બટલર, સૅમ્યુઅલ (જ. 1612, સ્ટ્રેન્શામ, વૉર્સેસ્ટર્શાયર, ઇંગ્લડ; અ. 1680) : અંગ્રેજ કટાક્ષકાર. સ્ટ્રેન્શામની જ એક કથીડ્રલ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લેવાનું શક્ય નહિ બન્યું. આમ છતાં તેમનાં લખાણો તેમજ એવા અન્ય પુરાવા જોતાં નિ:શંક રીતે કહી શકાય કે તેઓ વિદ્વાન હતા. આયુષ્યનાં મોટાભાગનાં વર્ષો દરમિયાન પ્રતિષ્ઠિત એવી જાહેર યા ખાનગી વ્યક્તિઓનાં ઘરોમાં વિશાળ કારોબાર સંભાળવાની વિવિધ પ્રકારની વહીવટી કામગીરી તેમણે બજાવી હતી. મોટા લોકનાં ઘરોમાં આવી કામગીરી બજાવતાં જ બટલરને તેમની અત્યંત યશસ્વી કથનાત્મક કટાક્ષ-કાવ્ય માટેની પાયારૂપ સામગ્રી હાથ લાગેલી. જુદા જુદા તાલુકા મૅજિસ્ટ્રેટોના ક્લાર્ક તરીકે પણ તેમણે કામ કરેલું; એટલું જ નહિ, સર સૅમ્યુઅલ લ્યુક જેવા પ્રખર શુદ્ધિવાદી (puritan) ન્યાયાધીશને ત્યાં પણ કામ કર્યું હતું. આ જહાલ શુદ્ધિવાદી માલિકને ત્યાં રહીને જે શુદ્ધિવાદી રીતરસમો અને વ્યવહાર અપનાવેલાં એ જ શુદ્ધિવાદી રીતભાતો, જીવનશૈલી અને ખુદ શુદ્ધિવાદ(puritanism)ને નિશાન બનાવી આકરા વ્યંગાત્મક પ્રહાર કરતું કટાક્ષ-કાવ્ય (satire) ‘હુડિબ્રાસ’ તેમણે રચ્યું. તેનો પ્રથમ ભાગ 1662માં, બીજો 1663, અને ત્રીજો પંદર વર્ષ બાદ 1677માં પ્રકાશિત થયો હતો. બટલરના જીવન વિશે જે વિગતો સુલભ છે તેમાંની કેટલીક તો વિરોધાભાસી પણ લાગે છે. આમ છતાં બટલર પોતે કંઈક ખિન્ન અને કઠોર પ્રકૃતિના હતા એવું આધારભૂત રીતે કહી શકાય. એમના સર્જનમાં પણ એ હકીકત જણાઈ આવે છે. બટલરે તેમની એકમાત્ર વિખ્યાત પદ્યરચના ‘હુડિબ્રાસ’ ઉપરાંત કેટલાંક લઘુકાવ્યો લખ્યાં છે; જેમાં ‘ધી એલિફંટ ઍન્ડ ધ મૂન’, તેમજ ‘ક્લૉડે ડુવાલ’ જેવાં સંબોધન-કાવ્યનો ઉલ્લેખ કરી શકાય; પરંતુ અંગ્રેજી પદ્યસાહિત્યના ઇતિહાસમાં અને એમાંયે વિશેષે કથનાત્મક કટાક્ષ-કાવ્યના ઇતિહાસમાં, બટલરની ચિરસ્થાપી કીર્તિ તેમની અત્યંત વિશિષ્ટ પદ્યકૃતિ ‘હુડિબ્રાસ’ પર નિર્ભર રહી છે.
પોતાના આ દીર્ઘ કટાક્ષ-કાવ્યના નાયકનું નામ બટલરે તેમના મહાન પુરોગામી અને એલિઝાબેથન યુગના પ્રતિનિધિરૂપ કવિ સ્પેન્સરના પ્રખ્યાત રૂપક-કાવ્ય ‘પરીરાણી’(The Faerie Queene) માંથી લીધું છે. સ્પેન્સર અને મિલ્ટનની જેમ બટલર પણ માનતા હતા કે કોઈ પણ દીર્ઘ પદ્યરચનામાં ‘રૂપકાત્મક અર્થ’ (allegorical meaning) અપેક્ષિત હોય જ. સ્પેન્સરની ઉપર્યુક્ત રચનામાં પ્રત્યેક સુભટ એક યા બીજા માનવીય સદગુણનું પ્રતિનિધિત્વ કરે છે. એમ (પણ એથી ઊલટું), બટલરનો નાયક ‘સર હુડિબ્રાસ’ મૂળભૂત માનવીય નિર્બળતાઓમાંની કોઈ એકનું પ્રતિનિધિત્વ કરતો નિરૂપાયો છે. જૉન ડેનિસ કહે છે તેમ, ‘હુડિબ્રાસ’, ‘દાંભિકતા’ પર પ્રહાર કરતું કટાક્ષ-કાવ્ય છે. સમગ્ર રચનામાં દંભ–દાંભિકતા પર વ્યંગનાં તાતાં તીર સતત છૂટતાં જ રહે છે. વિચાર અને આચાર, કહેણી અને કરણી વચ્ચેના ભેદને બટલરે જાણે ઘેરી લાલ લીટી ખેંચીને અનાવૃત કર્યો છે. મિત્રો, સંબંધીઓ, પરિચિતો, પક્ષો, માલિકો વગેરે સૌ બટલરના તીક્ષ્ણ વ્યંગના શિકાર બને છે ખરા, પરંતુ અંગત રાગદ્વેષ, અસૂયા કે પૂર્વગ્રહ તેના વ્યંગ-ચાબખાનાં ચાલક બળ નથી બન્યાં એ હકીકત આ અત્યંત યશસ્વી કટાક્ષ-કાવ્યની આગવી વિશિષ્ટતા અને ગુણવત્તાની દ્યોતક છે. દસ હજાર અષ્ટાક્ષરી પંક્તિઓ ધરાવતી આ વ્યંગાત્મક પદ્યરચનાના કથાવસ્તુની પ્રેરણા સર્વેન્તિસની જગવિખ્યાત કૃતિ ‘ડૉન કિહોટે’માંથી લીધેલ છે; પરંતુ કૃતિનું હાર્દ યા પ્રાણ નિ:શંક રીતે સદંતર મૌલિક છે.
મહેન્દ્ર અમીન