બંધારણસભા : દેશનું બંધારણ ઘડવા માટે લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓની બનેલ સભા. બંધારણસભા દ્વારા બંધારણ ઘડવાનો અને તેનો અંગીકાર કરવાનો પહેલો પ્રયોગ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં થયો. અમેરિકાનું બંધારણ એ બંધારણસભા દ્વારા ઘડાયેલ લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્રનું પ્રથમ લેખિત બંધારણ છે. ભારતનું સ્વતંત્ર બંધારણ કોઈ પણ જાતની બાહ્ય દખલગીરી કે દબાણ વિના ભારતના લોકો દ્વારા પસંદ થયેલા પ્રતિનિધિઓ ઘડે, એ ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામના લડવૈયાઓની એક મુખ્ય માંગણી અને અપેક્ષા હતી. આઝાદીની લાંબી લડતને અંતે જ્યારે બ્રિટિશ સરકારે ભારતને આઝાદી આપવાનો નિર્ણય કર્યો, ત્યારે વચગાળાની વ્યવસ્થા ગોઠવવા અને ભારતના નવા બંધારણને લગતા પ્રશ્નમાં સહાયભૂત થવાના હેતુથી બ્રિટિશ સરકારે ભારતમાં કૅબિનેટ મિશન મોકલ્યું. બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોનો સમાવેશ કરનાર ‘યુનિયન ઑવ્ ઇન્ડિયા’નું નવું બંધારણ પુખ્ત વય મતાધિકારને ધોરણે અને પ્રત્યક્ષ ચૂંટણી થકી પસંદ થયેલ પ્રતિનિધિઓ દ્વારા ઘડાય એ ઇચ્છનીય હતું; પણ એમ કરવામાં ઘણો વિલંબ થાય તેમ હતો તેમજ તે વખતના સંજોગોમાં એ કદાચ શક્ય પણ ન હતું. આથી વ્યવહારુ ઉપાય તરીકે જાન્યુઆરીથી એપ્રિલ 1946 દરમિયાન ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935ના કાયદા હેઠળ, યોજાયેલ ચૂંટણીઓથી રચવામાં આવેલી પ્રાંતિક ધારાસભાઓનો ઉપયોગ બંધારણસભાની રચના કરનાર સંસ્થાઓ તરીકે કરવો, એવું સૂચન કૅબિનેટ મિશને કર્યું.
વળી કૅબિનેટ મિશને બંધારણસભાની રચના માટે બીજાં પણ કેટલાંક સૂચનો કર્યાં; જેમ કે, દર દસ લાખની વસ્તીએ એક પ્રતિનિધિ – એ ધોરણે દરેક પ્રાંતને કુલ બેઠકો ફાળવવી. આ કુલ બેઠકોને જે તે પ્રાંતમાં રહેતી મુખ્ય ત્રણ કોમોને તેમની વસ્તીના પ્રમાણમાં ફાળવી આપવી અને દરેક પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયેલ જે તે કોમના સભ્યો પોતાની કોમને ફાળવવામાં આવેલ બેઠકો માટે સભ્યોની ચૂંટણી કરે. આ ચૂંટણી માટે મુખ્ય ત્રણ કોમો–‘સામાન્ય’, મુસ્લિમ અને શીખ–ને ગણતરીમાં લેવી. ‘સામાન્ય’માં મુસ્લિમ અને શીખ સિવાય અન્ય સૌનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ રીતે બ્રિટિશ હિંદના 11 પ્રાંતોની પ્રાંતિક ધારાસભાઓ બધા મળીને કુલ 292 સભ્યોની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મતદાનપદ્ધતિ(single transferable vote)થી કરે એમ નક્કી કરવામાં આવ્યું. બંધારણસભામાં દેશી રિયાસતો અને રજવાડાંઓના પ્રતિનિધિઓની સંખ્યા 93 નક્કી કરવામાં આવી. દેશી રાજ્યો પોતાના પ્રતિનિધિઓની પસંદગી કેવી રીતે કરશે એ એમની સાથે વાટાઘાટો કરીને નક્કી કરવું એમ ઠરાવવામાં આવ્યું.
1946ના જુલાઈમાં બંધારણસભાની રચના માટે ચૂંટણીઓ યોજાઈ. એનાં અંતિમ પરિણામો 25 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યાં. 210 ‘સામાન્ય’ બેઠકો, 78 મુસ્લિમ બેઠકો, 4 શીખ બેઠકો, 3 બેઠકો ચીફ કમિશનરોના પ્રાંતો (દિલ્હી, કુર્ગ અને અજમેર–મેવાડ)ની અને એક બેઠક બલુચિસ્તાનની એમ કુલ 296 બેઠકો પર ચૂંટણી યોજાઈ. એમાં કૉંગ્રેસ પક્ષને 202 બેઠકો, મુસ્લિમ લીગને 73, અપક્ષોને 7, યુનિયનિસ્ટ મુસ્લિમોને 3, ઇન્ડિયન ક્રિશ્ચિયનોને 2 તથા કૃષક પ્રજા પરિષદ, શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન, હિંદુ મહાસભા, ઍન્ગ્લો ઇન્ડિયન અને કૉમ્યુનિસ્ટ એ દરેકને એક એક બેઠક મળી.
