બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ લગભગ 3.5 મી. લાંબું હોય છે અને 1.0થી 1.2 મી.નો ઘેરાવો ધરાવે છે. તેની છાલ ઘેરી ભૂખરી અને ઊભી છીછરી તિરાડોવાળી હોય છે. પર્ણો 20 સેમી.થી 50 સેમી. લાંબાં અયુગ્મ એકપીંછાકાર (imparipinnate) કે દ્વિ કે ત્રિ-પીંછાકાર સંયુક્ત પ્રકારનાં હોય છે. પર્ણિકાઓ 3થી 13, 1.5 – 6.5 × 1.2 સેમી. અંડાકાર કે ભાલાકાર હોય છે અને તેમની કિનારી દંતુર (serrate) હોય છે. પુષ્પવિન્યાસ 7થી 25 સેમી. લાંબો, કક્ષીય (axillary), લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો હોય છે. પુષ્પ નીલવર્ણાં અને સુગંધિત હોય છે. પુષ્પનિર્માણ ઉનાળામાં થાય છે અને ફળો ઠંડી આબોહવામાં પાકાં બને છે. ફળ ઉપવલયી-ગોળાકાર (ellipsoid-globose), અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે અને 4થી 5 બીજ ધરાવે છે.
તે પશ્ચિમ એશિયાનું મૂલનિવાસી છે અને ગરમ દેશોમાં બધે જ કુદરતી રીતે થાય છે. ભારતમાં છાયાવૃક્ષોવાળો માર્ગ (avenue) બનાવવા અને શોભન વનસ્પતિ તરીકે મેદાનોમાં ઉગાડવામાં આવે છે. કૉફી અને ચાના બગીચાઓમાં પણ તે છાંયડા માટે વાવવામાં આવે છે. તે ઠંડી આબોહવા કડવા લીમડા કરતાં વધારે સહન કરી શકે છે. વનીકરણ(afforestation)ના હેતુ માટે તે ખૂબ યોગ્ય વનસ્પતિ છે.
આ વૃક્ષનું કાષ્ઠ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. રસકાષ્ઠ (sapwood) પીળાશપડતું સફેદ અને અંત:કાષ્ઠ (heartwood) લાલ રંગનું હોય છે અને તેની ઉંમર વધતાં લાલાશપડતું બદામી બને છે. તે સખત અને મધ્યમસરનું ભારે (વિ.ગુ., 0.56; વજન 560થી 1,020 કિગ્રા./ઘમી.), ટકાઉ અને ચમકીલું હોય છે. તેનું સંશોષણ (seasoning) સારી રીતે થઈ શકે છે અને પ્રતિરોધી (antiseptic) ચિકિત્સાની આવશ્યકતા રહેતી નથી. તે ઊધઈના આક્રમણનું અવરોધક છે. સાગના કાષ્ઠના સંદર્ભમાં તેના ગુણધર્મો (ટકાવારીમાં) આ પ્રમાણે છે : વજન 85; પાટડાનું સામર્થ્ય (strength) 75, પાટડાની દુર્નમ્યતા (stiffness) 70; સ્તંભની ઉપયુક્તતા (suitability) 70; આઘાત-અવરોધક ક્ષમતા 155; આકારની જાળવણી 60; અપરૂપણ (shear) 125; ર્દઢતા (hardness) 75.
તેના કાષ્ઠનો ઉપયોગ રમકડાં, સિગાર અને દારૂગોળાની પેટીઓ, સંવેષ્ટન (packing) અને સંગ્રહાલયનાં ખોખાં, કૃષિનાં સાધનો, છાપરાં અને ખેલકૂદનાં સાધનો બનાવવામાં થાય છે. તે ફર્નિચર, પ્લાયવુડ, ખરાદીકામ (turnery) અને સંગીતનાં સાધનો બનાવવામાં તેમજ બળતણ તરીકે ઉપયોગી છે. તેનું કૅલરિફિક મૂલ્ય 5.043થી 5.176 કૅલરી છે.
તેનાં પર્ણો કડવા લીમડાની સરખામણીમાં ઓછાં કડવાં હોવાથી તેનો ઘાસપાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે લીલા ખાતર તરીકે પણ વપરાય છે.
પર્ણો, છાલ અને ફળો કીટપ્રતિકર્ષી (insect-repellent) ગુણધર્મ ધરાવે છે. તેથી તેમનો પુસ્તકમાં કે ઊનનાં કપડાંમાં કીટકોથી રક્ષવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તીતીઘોડા અને તીડ સામે વનસ્પતિઓનું રક્ષણ કરવા માટે આ વૃક્ષનાં સૂકાં પર્ણો(2 %થી 5 %)ના ક્વાથનો છંટકાવ કરવામાં આવે છે. તેનાં અંગોમાં મેલિયેટિન નામનું કીટપ્રતિકર્ષી ઍલ્કેલૉઇડ આવેલું હોય છે.
