બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ અધૂરો મૂકી, ધંધાર્થે આફ્રિકા ગયા. ત્યાં ઘણા અનુભવો મળ્યા. અઢળક કમાણી કરવાને બદલે પાછા વતન આવ્યા. મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો. વઢવાણ કૅમ્પમાં વકીલાત શરૂ કરી (1911). દરમિયાન તા. 27-2-1913ના રોજ પુત્ર નરેન્દ્રનો જન્મ. પોતાના પુત્રને ચીલાચાલુ નિશાળોની બદીથી તેઓ મુક્ત રાખવા માંગતા હતા. મિત્ર દરબાર ગોપાળદાસે તેમને વસોના મોતીભાઈ અમીનને મળવા સૂચવ્યું. મોતીભાઈએ તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં. આ પુસ્તકોના વાચનથી ગિજુભાઈને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો ને તે કાયદાના વકીલને બદલે બાળકોના વકીલ બન્યા.
ભાવનગરમાં ગિજુભાઈના મામા હરજીવન પંડ્યા તથા શામળદાસ કૉલેજના પ્રો. નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટસ્થાપિત છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાવા આમંત્રણ મળતાં ગિજુભાઈ વકીલાત છોડીને 1916ના નવેમ્બરની 13મી તારીખે ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. દરમિયાન તેમનામાં સૂતેલો કેળવણીકાર જાગી ઊઠ્યો અને ત્યાં બાલકેળવણીની વિચારણાને સાકાર કરવાનું વિશાળ કાર્યક્ષેત્ર તેમને પ્રાપ્ત થયું. ગુજરાતની કેળવણીનાં દશા-દિશા બદલાયાં. ગિજુભાઈ હાડે શિક્ષક, પણ પછી બાલશિક્ષણ માટેનું સાહિત્ય તૈયાર કરતાં બાલસાહિત્યકાર થયા.
છાત્રાલય સાથે 1918થી કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. ગિજુભાઈ નવું નવું વાંચે, વિચારે ને શાળામાં પ્રયોગ કરે. તેઓ વિચારતા કે નાનાં બાળકો પર પ્રયોગો કરીએ તો ધાર્યાં પરિણામો મળે. છેવટે 1920ના ઑગસ્ટની પહેલી તારીખે રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. ત્યારપછી 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સાથે જોડાયેલા રહ્યા.
ગિજુભાઈના 1920થી 1936 સુધીનાં સોળ વર્ષના બાલશિક્ષણ અંગેના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ તેમનું રૂપિયા 11,000ની થેલી અર્પણ કરી સન્માન કર્યું. ગિજુભાઈએ આ રકમ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી.
આજીવન સભ્યપદનની મુદત પૂરી થતાં તેઓ ‘દક્ષિણામૂર્તિ’માંથી છૂટા થયા. જૂના મિત્ર પોપટલાલ ચૂડગરના અતિ આગ્રહથી રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. (1) બાલવિદ્યાપીઠ(childern’s university)ની સ્થાપના, (2) બાલજ્ઞાનકોશની રચના અને (3) આત્મદર્શન – તેમની આ ત્રણ ઇચ્છાઓ 1939માં તેમનું અવસાન થતાં અધૂરી રહી.
ગિજુભાઈનું બાલકેળવણી અને બાલસાહિત્ય ક્ષેત્રે પ્રદાન નીચે મુજબ છે :
1. સામાન્ય શિક્ષકો અને જનસમાજ પણ કામ કરી શકે એવી બાલપ્રેમ પર નિર્ભર, વ્યવસ્થિત અને વિગતપૂર્ણ બાલશિક્ષણ-પદ્ધતિ.
2. ગિજુભાઈએ બાલશિક્ષણ અંગેની વ્યવસ્થિત ફિલસૂફી આપી. બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી ર્દષ્ટિએ જોવું જોઈએ. એ એમનું બાલશિક્ષક તરીકેનું મુખ્ય વિચારકેન્દ્ર છે. માણસના વ્યક્તિત્વનો વિકાસ તેની બાલ્યાવસ્થા પર આધારિત છે તેથી તેની સૌથી વધારે કાળજી રાખવી જોઈએ. વળી બાળકોને સ્વતંત્રતા મળે, તેઓ સ્વયંસ્ફુરણાથી પ્રવૃત્તિઓ કરે, સ્વાવલંબી બને, જીવનવિકાસને પોષક વાતાવરણ મળે, તેઓ સહકારથી જીવતાં શીખે વગેરેની તેમણે હિમાયત કરી. આ સંદર્ભમાં તેમણે ‘મૉન્ટેસૉરી પદ્ધતિ’, ‘પાઠ આપનારાંઓને’, ‘આ તે શી માથાફોડ ?’, ‘મા-બાપ થવું અઘરું છે’, ‘વાર્તા કહેનારને’ – વગેરે પુસ્તકો પણ આપ્યાં છે.
