દશકો તેમણે ‘જ્ઞાનેશ્વરી’ના સંશોધન પાછળ સમર્પિત કરી દીધો હતો અને તેમના જીવનકાળ દરમિયાન આ પ્રશિષ્ટ કૃતિના 6 અધ્યાય પ્રગટ થયા હતા.

મહેશ ચોકસી