ફળની છાલ ખરાબ ગંધ ધરાવે છે અને તેનો સ્વાદ વમનકારી (nauseating) હોય છે. બકાયાનિન નામના રસાયણને લીધે આ કડવાશ હોય છે. તે 1/10,000ની મંદતાએ પણ કડવાશ દર્શાવે છે. તે ઍઝેરિડીન (માર્ગોસિન) નામનું ઍલ્કેલૉઇડ, બદામી રંગની રાળ, કડવાશરહિત ઍસિડિક પદાર્થ, સ્ટૅરોલ અને ટૅનિન ધરાવે છે. તેનાં ફળ મનુષ્ય અને પ્રાણીઓ માટે વિષાળુ ગણાય છે.
આયુર્વેદ અનુસાર તે શીતળ, કષાય, તીખો, કડવો, તૂરો, ગ્રાહક, વૃષ્ય, લઘુ, રુક્ષ, જંતુઘ્ન, કફ-પિત્તશામક, અનુલોમી, વેદના-શામક, રક્તશોધક, ગર્ભાશય-સંકોચક, વ્રણશોધક અને વ્રણરોપક છે. તે દાહ, કફ, વ્રણ, વિષમજ્વર, પિત્ત, કૃમિ, હૃદયવ્યથા, સર્વ પ્રકારના કોઢ, ઊલટી, પ્રમેહ, વિષૂચિકા, ઉંદરનું વિષ, ગુલ્મ, શીતપિત્ત, કંઠરોગ, અર્શ અને દમનો નાશ કરે છે. તેનો જંતુઘ્ન ઔષધ તરીકે ઉપયોગ થાય છે.
તેના કેટલાક આયુર્વેદિક ઉપયોગો આ પ્રમાણે છે :
(1) રાંઝણમાં તેના મૂળની છાલનું ચૂર્ણ વાપરવામાં આવે છે. 10 ગ્રામ મૂળની છાલ પાણીમાં વાટી, ગાળીને પીવાથી રાંઝણ મટે છે.
(2) તેનાં બીજની લૂગદી આંખ પર મૂકવાથી પિત્તને કારણે આવેલી આંખ સારી થાય છે.
(3) તેનાં ફળ નંગ 6 લઈ 50 ગ્રામ ચોખાના પાણી સાથે વાટવામાં આવે છે અને પછી 25 ગ્રા. ઘીમાં ઘૂંટીને પીવાથી જૂનો પ્રમેહ મટે છે.
(4) તેનું મીંજ, સિંધવ, હિંગ, ઇંદ્રજવ અને કરંજપત્ર બધાં સરખા વજને લઈ ચૂર્ણ બનાવવામાં આવે છે; જે દહીંના મઠા સાથે પીવાથી અર્શ મટે છે.
(5) તેની છાલ થોડી માત્રામાં કટુ, પૌષ્ટિક, ગ્રાહી, જ્વરઘ્ન અને કૃમિઘ્ન હોય છે. તે બાળકોના ગોળ કૃમિમાં અને મોટા માણસોનાં જ્વર, અજીર્ણ, અશક્તિ, કમળો, ગલગંડ, ગૂમડાં અને કુષ્ઠમાં ઉપયોગી થાય છે.
(6) તેનાં ફૂલની લૂગદી કરી માથામાં લગાડવાથી જૂ મટે છે.
(7) તેનાં ફૂલ અને પાન વાતજન્ય શિરદર્દમાં બાંધવામાં આવે છે.
(8) તેની છાલ, ધમાસો અને કાસનીનાં બીજ 10-10-10 ગ્રા. લઈ તેમને 100 ગ્રા. પાણીમાં પલાળવામાં આવે છે. તેને મસળી અંને ગાળીને બે વખત પીવાથી લાભ થાય છે.
આ ઉપરાંત તેનો કૂતરાનું વિષ ઉતારવામાં, ગૃધ્રસી વાયુમાં ભેંસની ઝાર (ઓર) પાડવામાં અને ઉદરકૃમિજન્ય તાવમાં ઉપયોગ કરવામાં આવે છે.
તેનાં બીજ વધારે પ્રમાણમાં લેવાથી માદક અસર કરે છે. તેની છાલ અને ફૂલ ઓછાં માદક હોય છે. તેનાં તાજાં પાન હાનિરહિત હોય છે.
મ. ઝ. શાહ
આદિત્યભાઈ છ. પટેલ
બળદેવભાઈ પટેલ