3. ગિજુભાઈએ બાલશિક્ષણનો પ્રસાર કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આ અંગે સમગ્ર સમાજને બાલકેળવણીના ક્ષેત્રની અગત્ય સમજાવી અને તે સાથે તેમાં પરિવર્તન કરવા માટેની અનિવાર્યતા પણ દર્શાવી. આ માટે તેમણે સહકાર્યકરો કેળવ્યા; શિક્ષકો, માબાપો અને વાલીઓની સભાઓ કરી. પત્રિકાઓ કાઢી. બાળકોના હાથમાં ‘અમને મારશો નહિ’, ‘‘અમને બિવરાવશો નહિ’ – જેવાં સૂત્રો લખેલાં પૂંઠાં મૂકી સરઘસો કાઢ્યાં. મૉન્ટેસૉરી સંઘ સ્થાપ્યો, મૉન્ટેસૉરી પદ્ધતિનાં સાધનો બનાવવાના પ્રયોગ કર્યા. આમ અનેકવિધ પ્રયત્નો કરી બાલકેળવણી અંગે ગુજરાતમાં એક વિશાળ મોજું ઉત્પન્ન કર્યું.
4. આ સાચા બાલશિક્ષક અને બાલમિત્ર મન મૂકીને બાલકેળવણીના પ્રયોગો કરતા રહ્યા ને તેના પરિણામે ગુજરાતને સાચું સમૃદ્ધ બાલસાહિત્ય મળ્યું. તેમની બાલકેળવણીકાર તરીકેની–બાલસાહિત્યના ચિંતક તરીકેની પ્રતિભાનો સબળ ખ્યાલ આપતાં બે પુસ્તકો સહેજેય પહેલાં આપણી નજરે ચડે : (1) ‘દિવાસ્વપ્ન’ (1931) અને (2) ‘વાર્તાનું શાસ્ત્ર’ (1925). ‘દિવાસ્વપ્ન’ ગિજુભાઈનું શ્રેષ્ઠ સાહિત્યિક પ્રદાન છે. ગિજુભાઈના માનસપુત્ર જેવા કથાનાયક લક્ષ્મીરામભાઈ દ્વારા શાળામાં-વર્ગમાં અવનવા શિક્ષણના પ્રયોગો કરી, શિક્ષણ શુષ્ક માહિતી ન બની રહેતાં, કેવી રીતે બાળકોની સર્વ ઇન્દ્રિયોને સ્પર્શતો–કેળવતો રસમય–લીલામય પ્રયોગ થઈ શકે તે રમણીય રીતે બતાવ્યું છે. કેળવણીના આચાર માટેનું આ એમનું એક સ્વપ્ન હતું. ગિજુભાઈનું બીજું નોંધપાત્ર પુસ્તક છે ‘વાર્તાનું શાસ્ત્ર’. તેમણે અહીં બાલવાર્તા દ્વારા બાલકેળવણીમાં જે કાંઈ લક્ષ્ય છે તેની માર્મિક આલોચના કરી છે. તેમના બાલસાહિત્યલક્ષી વિપુલ સર્જનમાં ત્રીજું નોંધપાત્ર પુસ્તક છે તારીખ 25–8–1932 સુધીના બાલસાહિત્યને સમાવતો ‘બાલસાહિત્ય-સર્વસંગ્રહ’ (1932). બાલસાહિત્યની એક સરસ સૂચિનું કાર્ય આમાં થયેલું છે. ગિજુભાઈનો આંતર પરિચય થાય છે ‘શાંત પળોમાં’ (1934) પુસ્તકમાં. ‘રખડુ ટોળી’ અને ‘કિશોરકથાઓ’ (ભાગ 1-2) તેમની અનૂદિત–રૂપાંતરિત કૃતિઓ છે. દક્ષિણામૂર્તિ નિમિત્તે તેમણે લગભગ દોઢ સો પુસ્તિકાઓ આપી છે. ‘બાલસાહિત્યમાળા’, ‘બાલસાહિત્યગુચ્છ’, ‘બાલસાહિત્યવાટિકા’ વગેરેનો આમાં સમાવેશ થાય છે. તારાબહેન મોડક અને જુગતરામભાઈની તેમને આ બાબતે ખૂબ મદદ મળેલી. તારાબહેન મોડક સાથે મળીને તેમણે ‘પાઠપોથી ગ્રંથમાળા’, ‘પશુપક્ષી ગ્રંથમાળા’, ‘જ્ઞાનવર્ધક ગ્રંથમાળા’, ‘જીવનપરિચય ગ્રંથમાળા’, ‘કથાનાટ્ય ગ્રંથમાળા’ આદિ અનેક ગ્રંથમાળાઓ આપી છે, જેના દ્વારા તે બાળકોને તેમના પરિસરમાં આવતી વસ્તુ, સ્થળ, ભાષા અને સર્વ સાથે સાહજિકતાથી સાંકળે છે.
