બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં વૃક્ષવીથિ (avenue) માટે અથવા છાયાવૃક્ષ તરીકે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. તેની છાલ ઘેરી ભૂખરી અને વિદારિત (fissured) હોય છે. તેનાં પર્ણો 6.5 સેમી.થી 11.5 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 6.0 સેમી. પહોળાં, એકાંતરિક, ઉપવલયી (elliptic) કે ઉપવલયી ભાલાકાર (elliptic lanceolate), અનુપપર્ણીય (estipulate) અને અરોમિલ (glabrous) હોય છે. પુષ્પો કક્ષીય, એકાકી અથવા 2 થી 6ના ગુચ્છમાં, નાનાં પીળાશ પડતાં સફેદ, તારાકાર અને સુગંધિત હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું અને અંડાકાર હોય છે, જેમાં સામાન્યત: એક અથવા કોઈક વાર બે બીજ હોય છે. ફળ પાકે ત્યારે પીળા રંગનું બને છે. બીજ અંડાકાર, સંકોચિત (compressed), ભૂખરાં-બદામી અને ચળકતાં હોય છે.

ભેજવાળાં સદાહરિત પશ્ચિમ ઘાટનાં જંગલોમાં તે શુષ્ક પ્રદેશો કરતાં વધારે ઘેરાવો પ્રાપ્ત કરે છે. આંદામાનમાં આ વૃક્ષો લગભગ 35 મી.ની ઊંચાઈવાળાં હોય છે અને મુખ્ય પ્રકાંડ 6.0મી. ઊંચું અને 2.5 મી.નો ઘેરાવો ધરાવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. તે માટે એક બીજને કૂંડામાં કે ટોપલીમાં વાવવામાં આવે છે અને તેના અંકુરો સામાન્ય રીતે બે વર્ષ પછી ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. આ વૃક્ષની વૃદ્ધિનો દર ધીમો હોય છે.

બકુલ : 1. પુષ્પીય શાખા, 2. ખોલેલો દલપુંજ, 3. ફળ

Fomes senex Nees & Mont. (વ્રણફૂગ, wound fungus) નામની ફૂગ, અંત:કાષ્ઠ (heart-wood) પર અસર કરે છે. Arrhenothrips ramakrishnae Hood. પર્ણપિટિકા (leaf gall) ઉત્પન્ન કરે છે.

રસકાષ્ઠ (sapwood) આછા રતાશ પડતા રંગથી માંડી બદામી સફેદ રંગનું અને અંત:કાષ્ઠ ઘેરા લાલ કે ઘેરા રતાશપડતા બદામી રંગનું હોય છે અને તેમાં વધારે ઘેરી રેખાઓ હોય છે. કાષ્ઠ લીસું, સુરેખથી માંડી છીછરું અંતર્ગ્રથિત (interlocked), દાણાદાર, સમ (even) અને સૂક્ષ્મ ગઠન પામેલું, અત્યંત સખત, મજબૂત ભારે (વિ. ગુ. 0.80થી 1.02; વજન 943.5 કિગ્રા.થી 1,193.5 કિગ્રા./ઘમી.) અને ચિરસ્થાયી હોય છે. તેનું ચિરસ્થાયિત્વ (durability) 10થી 15 વર્ષનું હોય છે. સાગના સંદર્ભમાં ઇમારતી કાષ્ઠની ઉપયુક્તતાને અનુલક્ષીને તેના ગુણધર્મો (ટકાવારીમાં) આ પ્રમાણે છે : વજન 130, પાટડાનું સામર્થ્ય (strength) 105; પાટડાની દુર્નમ્યતા 115; સ્તંભ તરીકેની ઉપયુક્તતા 100; આઘાત-અવરોધક્ષમતા 135; આકારની જાળવણી 65; અપરૂપણ (shear) 150 અને ર્દઢતા (hardness) 160.

તેના કાષ્ઠનો ઉપયોગ મકાનના બાંધકામમાં, થાંભલા, પુલ, હોડી, હલેસાં, વહાણનો કૂવાથંભ (mast), કૃષિનાં ઓજારો, ગાડાં, ફર્નિચર, ખરાદીકામ, ફ્રેમ, સંગીતનાં સાધનો અને ચાલવા માટેની લાકડી બનાવવામાં થાય છે.

પુષ્પનો દલપુંજ વેણી અને હાર બનાવવામાં અને કેટલીક વાર તકિયા ભરવામાં ઉપયોગી છે. સુકાયા પછી પણ તે સુગંધિત રહે છે. તેનાં પુષ્પોમાંથી અત્તર બનાવવામાં આવે છે. તાજાં પુષ્પોના જલ-નિસ્યંદન દ્વારા લગભગ 0.01 % અત્તર ઉત્પન્ન થાય છે.

તેનાં પાકાં ફળો ખાદ્ય હોય છે અને તેનો ઉપયોગ કેટલીક વાર અથાણાં બનાવવામાં થાય છે. છાલ અને પુષ્પોમાં સેપોનિન અને એક ઍલ્કેલૉઇડ હોય છે.

તેનાં પર્ણો અને તરુણ ડાળીઓનો ઉપયોગ ઘાસચારા તરીકે થાય છે. મૂળની છાલ અને તરુણ ડાળીઓનાં દાતણ દાંત મજબૂત કરવામાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર તે શીતળ, હૃદ્ય, મધુર, તૂરી, હર્ષપ્રદ, મદાઢ્ય, પાકકાળે ગ્રાહક, તીખી, બલપ્રદ અને ગુરુ છે અને વિષદોષ, દંતરોગ, કફ, પિત્ત, શ્વેત કુષ્ઠ અને કૃમિનો નાશ કરે છે. તેનાં ફળ મધુર, સ્નિગ્ધ, તૂરાં, શીત, વાતલ, ગ્રાહક અને દંતહિતકારક છે અને કફ તથા પિત્તનો નાશ કરે છે. તેનાં પુષ્પ રુચિકારક, ક્ષીરાઢ્ય, સુગંધી, શીતળ, મધુર, સ્નિગ્ધ, તૂરાં, મલસંગ્રહકારક અને દંતરોગનો નાશ કરનારાં છે. તે અતિશીત, કડવું, મધુર અને દીપન છે અને પિત્ત, દાહ, કફ, શ્વાસ, મૂત્રકૃચ્છ્ર, વિષ, શ્રમ અને અશ્મરીનો નાશ કરે છે.

તેનો ઉપયોગ અતિસાર, હૃદયરોગ, પ્રદર અને ધાતુવિકાર, કૉલેરા, મુખરોગ, ગળાનો સોજો, ઉધરસ અને મસ્તકશૂળ પર થાય છે.

જૈન સાહિત્યમાં એકવીસમા તીર્થંકર નેમિનાથને કેવળજ્ઞાન આ વૃક્ષની નીચે થયાનો ઉલ્લેખ છે.

રાયણ [Manilkara hexandra (Roxb.) Dub.], ચીકુ [Manilkara zapota (L.) van Royen.] અને મહુડો [Madhuca indica J. F. Gmel.] બકુલનાં સહસભ્યો છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