બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ જાય છે આ રીતે ‘ફના’માં એક બાજુ સાધકનું અસ્તિત્વ, તેનો અહંભાવ ચાલ્યો જાય છે અને બીજી બાજુ ‘બકા’માં ‘સ્વાત્મ’ના મૃત્યુની પૂર્ણાહુતિ પરમાત્મામાં શાશ્વત જીવનની પ્રાપ્તિ સાથે થાય છે. હવે સાધક કેવળ પરમાત્માના એકત્વનું ધ્યાન કરતો કરતો ઉલ્લાસપૂર્વક પોતાના પાછલા ગુણોને શુદ્ધ અને દિવ્ય રૂપે અર્જિત કરીને ‘પરમાત્મામાં વાસ’ કરવા લાગે છે. તેનું વિશુદ્ધ અસ્તિત્વ પરમસત્તાનું અંગ બનીને રહ્યા કરે છે. એને ‘શાન્તાવસ્થા’ કહે છે. ‘બકા’માં આત્મા ઇચ્છારહિત થઈ જાય છે.

પ્રવીણચંદ્ર પરીખ