જ્યાં સુધી દેશના ભાગલા અને પાકિસ્તાનની રચના કરવાનું સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી મુસ્લિમ લીગ ન તો વચગાળાની સરકારમાં ભાગીદાર થશે કે ન તો બંધારણસભામાં સામેલ થશે, એવું લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ જાહેર કર્યું. બંધારણસભાની બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી છતાં 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાની પહેલી બેઠક સૌથી વયોવૃદ્ધ સભ્ય સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખપદે સૌપ્રથમ વાર મળી. ત્યારબાદ બંધારણસભાના કાયમી પ્રમુખ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદની વરણી કરવામાં આવી.
દરમિયાન દેશના ભાગલા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. બ્રિટિશ સંસદે હિંદ સ્વાતંત્ર્યધારો, 1947 પસાર કર્યો. આ કાયદા અનુસાર હિંદની બંધારણસભાને સ્વીકૃતિ આપવામાં આવી; સાથે સાથે પાકિસ્તાન માટે અલગ બંધારણસભાની રચના કરવાનું સ્વીકારવામાં આવ્યું. દેશી રાજ્યોને હિંદ અથવા પાકિસ્તાન બેમાંથી એકમાં જોડાવા માટે પૂરી સ્વતંત્રતા આપવામાં આવી અને હિંદ અથવા પાકિસ્તાનની બંધારણસભામાં પોતાના પ્રતિનિધિઓ મોકલવા જણાવવામાં આવ્યું.
તા. 20થી 26 જાન્યુઆરી દરમિયાન હિંદની બંધારણસભાની બીજી ખુલ્લી બેઠક મળી. તેમાં પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કરેલ ‘ઉદ્દેશોને લગતો ઠરાવ’ (objectives resolutions) પસાર કરવામાં આવ્યો. દેશનું નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યા બાદ શક્ય એટલી ત્વરાથી ‘ભાષા’, સંસ્કૃતિ, વહીવટ અને આર્થિક ર્દષ્ટિએ ‘સમરૂપ એકમો’ બને એ હેતુને નજર સમક્ષ રાખીને પ્રાંતોની પુનર્રચના કરવા સંબંધી પંડિત નેહરુએ રજૂ કરેલ ઠરાવને સર્વાનુમતિએ મંજૂર કરવામાં આવ્યો.
બંધારણનાં વિવિધ પાસાંઓ પર વિચાર કરી ભલામણો કરવા જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી. આમાંની કેટલીક મહત્ત્વની સમિતિઓમાં (1) સંઘની સત્તાઓને લગતી સમિતિ, (2) સંઘના બંધારણને લગતી સમિતિ, (3) પ્રાંતિક બંધારણ સમિતિ, (4) મૂળભૂત હકો અને લઘુમતીઓ માટેની સમિતિ, (5) સંઘ-રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધોને લગતી સમિતિ વગેરેનો સમાવેશ થાય છે.
આ સમિતિઓના હેવાલોને આધારે બંધારણસભાના સલાહકાર બી. એન. રાવે બંધારણનો એક કાચો મુસદ્દો તૈયાર કર્યો. ત્યારબાદ બંધારણસભાએ ડૉ. બી. આર. આંબેડકરના અધ્યક્ષપદે બંધારણનો છેવટનો મુસદ્દો તૈયાર કરવા માટે મુસદ્દા સમિતિની રચના કરી. મુસદ્દા સમિતિના બીજા સભ્યો હતા : અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલસ્વામી આયંગર, કનૈયાલાલ મુનશી, ટી. ટી. કૃષ્ણમાચારી, મોહંમદ સાદુલ્લા અને માધવ રાવ. મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ બંધારણના મુસદ્દા પર બંધારણસભાએ ઘણી વિગતે અને તલસ્પર્શી ચર્ચા કરી. બંધારણ-ઘડતરનું કામ લોકશાહી ઢબે થયું. સભ્યોએ સૂચવેલા સુધારાઓ પર વિગતે ચર્ચા કરવામાં આવી. બંધારણના વિવિધ મુદ્દાઓ પરની ટીકાટિપ્પણીઓ પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં આવતી. કુલ 165 દિવસોને આવરી લેનાર બંધારણસભાનાં અગિયાર સત્રોમાં બંધારણ-ઘડતરનું કામ થયું. બંધારણસભાને બંધારણ ઘડતાં લગભગ ત્રણ વર્ષ (બે વર્ષ, અગિયાર મહિના અને 18 દિવસ) લાગ્યાં.
