બટલિન, બિલી (જ. 1899, દક્ષિણ આફ્રિકા; અ. 1980) : હૉલિડે કૅમ્પના આદ્ય પ્રણેતા. પોતાનાં માતાપિતા સાથે તે કૅનેડામાં વસવાટ કરવા ગયા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવી. પછી 5 પાઉન્ડ જેટલી મામૂલી મૂડી ગજવામાં નાખી ઇંગ્લૅન્ડ જવા નીકળી પડ્યા, ત્યાં એક આનંદમેળા(‘ફન-ફેર’)માં થોડો વખત નોકરી કરી અને તે પછી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.

1936માં તેમણે સ્કેગનેસ ખાતે પોતાનો સર્વપ્રથમ હૉલિડે કૅમ્પ શરૂ કર્યો; ત્યારબાદ ક્લૅક્ટન અને ફાઇલે ખાતે બીજા કૅમ્પ પણ શરૂ કર્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, પુરવઠા મંત્રાલય માટે ડિરેક્ટર-જનરલ ઑવ્ હૉસ્ટેલ્સ તરીકે તેમણે કામગીરી બજાવી. યુદ્ધ પછી વધુ કૅમ્પ અને હોટેલ ખોલ્યાં અને દેશવિદેશમાં તેની સાંકળ વિસ્તરતી ગઈ.

1964માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી