બડે રામદાસ (જ. 31 જાન્યુઆરી 1876, વારાણસી; અ. 31 જાન્યુઆરી 1960) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. કાશીનગરીના સન્માનિત સંગીતજ્ઞોમાં તેમનું સ્થાન મહત્વનું ગણાય છે. તેમના પિતાનું નામ શિવનંદન તથા માતાનું નામ ભગવંતીદેવી. ભાસ્કરાનંદ સ્વામીના શુભાશીર્વાદથી આ પ્રતિભાવાન પુત્રનો જન્મ થયો એવી લોકવાયકા છે. તેમને સંગીતના પાઠ બાલ્યકાલમાં પિતા પાસેથી મળ્યા. પિતા ધ્રુપદ-ધમારના તો સારા ગાયક હતા જ, પરંતુ બીજી ગાયનશૈલીમાં પણ નિપુણ હતા. લગભગ પચીચ વર્ષ સુધી તેઓ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરતા રહ્યા. તે સિવાય હિન્દી, ઉર્દૂ અને ફારસીનું જ્ઞાન પણ તેમણે પ્રાપ્ત કર્યું. તેમના સસરા જયકરન પણ એક સારા ગાયક હતા. તેમની પાસેથી પણ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત પોતાના મામાના દીકરા પાસેથી ગાયન ઉપરાંત નૃત્યશિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. ધીરે ધીરે તેમની ખ્યાતિ ફેલાવા લાગી.

બડે રામદાસ

બડે રામદાસને 1908માં 32 વર્ષની ઉંમરે નેપાલનરેશ તરફથી નિમંત્રણ મળ્યું. બે વાર તેઓ ત્યાં ગયા અને ધન સાથે પ્રશંસા પણ મેળવી. રામપુર, ઉદયપુર, ગ્વાલિયર, ઇન્દોર, કાશ્મીર, દરભંગા વગેરે રિયાસતો તથા અલાહાબાદ, પટણા, ભાગલપુર, કાનપુર, લખનૌ, દિલ્હી, મુંબઈ વગેરે પ્રમુખ શહેરોમાં તેમણે પોતાના ગાયનથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા.

બડે રામદાસ એક સારા વાગ્ગેયકાર તરીકે ઓળખાતા. તેમની ઘણી બંદિશો જેની શબ્દરચના અને સ્વરરચના તેમણે પોતે કરી છે, તે આજે પણ ગવાય છે. તેમનો કંઠ સૂરીલો અને ઊંચો હતો. તે જમાનામાં માઇક વગર મોટો જનસમુદાય તેમનું ગાયન સહજતાથી સાંભળી શકતો હતો. ‘ચતુરસ્ત્ર’ ગાયક તરીકે તેમની પ્રતિષ્ઠા હતી. ધ્રુપદ, ધમાર, ખ્યાલ, ઠૂમરી, ટપ્પા, દાદરા, ચૈતી, કજરી, હોરી જેવા અનેક ગાયનપ્રકારો તેઓ સુંદર રીતે મુદ્રાદોષ વગર રજૂ કરતા હતા. ગાતી વખતે પોતે આનંદિત થઈ શ્રોતાઓને પણ રીઝવતા હતા. લય-તાલના તેઓ ખૂબ માહેર હતા; અપ્રચલિત રાગ કે તાલનો પ્રયોગ નિર્ભયતાથી તેમજ સરલતાથી કરી શકતા હતા. પોતાના શિષ્યોને કોઈ પણ કસર રાખ્યા વિના તેઓ જ્ઞાનદાન આપતા હતા. તેઓ ગાયનાચાર્ય તરીકે ઓળખાતા.

તેઓ કદાવર બાંધાના, ગૌરવર્ણ, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા ગાયક હતા. રેશમી અથવા જરી-કિનખાબનાં કપડાંમાં, સાફો, સુંદર શેરવાની અથવા વિલાયતી ઢંગના કોટ સાથેના પોશાકમાં તેઓ પ્રભાવશાળી લાગતા હતા.

તેઓ સ્વભાવે વિનોદી હતા. ઘોડેસવારીના તેઓ શોખીન હતા.

1926માં કાશી સનાતન વિદ્યાપીઠ દ્વારા ‘સંગીતોપાધ્યાય’, 1927માં ભારત ધર્મ મહામંડળ દ્વારા ‘સંગીતભૂષણ’ અને 1935માં હરિનામ પ્રદાયિની દ્વારા ‘સંગીતકલાનિધિ’ની પદવીઓથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા હતા.

આજનાં કાશીનાં મોટાભાગનાં ગાયક-ગાયિકાઓ બડે રામદાસજીની પરંપરામાં ઊછર્યાં છે. પુત્ર હરિશંકર મિશ્ર ઉપરાંત મહાદેવ મિશ્ર, હનુમાન મિશ્ર, જાલપાપ્રસાદ, ગણેશપ્રસાદ, ગિરિજાદેવી, સિદ્ધેશ્વરીદેવી, નન્દલાલ આ બધાં જ સંગીતકારો બડે રામદાસની પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.

મંદાકિની અરવિંદ શેવડે