બનગરવાડી (1955) : મરાઠી નવલકથાલેખક વ્યંકટેશ માડગૂળકરની જાનપદી નવલકથા. મરાઠીમાં આંચલિક નવલકથાનો નવો પ્રકાર આ કૃતિથી શરૂ થયો. એ રીતે તે મરાઠી આંચલિક (જાનપદી) નવલકથાનું સીમાચિહ્ન છે. એમણે આ કૃતિ દ્વારા સિદ્ધ કર્યું કે ગ્રામીણ અને દૂર દૂરના પછાત વિસ્તારના જનજીવનનું ચિત્રણ પણ ઉચ્ચ સાહિત્યિક મૂલ્યવાળું હોય છે. આ નવલકથામાં બનગરવાડીના પછાત વિસ્તારના ઘેવડાના રબારીની વસ્તીવાળા ગામનું ચિત્રણ છે. એ ગામ મહારાષ્ટ્રના ઔંધ રાજ્યમાં આવેલું છે. ત્યાં કારમી ગરીબી છે. તેમ છતાં ત્યાંના લોકો માયાળુ, નમ્ર અને માનવતાની ભાવનાવાળા જણાય છે. જોકે તેમનામાં ઝેરીલી વેરવૃત્તિ તેમજ બીજા અનેક દુર્ગુણો પણ જોવા મળે છે.

એક પ્રાથમિક શાળાના શિક્ષકના કથન રૂપે આ કથા પ્રસ્તુત થાય છે. એક વર્ષમાં જ સ્થાનિક લોકોની ખટપટ, વેરવૃત્તિ વગેરેના વમળમાં તેઓ અટવાય છે. બીજા ગામમાં તેમની બદલી થાય છે અને ત્યાં જ કથાની પૂર્ણાહુતિ પણ થાય છે. સૂકી, ફળદ્રૂપતા વિનાની રેતાળ જમીનની – માત્ર બાવળનાં ઠૂંઠાં જ્યાં નજરે પડતાં હોય અને બાજરી સિવાય બીજો પાક જ્યાં ન થતો હોય એવી જમીનની – અને અંધશ્રદ્ધાથી ભરેલા, પ્રબળ ગમા-અણગમાવાળા લોકોની પોતાની કારમી ગરીબી અને શોષણ માટે ભાગ્યને જ નિંદતા હોય એવા ગ્રામજનોની વાત અહીં શિક્ષક દ્વારા રજૂ થાય છે. એ શિક્ષક ગામમાં આવે છે ત્યારે ગ્રામજનો એમનાથી દૂર જ રહે છે. એમની સાથે જરાય આત્મીયતા કેળવવાનો પ્રયત્ન કરતા નથી અને એમને શંકાથી જુએ છે; પરંતુ ધીરે ધીરે લોકો એમની જોડે સ્નેહથી વર્તતા થાય છે અને એ રીતે આત્મીયતાનો ભાવ કેળવાતો જાય છે. એ છોકરાઓની સાથે પ્રૌઢો માટેના શિક્ષણના વર્ગો પણ લે છે અને ધીમે ધીમે લોકોની ચાહના મેળવે છે. આમ બધું ઠીક થતું જાય છે, ત્યાં જ કારમો દુકાળ પડે છે. એથી લોકો અન્નપાણી મળી શકે એવી જગ્યાએ સ્થળાંતર કરે છે અને ગામડું ઉજ્જડ થઈ જાય છે. દુકાળનું અત્યંત કરુણ ચિત્ર લેખકે અસરકારક રીતે અંકિત કર્યું છે.

પાત્રાલેખનમાં શિક્ષક ઉપરાંત અન્ય પાત્રો પણ આકર્ષક છે. પોતાની પત્નીને ડગલે ને પગલે હેરાન કરતો અને ત્રાસ આપ્યા કરનારો અને એને હળ જોડે જોતરનારો અને પાછો ઘરમાં આવીને એની પીઠ થાબડનારો આયાબુ; શહેરમાંથી પોતાને માટે ફાટેલી ચોપડી સંધાવી લાવવા શિક્ષકને કરગરતી કારભારીની પૌત્રી; પૈસા ચોરી, બે દિવસ પછી ચોરી કર્યાનું સ્વેચ્છાથી કબૂલ કરનારો આનંદ; કારમો દુકાળ છતાં–ખાવાના સાંસા પડતા હોવા છતાં ગામ છોડવા તૈયાર નહિ થનારાં કાકુબા – એ બધાંનાં જીવંત ચિત્રો આલેખ્યાં છે. માવલ્યદેવીનો મેળો, ગ્રામીણ લોકનૃત્યો, ભૂતનો વળગાડ વગેરે પ્રસંગો દ્વારા કથાને આકર્ષક બનાવાઈ છે.

માડગૂળકરે મર્યાદિત લયવાહી શબ્દોમાં વાચકના ચિત્તને જકડી રાખે એવી રીતે કથા કહી છે. આ નવલકથાનો નૅશનલ બુક ટ્રસ્ટે બધી ભારતીય ભાષાઓમાં અનુવાદ કરાવ્યો છે. અંગ્રેજીમાં પણ એ અનૂદિત થઈ છે.

ચન્દ્રકાન્ત મહેતા