બડે ગુલામઅલીખાં (જ. 1902, લાહોર; અ. 23 એપ્રિલ 1968, હૈદરાબાદ) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ પતિયાલા ઘરાનાના મશહૂર ગાયક. પિતાનું નામ અલીબક્ષ. તેમની પરંપરા પતિયાલા ઘરાનાના સંગીતજ્ઞોની હતી. શરૂઆતમાં પાંચ વર્ષની વયથી બડે ગુલામ અલીખાંએ પોતાના કાકા કાલેખાં પાસેથી સંગીતની તાલીમ લીધી. પછી પોતાના પિતા પાસે શીખવા લાગ્યા. શરૂઆતમાં ભરણપોષણના સાધન તરીકે તેઓ સારંગી વગાડતા, છતાં કંઠ્યસંગીતનો રિયાઝ ચાલુ રાખ્યો હતો. તેમના ત્રણ ભાઈઓ બરકત અલી, મુબારક અલી અને અમીન અલી હતા. મુંબઈમાં ઉસ્તાદ સિંધીખાં પાસે ગાયનની તાલીમ મેળવ્યા પછી પિતા પાસે ફરી લાહોર આવ્યા. તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ કલકત્તા સંગીત સંમેલનમાં થયો. ત્યારથી તેમને ખ્યાતિ મળવા લાગી.
1947માં ભારતનું વિભાજન થયા પછી તેઓ પાકિસ્તાનમાં કરાંચી ખાતે રહેવા લાગ્યા. તે દરમિયાન સંગીત સંમેલનોમાં ભાગ લેવા ક્યારેક ભારત આવતા. કરાંચીમાં તેમને ગમ્યું નહિ એટલે ફરી મુંબઈ આવ્યા.
સંગીત નાટક અકાદમી તરફથી તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ તથા સરકાર તરફથી ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયા હતા. તેમની છ એલ.પી. રેકર્ડ અને બે કેસેટ બહાર પડી છે.

બડે ગુલામઅલીખાં
ખાંસાહેબ સ્વભાવથી જેટલા સરળ અને મિલનસાર હતા એટલા જ ધૂની પણ હતા. ગાયન એ જ એમનું એકમાત્ર વ્યસન હતું. ગાતાં ગાતાં તેઓ પ્રયોગો પણ કરતા. કઠિનમાં કઠિન એવા સ્વરસમૂહો સરળતાથી લઈ સ્વરો પરનું તેમનું નિયંત્રણ સિદ્ધ કરતા. કઠિનમાં કઠિન સરગમો બહુ જ સહજતાથી, સુલભતાથી રજૂ કરતા. પોતાની અદ્વિતીય કળાથી સ્વરોને ફેરવવાની કુશળતા તેમનામાં હતી. પંજાબ અંગની ઠૂમરીમાં તેઓ સિદ્ધહસ્ત ગણાતા હતા અને તેને લોકપ્રિય બનાવવામાં તેમણે મોટો ફાળો આપ્યો.
મોટી મોટી મૂછો, કુરતો, બંધ મોરાનો પાયજામો, રામપુરી કાળી ટોપી – એવા પહેરવેશથી તેમનો કદાવર દેહ પહેલવાન જેવો શોભતો હતો. પરંતુ ગાયકીમાં અને બોલવાચાલવામાં તેઓ તદ્દન સુકુમાર હતા. ઘરાનાને આડે રાખીને લોકો મનમાની કરે છે, અને તેથી મતમતાંતર વધે છે તેમ તેઓ માનતા હતા. તેમની ગાયકીની પરંપરાનો નિર્વાહ તેમના પછી તેમના પુત્ર મુનવ્વર અલીખાં કરી રહ્યા છે.
1960માં તેમને લકવો થયો અને આર્થિક કટોકટી ઊભી થઈ. 1961માં મહારાષ્ટ્ર સરકારે ઔષધોપચાર માટે રૂ. 5,000ની આર્થિક સહાય આપી. તબિયતમાં સુધારો થયા પછી ફરી કાર્યક્રમો થયા. અલાહાબાદ, વારાણસી, કલકત્તા, દિલ્હી, જમ્મુ-શ્રીનગર બધી જગ્યાએ સંગીત-સંમેલનોમાં નિમંત્રિત કલાકાર તરીકે ગયા હતા. આકાશવાણીના કાર્યક્રમોમાં પણ તેમના કાર્યક્રમો પ્રસારિત થયા હતા.
સંગીત નાટક અકાદમી તરફથી તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ તથા ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયા હતા.
મંદાકિની અરવિંદ શેવડે