બટાટ્યાચી ચાળ : મરાઠીના અગ્રગણ્ય લેખક પુ. લ. દેશપાંડેની હાસ્યકૃતિ. તેમાં મુંબઈની ચાલીઓમાં રહેનારા લોકોના જીવનનું રમૂજપ્રેરક આલેખન છે. એમના જીવનનાં વિવિધ પાસાં, એમના સંઘર્ષો, એમનાં વર્તન-વલણમાં હાસ્યની જે સામગ્રી હતી તે સર્વનો એમાં વિનિયોગ થયો છે. લેખકના જીવનનાં શરૂઆતનાં વર્ષો ચાલીમાં વીતેલાં. તે સમયે એમણે જે અનુભવ કર્યા, નિરીક્ષણ કર્યું તે સર્વનો લાભ આ કૃતિમાં લેવાયો છે. એમાં એમની ઊંચા પ્રકારની હાસ્યલેખક તરીકેની શક્તિ ર્દષ્ટિગોચર થાય છે.

આ કૃતિમાં પ્રસંગની આરપાર જોવાની લેખકની સૂક્ષ્મ ર્દષ્ટિનો પરચો મળે છે. એવી ર્દષ્ટિના કારણે મરાઠી હાસ્યરસની રચનાઓમાં તે અગ્રિમ સ્થાને છે. એમાંનાં ચિત્રાંકનોમાં વાસ્તવિક અને કાલ્પનિક બંને પ્રકારનાં પાત્રોનું સંમિશ્રણ છે. એ પાત્રો એમની આલેખનની કુશળતાને કારણે ઠઠ્ઠાચિત્રો જેવાં નિરૂપાયાં છે. એમાંનું હાસ્ય નિર્દંશ છે.

આ કૃતિને આધારે લેખકે રંગમંચ પર એકપાત્રી અભિનય કર્યો જેના સેંકડો પ્રયોગો થયા. ‘બટાટ્યાચી ચાળ’ એ આમ હાસ્યરસના નિબંધો હોવા છતાં નાટક તરીકે પણ અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરવાની ક્ષમતા દાખવી ચૂકેલી રચના પણ છે. તેથી પુ. લ. દેશપાંડેને હાસ્યલેખક તેમજ ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે પણ ઘણો યશ મળ્યો છે.

ચન્દ્રકાન્ત મહેતા