કૅબિનેટ મિશનની યોજના પ્રમાણે બંધારણસભાના કુલ સભ્યો 385 (292 બ્રિટિશ પ્રાંતોના અને 93 સભ્યો દેશી રાજ્યોના) હતા. પાકિસ્તાનની રચના થવાથી 75 સભ્યો ઓછા થયા. જ્યારે બંધારણસભાએ બંધારણનો અંગીકાર કર્યો ત્યારે એની કુલ સભ્યસંખ્યા 310 સભ્યોની હતી. બંધારણસભાના સભ્યોની પસંદગીમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. બંધારણસભામાં દેશના જુદા જુદા સમુદાયોનું પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ વ્યક્ત થાય અને કાનૂન તેમજ બંધારણ-ઘડતરના ક્ષેત્રમાં દેશમાં જે પ્રતિભાવાન વ્યક્તિઓ હતી, એનો પૂરેપૂરો લાભ બંધારણ-ઘડતરના કાર્યને મળે એ દિશામાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવ્યા. મુસ્લિમ અને શીખો ઉપરાંત દેશની ઍન્ગ્લો-ઇન્ડિયન, હિંદી-ખ્રિસ્તીઓ જેવી અન્ય લઘુમતીઓ, અનુસૂચિત જ્ઞાતિઓ અને જનજાતિઓનું પ્રતિનિધિત્વ બંધારણસભામાં વ્યક્ત થાય એ માટે પ્રયાસો કરવામાં આવ્યા. આમ, બંધારણસભામાં વિવિધ વિચારો અને અભિગમો, માન્યતાઓ અને વિચારધારાઓ તેમજ ધંધા-રોજગાર અને વ્યવસાયો ધરાવતા મહાનુભાવો હતા જેમનાં જ્ઞાન અને અનુભવનો લાભ દેશના નવા બંધારણને મળ્યો.
બંધારણસભાએ કેટલાક મહત્વના નિર્ણયો લીધા; દા.ત., 10 ઑક્ટોબર 1949થી પ્રિવી કાઉન્સિલનો ક્ષેત્રાધિકાર હિંદીઓના કેસોમાં રહેશે નહિ. હિંદનું નામ ‘ભારત’ અને અંગ્રેજીમાં ‘ઇન્ડિયા’ રહેશે, અને ભારતીય સંઘની ભાષા દેવનાગરી લિપિમાં લખાતી હિંદી રહેશે. બંધારણના અમલનાં શરૂઆતનાં પંદર વર્ષ સુધી સર્વોચ્ચ અદાલત, પ્રાંતોની વડી અદાલતો તથા તમામ કાયદા, ખરડા, આદેશો, નિયમો વગેરે માટેની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરી શકાશે. કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ રંગ ધરાવતો અને સફેદ રંગના પટામાં 24 આરાનું ધર્મચક્ર ધરાવતો ધ્વજ ભારતનો રાષ્ટ્રધ્વજ રહેશે. રવીન્દ્રનાથ ટાગોરે રચેલ ‘જનગણમન’ ગીતની પ્રથમ કડી એ ભારતનું રાષ્ટ્રગીત રહેશે.
બંધારણના ઘડતરમાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફાળો સવિશેષ ઉલ્લેખનીય છે. વળી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, એચ. વી. કામઠ, નઝીરુદ્દીન અહમદ, શિબ્બનલાલ સક્સેના, કે. ટી. શાહ, એચ. એન. કુંઝરૂ, ઠાકુરદાસ ભાર્ગવ, ફ્રૅન્ક એન્થની, મીનુ મસાણી અને શ્રીમતી દુર્ગાબાઈ વગેરે સભ્યોએ પણ બંધારણના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણસભાના સલાહકાર તરીકે ડૉ. બી. એન. રાવે પોતાના નિષ્ણાત જ્ઞાનનો લાભ બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં આપ્યો હતો.
દેશ આઝાદ થયા બાદ 17 નવેમ્બર 1947ના રોજ બંધારણસભા પ્રથમ વાર દેશની સંસદ તરીકે મળી, જેના અધ્યક્ષસ્થાને ગણેશ વાસુદેવ માવળંકર હતા. 1952માં યોજાયેલ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ નવી સંસદ અસ્તિત્વમાં આવી ત્યાં સુધી બંધારણસભાએ દેશની સંસદની પણ ભૂમિકા અદા કરી.
લાંબી ચર્ચાવિચારણા અને વિમર્શ બાદ 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણસભાએ જ્યારે નવા બંધારણને સર્વાનુમતે બહાલી આપી ત્યારે એ 395 આર્ટિકલો અને 8 પરિશિષ્ટો ધરાવતું જગતનું સૌથી મોટું, સૌથી વિસ્તૃત અને વિશદ બંધારણ બન્યું. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને એની સાથે ભારતનો સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઉદય થયો.
દિનેશ શુક્લ