બટલર, નિકોલસ (જ. 2 એપ્રિલ 1862, ન્યૂ જર્સી; અ. 7 ડિસેમ્બર 1947, ન્યૂયૉર્ક) : ઉત્તર અમેરિકાના તત્વજ્ઞાનના પ્રોફેસર અને 1931ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. છેલ્લાં પિસ્તાળીસ વર્ષ સુધી કોલમ્બિયા યુનિવર્સિટીના કુલપતિ હતા. કોલમ્બિયા યુનિવર્સિટીની કોલમ્બિયા કોલેજમાંથી તેઓ સ્નાતક થયા હતા. પછીથી ત્યાં તેઓ ફેલો બન્યા. 1884માં તેઓ ફિલૉસોફી(તત્વજ્ઞાન)માં પીએચ. ડી. થયા.

નિકોલસ બટલર

આમ ઉપાધિ મેળવ્યા પછી તેઓ પૅરિસ અને બર્લિન ખાતે અભ્યાસ માટે એકાદ વર્ષ રહ્યા હતા. શરૂઆતમાં તેઓ કોલમ્બિયા યુનિવર્સિટીમાં જ મદદનીશ પ્રોફેસર તરીકે નિમાયા. 1901માં તેઓ તત્ત્વજ્ઞાન અને શિક્ષણના પ્રોફેસર નિમાયા. સાથોસાથ તે યુનિવર્સિટીના પ્રમુખ પણ બન્યા. તેમના પ્રયાસો વડે કોલમ્બિયા કૉલેજ યુનિવર્સિટી બની. યુવાવયમાં તેમણે અમેરિકન શિક્ષણપ્રથાની ધારદાર ટીકા કરી. ઇન્ડસ્ટ્રિયલ એજ્યુકેશન એસોસિયેશનની તેમણે સ્થાપના કરી અને શિક્ષણસુધારા સૂચવ્યા. પરિણામે તેમના પ્રયાસોથી ન્યૂયૉર્કમાં એજ્યુકેશન કૉલેજ સ્થપાઈ, જ્યાં શિક્ષકોને પાયાના શિક્ષણ માટે તાલીમ આપવાનું શરૂ થયું. શિક્ષણમાં અમલમાં આવેલ સુધારાઓનો તેમણે વિરોધ કર્યો. વ્યવસાયલક્ષી અને વર્તણૂકલક્ષી શિક્ષણવ્યવસ્થા સામે તેમણે આક્રોશ કર્યો, અને દેશની ભવ્ય પરંપરાને શિક્ષણના મૂળમાં જીવંત રાખવા અવાજ ઉઠાવ્યો. આંતરરાષ્ટ્રીય સમજના તેમને ચૅમ્પિયન ગણવામાં આવતા. કાર્નેગીની મદદથી તેમણે કાર્નેગી એન્ડાઉમેન્ટ ઑવ્ ઇન્ટરનેશનલ પીસ નામે ઊભી કરેલ સંસ્થા દ્વારા વિશ્વના દેશો વચ્ચે શાંતિની ધરી ઊભી કરવા નોંધપાત્ર કામ કર્યું. તેમના આ કાર્ય માટે 1931માં તેમને શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું, જેમાં તેમનાં સહભાગીદાર, આંતરરાષ્ટ્રીય મુક્તિ અને શાંતિ માટે સ્ત્રીઓની દેણગી નામક સંસ્થાનાં પ્રમુખ અને ગરીબો–પીડિતો અને શહેરની ગંદકીભરી (સ્લમ) વસાહતો માટે કામ કરનાર જેઇન ઍડમ્સ (1860–1935) હતાં.

પુષ્કર ગોકાણી