ગિજુભાઈએ બાલકથા-સાહિત્યક્ષેત્રે પણ ઠીક ઠીક ખેડાણ કર્યું છે. તેમણે વિવિધ ગ્રંથમાળાઓ નિમિત્તે અનેક કથાઓ આપી છે. ‘ગિજુભાઈની બાલવાર્તાઓ’ તેમની જાણીતી કથાશ્રેણી છે. તે 1921માં પાંચ ભાગમાં પ્રકાશિત થયેલી. આજે તેની પરિષ્કૃત આવૃત્તિ 1979માં દસ ભાગમાં પ્રાપ્ય છે. ગિજુભાઈની કહેવાતી આ કથાઓ, હકીકતે તેમની મૌલિક કથાઓ નથી, પણ તેમણે સાંભળેલી-જાણેલી-ભેગી કરેલી કથાઓને બાલભોગ્ય લેખિત સ્વરૂપ તેમણે આપ્યું હોઈ તે કથાઓ સાથે તેમનું નામ જોડાઈ ગયું છે. લોકકથાઓના સહારે જ આ બાલકથાઓ દ્વારા બાલમાનસઘડતરનું અને તેમને મનોરંજન પૂરું પાડવાનું સુંદર કાર્ય તેમણે કર્યું. આ વિશાળ સાહિત્ય-સંદર્ભે જ કાકાસાહેબે તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને બિરદાવેલા. તેમના બાલકેળવણી અને સાહિત્યના ક્ષેત્રના પાયાના સત્ત્વશીલ કાર્યને કારણે 1929નો ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયેલો.
આ ઉપરાંત ‘વસંત’ અને ‘જ્ઞાનસુધા’માં ‘વિનાયક’ નામે છપાયેલાં કાવ્યો, વાર્તાઓ; ‘દક્ષિણામૂર્તિ’, ‘શિક્ષણ-પત્રિકા’, ‘છાત્રાલય’, ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’ વગેરેમાં છપાયેલા, પણ ગ્રંથસ્થ નહિ થયેલા લેખો અને પત્રોનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઈએ. તેમનાં પંદર પુસ્તકોનાં હિન્દી ભાષાંતરો થયાં છે. ‘દિવાસ્વપ્ન’નું તો મરાઠી અને અંગ્રેજી ભાષાંતર પણ થયું છે. ગિજુભાઈમાં ઉત્તમ પ્રકારની રાષ્ટ્રીય ભાવના ભરી પડી હતી. તેમનું જીવન ગાંધીજીના રાષ્ટ્રીય વિચારોથી પરિપ્લાવિત હતું. તેમના વિચારોમાંથી અક્ષરજ્ઞાન યોજનાઓ, બાલવાડી અને ક્રીડાંગણની યોજનાઓ આવી. વાનરસેના અને વાનરપરિષદોનો વિચાર તેમણે અસહકારના આંદોલન દરમિયાન આપેલો. તેમની વિસ્તરણસેવાની પ્રવૃત્તિઓ પંજાબ, સિંધ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કચ્છ અને અનેક સ્થળો સુધી દૂર દૂર વિસ્તરી હતી. એક રાષ્ટ્રીય ભાવનાવાળા શિક્ષક તરીકેનું તેમનું આ પ્રદાન ખૂબ જ મૂલ્યવાન હતું.
બાલશિક્ષકો અને બાલહિતચિંતકો તૈયાર કરવાનું ગિજુભાઈએ મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે પોતાના જ્ઞાનદીપથી અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા. તારાબહેન મોડક, મોંઘીબહેન બધેકા, નર્મદાબહેન રાવળ, ચંદુભાઈ ભટ્ટ, રામનારાયણ નાગરદાસ પાઠક, નરેન્દ્ર બધેકા, વિમુબહેન બધેકા, શેષ નામલે, સોમાભાઈ ભાવસાર, વજુભાઈ દવે, મૂળજીભાઈ ભગત, ભોગીભાઈ પારેખ, સરલાદેવી સારાભાઈ, યશસ્વતીબહેન ભટ્ટ, વીરસૂત મહેતા, કાશીનાથ ત્રિવેદી, તેમાં મુખ્ય ગણાય. નૂતન બાલશિક્ષણના દ્રષ્ટા અને પ્રવર્તક તરીકે ગિજુભાઈનું પ્રદાન ચિરંજીવ છે.
જયંતીલાલ ધારશીભાઈ ભાલ
શ્રદ્ધા ત્રિવેદી