બડાખાનકા ઘૂમટ : એક ઐતિહાસિક સ્થાપત્ય. દિલ્હીની લોદી સલ્તનત (ઈ. સ. 1451–ઈ. સ. 1526) દરમિયાન બંધાયેલ મકબરાઓમાં બડાખાનકા ઘૂમટ એક મહત્ત્વની ઇમારત છે. ચતુષ્કોણાકાર ઢાંચામાં બંધાયેલો આ મકબરો લગભગ 24 મીટરની ઊંચાઈ ધરાવે છે. અષ્ટકોણાકારના બીજા પ્રકારના મકબરાઓની સરખામણીમાં આ જાતના ચતુષ્કોણાકાર મકબરાઓનું બાંધકામ મજબૂત દીવાલોના આધાર પર કરવામાં આવતું, જેના પર બે કે ત્રણ મજલા ચણી ઉફર ઘુમ્મટનું આયોજન કરાતું. દીવાલોની વચ્ચેના ગાળામાં ભવ્ય કમાનકાર પ્રવેશ રચાતો, જેની ઊંચાઈ લગભગ ઇમારતની કુલ ઊંચાઈ પ્રમાણે જ રહેતી. ઇમારતની અંદરના આ મુખ્ય ભાગમાં પ્રવેશવાના દરવાજા રખાતા, જેની રચના સ્તંભો તથા બ્રૅકેટ (ભરણાં) દ્વારા કરાતી. અંદરના ભાગમાં એક ચોરસ આકારનો વિશાળ ઓરડો રચવામાં આવતો. એની પશ્ચિમ દિશામાં મહેરાબની ગોઠવણ કરાયેલી પણ નજરે પડે છે.

રવીન્દ્ર વસાવડા