બટાલવી, સજાનરાય : હિન્દુ તવારીખકાર. હિન્દુસ્તાનના દળદાર, માહિતીપૂર્ણ ઇતિહાસ ‘ખુલાસતુત્તવારીખ’માં લેખકે પોતાના વિશે જે માહિતી આપી છે તે મુજબ તેઓ બટાલાના રહેવાસી હતા. તેમણે કાબુલ અને બિજનોરનો પ્રવાસ ખેડેલો. તેમનો ખાનદાની વ્યવસાય મુનશીગીરીનો હતો. તેઓ જ્ઞાતિએ ખત્રી (ક્ષત્રિય) હતા. તેમણે આ પુસ્તકમાં પોતાનું નામ પણ લખ્યું નથી. સજાનરાયની એક બીજી કૃતિ ‘ખુલાસતુલ મકાતિબ’ અનુસાર તેમને રાયસિંઘ નામે પુત્ર હતો. તેઓ એમના યુગના મહાન વિદ્વાન મૌલાના અમાનુલ્લાહ હુસેનના મિત્ર હતા. તેમના વંશમાં કાનૂની અભ્યાસ વંશપરંપરાગત રીતે ચાલતો આવ્યો હોવાનું અનુમાન થયું છે.

સજાનરાયે ઈ. સ. 1698 (હિ. સ. 1110) સુધીમાં શાહી નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમની ઉપર્યુક્ત ઉપલબ્ધ કૃતિઓમાંથી ‘ખુલાસતુત્તવારીખ’ લેખનકળા અને ગદ્યશૈલી માટે ઉત્તમ છે. તેમની બીજી કૃતિ ‘ખુલાસતુલ મકાતિબ’ પોતાના વહાલા પુત્ર રાયસિંઘ માટે લખાયેલી છે.

હિન્દુ ઇતિહાસકારો દ્વારા લખાયેલા ઇતિહાસોમાં ‘ખુલાસતુત્તવારીખ’નું આગવું સ્થાન છે.

‘ખુલાસતુત્તવારીખ’ પ્રાચીન કાળથી માંડી ઔરંગઝેબના સિંહાસનગ્રહણ સુધીની ઘટનાઓ પર આધારિત છે. આરંભમાં એક સરસ જ્ઞાનપૂર્ણ પ્રસ્તાવના છે, જેમાં લેખકે 27, 28 પુસ્તકોની યાદી આધારભૂત સાધનો તરીકે આપી છે, જે સંપાદન વખતે લેખકની નજર સમક્ષ હતી. આ ઇતિહાસકૃતિના સંપાદનમાં લેખકને બે વર્ષનો સમય લાગ્યો હતો અને ઈ. સ. 1695 (હિ. સ. 1107) પૂર્ણ થઈ હતી. આમાં સૌપ્રથમ હિન્દુઓની શ્રદ્ધાઓનો અને તેમના વિવિધ સંપ્રદાયોનો નિર્દેશ છે. કેટલાંક નગરોની વિસ્તારપૂર્વક વિગતો છે. હિન્દુસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિના નિરૂપણ ઉપરાંત તેમાં યુધિષ્ઠિરથી લઈ ઇસ્લામ યુગ સુધીના હિન્દુ રાજાઓનો ઉલ્લેખ છે. હિન્દુ યુગનું વર્ણન આ ઇતિહાસનો 13 ભાગ રોકે છે. ત્યારબાદ સુબુક્તગીનથી માંડી બહલૂલ લોધી સુધીનો રાજકીય ઇતિહાસ અપાયો છે. છેલ્લે એમાં બાબરથી લઈ ઔરંગઝેબ સુધીના મુઘલ સમ્રાટોનો વિસ્તારપૂર્વક અહેવાલ છે. જોકે શાહજહાંના સમયનો ઇતિહાસ ઘણો જ ઓછો છે. લેખકે વાચકોનું ધ્યાન શાહજહાંના અનુગામીઓ તરફ દોર્યું છે. શાહજહાંના પુત્રો વચ્ચે રાજગાદી માટે જે યુદ્ધો ખેલાયાં એનો અહેવાલ સવિસ્તર આપ્યો છે.

લેખક પંજાબના વતની હોઈ લાહોર સૂબાનો અથવા પંજાબનો અહેવાલ વધારે વિસ્તારપૂર્વક આપ્યો છે. મુઘલો પહેલાં જે સુલતાનો થઈ ગયા તેમનો અહેવાલ પ્રમાણમાં ઘણો જ ઓછો છે અને તે બહુ વિશ્વસનીય નથી. જોકે શેરશાહ સુધીનો અહેવાલ આપવામાં લેખકે  પોતાના સ્વતંત્ર મતનો પરિચય કરાવ્યો છે. ગઝનવી સુલતાનોમાંથી માત્ર સાત સુલતાનોનો ઉલ્લેખ કર્યો છે.

લેખકે આ ઇતિહાસમાં ગદ્ય સાથે પદ્યનો ઉપયોગ છૂટથી કર્યો છે. ઐતિહાસિક ઘટનાઓના લખાણ વચ્ચે કેટલીક બિનઐતિહાસિક બાબતો પણ આવી જાય છે. જોકે જ્ઞાન માટે તે ઉપયોગી છે.

આશ્ચર્યજનક વાત એ છે કે આ પુસ્તકમાં કેટલીક વાર એવાં વર્ણનો આવે છે કે જેનો સંબંધ ઘણા પછીના સમય સાથે હોય. દા.ત., બ્રિટિશ સરકારનો અને કલકત્તાની ઇમારતોનો ઉલ્લેખ વગેરે. એવું લાગે છે કે આ વિષયો પાછળથી આમાં ઉમેરાયા હશે.

‘ખુલાસતુત્તવારીખ’ની બે પુરવણીઓ છે તેમાંથી એક જયકિશનદાસ મહેરાની છે અને બીજી કોઈ અજાણ લેખકની છે.

આ પુસ્તક હિન્દુસ્તાનનાં ઉત્તમ ઐતિહાસિક પુસ્તકોમાંનું એક છે. સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના ઘણાબધા સંકેતો એમાં મળી આવે છે.

સજાનરાયની શૈલી સાદી નથી અને આ યુગના સામાન્ય ઇતિહાસકારો અને મુનશીઓની જેમ એમનાં લખાણોમાં પણ અઘરા શબ્દો જોવા મળે છે. ‘ખુલાસતુત્તવારીખ’ અને ‘ખુલાસતુલ મકાતિબ’માં ભાષાર્દષ્ટિએ કેટલુંક સામ્ય પણ જોવા મળે છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