બનફૂલ (જ. 19 જુલાઈ 1899; અ. 1979) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મૂળ નામ બાલાઈચંદ મુખોપાધ્યાય. તેઓ બિહારના ભાગલપુર નગરના વતની. પટણા અને કલકત્તા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. વ્યવસાયે ડૉક્ટર. ‘બનફૂલ’ નામથી લેખનની શરૂઆત. પ્રથમ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થીજીવન દરમિયાનના વૈદ્યકીય અનુભવો તેમણે તેમના ‘તૃણખંડ’(1935)માં લખ્યા છે. ‘વૈતરણીતીરે’ (1937) પુસ્તકે બંગાળી સાહિત્યની નવી દિશા ખોલી આપી.
તેમના કાવ્યસંગ્રહોમાં ‘બનફૂલેર કવિતા’ (1936), ‘અંગારપર્ણી’ (1940), ‘આહવનીય’ (1943), ‘ચતુર્દશી’, ‘કરકમલેષુ’ મુખ્ય છે. તેમના કથાસંગ્રહોમાં ‘બનફૂલેર શ્રેષ્ઠ ગલ્પ’ (1948), ‘બાહુલ્ય’ અને ‘બિંદુવિસર્ગ’; તેમની નવલકથાઓમાં ‘દ્વૈરથ’ (1937), ‘મૃગયા’ (1940), ‘નિર્મોક’ (1940), ‘જંગમ’ (3 ભાગ, 1943), ‘કિછુ ક્ષણ’ (1944), ‘માનદંડ’ (1948), ‘નવદિગંત’ (1949), ‘સે ઓ આમિ’ (1950), ‘સ્થાવર’ (1951), ‘પંચપર્વ’ (1954), ‘લક્ષ્મીર આગમન’ (1954), ‘કષ્ટિપાથર’ (1958) અને ‘અગ્નિ’(1973)નો સમાવેશ થાય છે. ‘શિક્ષાર ભિત્તિ’ (1955) તેમનો નિબંધસંગ્રહ છે. તેમનાં બે ચરિત્રાત્મક નાટકો છે : ‘શ્રી મધુસૂદન’ (1939) અને ‘વિદ્યાસાગર’ (1941). તેમનાં અન્ય નાટકોમાં ‘રૂપાંતર’, ‘મંત્રમુગ્ધ’ (1938), ‘મધ્યવિત્ત’ અને ‘દશભાગ’ (1944) જાણીતાં છે.
‘બનફૂલેર કવિતા’(1936)માં હાસ્યપ્રધાન કાવ્યો તથા પ્રતિકાવ્યો છે. ‘નિર્મોક’માં કાવ્યનાટકો છે. તેમાં કઠોર યથાર્થનું તથા ગીતકવિતાનું રુચિર મિશ્રણ છે.
‘જંગમ’ નવલકથામાં તેમણે આદિમાનવની પશુસુલભ જીવનયાત્રાથી શરૂ કરીને નૈતિક બોધસંપન્ન મનુષ્યના વિવર્તનનો ઇતિહાસ કુશળતાથી ગૂંથ્યો છે. સાથે સાથે જીવનની જટિલતાનો પણ તેમાં ચિતાર છે. તે દ્વારા માનવના અધ્યાત્મબોધની જાતજાતની વિકૃતિઓ પણ દર્શાવાઈ છે. પરંતુ બંગાળી સાહિત્યમાં બનફૂલે જે અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે એમની લઘુકથાઓને કારણે. બંગાળીમાં લઘુકથાનું સ્વરૂપ એમણે જ ઉતાર્યું ને વિકસાવ્યું.
ચન્દ્રકાન્ત મહેતા
નલિની દેસાઈ